________________
૮૩
અસત્ય સૂત્ર
અહીં પૂર્વપક્ષી કહે કે જેમ કેટલાક સાધુ અને શ્રાવકો પ્રસ્તુત દંડકથી આઠ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે તેમ કેટલાક સાધુ અને શ્રાવકો ભુજાના પ્રલંબમાત્રથી પણ પ્રસ્તુત કાયોત્સર્ગ કરે છે, માટે તેને પણ પ્રમાણ સ્વીકારવો જોઈએ, તેને ગ્રંથકારશ્રી કહે છે –
ભુજાપ્રલંબમાત્રથી કરાતો કાઉસ્સગ્ગ પ્રમાણભૂત નથી; કેમ કે તેઓની આચરણામાં શિષ્ટ પુરુષથી આચરિત જિત વ્યવહારની આચરણાનું લક્ષણ પ્રાપ્ત થતું નથી, તેથી જેમ પૂર્વમાં સંવત્સરી પાંચમની થતી હતી, તોપણ જિતવ્યવહારના લક્ષણની પ્રાપ્તિને કારણે ચોથની સંવત્સરી સ્વીકારાઈ છે, તેમ કેટલાક સાધુ આદિથી ભુજાપ્રલંબમાત્ર કાયોત્સર્ગ કરાય છે, તેને પ્રમાણ સ્વીકારી શકાય નહિ; કેમ કે તેમાં જિત વ્યવહારના લક્ષણનો અયોગ છે. કેમ જિત વ્યવહારના લક્ષણનો તેમાં અયોગ છે તે બતાવવા માટે સાક્ષીપાઠ આપે છે, તે આ પ્રમાણે – અશઠ પુરુષથી જે કંઈ અસાવદ્ય આચરાયું હોય, બીજા સુવિહિતો દ્વારા નિવારણ ન કરાયું હોય, ઘણા સુવિદિતોને અનુમત હોય તેવી આચરણા જિત વ્યવહાર તરીકે પ્રમાણભૂત સ્વીકારી શકાય અને તેવું લક્ષણ ભુજામલંબમાત્ર કાયોત્સર્ગ કરનારા સાધુની આચરણામાં પ્રાપ્ત થતું નથી તે બતાવતા કહે છે.
જેઓ ભુજાપ્રલંબમાત્ર કાઉસ્સગ્ન કરે છે તે અસાવદ્ય નથી, પરંતુ સાવદ્ય પ્રવૃત્તિરૂપ છે, જો કે તે પ્રમાણે કાયોત્સર્ગ કરનારા પ્રસ્તુત દંડક સૂત્ર બોલીને ભુજાપ્રલંબરૂપે કાઉસ્સગ્નમાં રહીને કોઈક શુભ ચિંતવન કરે છે, કોઈ સંસારની પ્રવૃત્તિ નથી કરતા, તોપણ તે પ્રવૃત્તિ અસાવદ્ય નથી, પરંતુ સાવદ્ય છે; કેમ કે તેઓ સૂત્રાર્થનું ઉલ્લંઘન કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી સૂત્રના અર્થથી વિરુદ્ધ પ્રવૃત્તિ હોવાને કારણે સાવદ્ય છે.
તેથી એ ફલિત થાય કે જે પ્રવૃત્તિ સૂત્ર અનુસાર હોય તે જ પ્રવૃત્તિ અસાવદ્ય છે અને સૂત્ર વિરુદ્ધ સર્વ પ્રવૃત્તિ સાવદ્ય છે. આથી જ સાધુના અને શ્રાવકના આચારોમાં જે અતિચારો છે તે પણ ઉત્સુત્રરૂપ છે, માટે સાવદ્ય જ છે, ફક્ત સુસાધુ કે સુશ્રાવકો જે અતિચારો થાય છે તે અતિચારોને વારંવાર આ ઉત્સુત્ર છે, ઉન્માર્ગ છે તેમ નિંદા કરીને તેને નિરનુબંધ કરે છે, જ્યારે ભુજાના પ્રલંબમાત્રરૂપ કાઉસ્સગ્નને સ્વીકારનારા તો તેને કર્તવ્ય માને છે, વસ્તુતઃ તે આચરણા સૂત્ર વિરુદ્ધ હોવાથી ઉત્સુત્ર છે, માટે સાવદ્ય છે. કેમ સૂત્રના અર્થનો વિરોધ છે ? તેથી કહે છે – સૂત્રના અર્થનું પ્રતિપાદિતપણું છે અર્થાત્ બે પ્રકારના કાયોત્સર્ગ છે, ચેષ્ટા અને અભિભવરૂપ, તેમાં પ્રસ્તુત કાયોત્સર્ગ ચેષ્ટારૂપ છે તેમ પ્રતિપાદિત છે, માટે તે પ્રતિનિયત કાલમાનવાળો છે તેમ પ્રતિપાદિત થાય છે માટે તેનાથી વિપરીત સ્વીકાર ઉત્સુત્રરૂપ છે, તેથી તે આચરણા સાવદ્ય છે, અસાવદ્ય નથી.
અહીં પ્રશ્ન થાય કે અભિભવ કાયોત્સર્ગ જેમ પ્રતિનિયત માન વગર કરાય છે, તેમ પ્રસ્તુત દંડક કાયોત્સર્ગ પણ કોઈ તે પ્રમાણે કરે તો સૂત્રનો શું વિરોધ પ્રાપ્ત થાય ? અર્થાત્ વિરોધ પ્રાપ્ત થાય નહિ; કેમ કે અભિભવ કાયોત્સર્ગમાં જેમ ભુજા પ્રલંબ કરીને શુભ ચિંતવન કરાય છે, તેમ પ્રસ્તુત દંડક સૂત્રથી પણ ભુજા પ્રલંબ કરીને કેટલાક સાધુઓ શુભ ચિંતવન કરે છે, માટે સૂત્રનો વિરોધ નથી, તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –