________________
અન્નત્થ સૂત્ર ધ્યેયના ધ્યાનથી જીવના વિષયોના વિકાર અલ્પ થાય છે, તેના કારણે ચિત્તમાં સ્વસ્થતા પ્રગટે છે, તેથી પૂર્ણ સ્વસ્થતાનો અર્થી એવો તે જીવ ખેદ વગર મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે.
વળી, જેમ મોહવિષથી ગ્રસ્ત સંસારી જીવો સંસારમાર્ગમાં પ્રવર્તે છે તેમ મોહવિષથી અગ્રસ્ત એવો વિવેકી સંસારમાર્ગમાં પ્રવર્તતો નથી, પરંતુ પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી જે ચિત્તની સ્વસ્થતા પ્રગટેલી છે તેને અતિશય કરવા માટે તે જીવ સદા પ્રવર્તે છે, ક્વચિત્ મંદ મંદ ભોગના વિકારો થાય ત્યારે પણ તે ભોગના વિકારોના ઉપદ્રવને શમન કરવા માટે તે જીવ વિવેકપૂર્વક ભાગમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ ભોગના વિકારોની વૃદ્ધિ થાય તેમ પ્રવૃત્તિ કરતો નથી, આથી જ ભોગકાળમાં પણ તેમનું મોક્ષમાર્ગમાં થતું ગમન વ્યાઘાત પામતું નથી.
વળી, મોહવિષથી ગ્રસ્ત જીવો ભાવથી મોક્ષમાર્ગમાં જતા નથી, પરંતુ ક્યારેક ખેદ પામેલો કોઈક જીવ દ્રવ્યથી મોક્ષમાર્ગમાં જાય છે અને વળી, કોઈક જીવ મોહવિષથી ગ્રસ્ત નહિ હોવા છતાં દ્રવ્યથી સંસારમાર્ગમાં જાય છે, અને ભાવથી મોક્ષમાર્ગમાં જાય છે, જેમ વિવેકી પુરુષ દ્રવ્યથી ભોગક્રિયા કરે છે તે સંસારમાર્ગની પ્રવૃત્તિ છે, તોપણ ભાવથી તેની પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ જ છે, આથી જ સમ્યગ્દષ્ટિ જીવોની ભોગની પ્રવૃત્તિ પણ સંવેગસારા હોય છે તે ભાવથી મોક્ષને અનુકૂળ ગમન સ્વરૂપ છે અને દ્રવ્યથી સંસારમાર્ગની પ્રવૃત્તિ છે. વળી, સમ્યગ્દષ્ટિ જીવો ધર્માનુષ્ઠાન સેવે છે ત્યારે દ્રવ્યથી અને ભાવથી મોક્ષપથને અનુકૂળ ગમન છે, તેથી ભોગકાળમાં સમ્યગ્દષ્ટિ જીવોના મોક્ષપથના ગમન કરતાં પણ ધર્માનુષ્ઠાનકાળમાં મોક્ષપથનું ગમન ઝડપી થાય છે; કેમ કે દ્રવ્યથી આચરણા પણ મોક્ષપથને અનુકૂળ છે અને ચિત્ત પણ મોક્ષપથને અનુકૂળ છે. જેઓ મોહવિષથી ગ્રસ્ત છે તેઓ સંસારપથમાં ગમન કરતા હોય ત્યારે તો ઉત્સાહિત હોય છે, પરંતુ ક્યારેક પરલોક માટે સંયમ ગ્રહણ કરીને તપત્યાગની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તપસંયમથી ઉપશમના સુખને પામનારા નહિ હોવાથી ભાવથી ખેદિત હોય છે અને દ્રવ્યથી સંયમની ક્રિયા કરવા છતાં ભાવથી મોક્ષપથમાં જતા નથી; કેમ કે વિષયોજન્ય ભાગમાં જ સુખબુદ્ધિ સ્થિર છે, ફક્ત વિશિષ્ટ ભોગ સામગ્રીયુક્ત ભવની પ્રાપ્તિ માટે કષ્ટકારી સંયમની આચરણા કરે છે, તેથી દ્રવ્યથી મોક્ષપથની પ્રવૃત્તિ કરે છે તેમ જણાય છે, ભાવથી તો તેઓ સંસારમાર્ગમાં જ પ્રવર્તે છે. જેમ સમ્યગ્દષ્ટિ જીવો દ્રવ્યથી સંસારમાર્ગમાં પ્રવર્તતા હોવા છતાં ભાવથી મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમ ગાઢ વિપર્યાસવાળા જીવો દ્રવ્યથી મોક્ષમાર્ગમાં પ્રવર્તતા હોવા છતાં પણ ભાવથી સંસારમાર્ગમાં જ પ્રવર્તે છે.
આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેઓને વિષયોની સ્પૃહા ક્ષીણ થઈ છે તેવા મહાત્માઓ જ્ઞાનક્રિયાત્મક યોગમાર્ગમાં સતત પ્રવર્તે છે, તેથી તેઓની સર્વ પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગમનરૂપ છે અર્થાત્ ભોગની પ્રવૃત્તિમાં પણ ભોગના સંસ્કારોને ક્ષીણ કરવા માટે યત્ન કરે છે અને યોગમાર્ગની પ્રવૃત્તિમાં પણ ભોગના સંસ્કારોને ક્ષણ કરવા માટે પ્રવર્તે છે; કેમ કે તેઓને સમ્યજ્ઞાન છે કે સુખનો એક ઉપાય વિષયોના વિકારોનો ક્ષય છે, તેથી તેઓ જે જે ક્રિયા કરે છે તે તે ક્રિયાઓ વિકારોના ક્ષય માટે કરે છે, માટે તેઓ ક્રિયા જ્ઞાનાત્મક યોગમાર્ગમાં સતત પ્રવર્તે છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે, તેનાથી નક્કી થાય છે કે વિદ્યાજન્મથી બંધાયેલું કર્મ સુવર્ણ ઘટના ઉદાહરણથી અવંધ્ય વિદ્યાજન્મની પ્રાપ્તિનું કારણ છે.