________________
૧૮
લલિતવિસ્તરા ભાગ-૩ અનુસાર જિનપૂજા અને સત્કાર કર્યા પછી પણ ચૈત્યવંદન દ્વારા તેના ફળની ઇચ્છા વિવેકી શ્રાવક કરે છે. કેમ શ્રાવકને જિનની પૂજામાં અને સત્કારમાં અસંતોષ છે ? તેથી કહે છે – પોતાની ભૂમિકા અનુસાર પ્રધાનરૂપે ઉચિત પ્રવૃત્તિરૂપ ભગવાનનાં પૂજા-સત્કાર છે; કેમ કે તેવી ભૂમિકાવાળા શ્રાવક માટે પૂજાસત્કાર સદ્ આરંભરૂપ છે અર્થાત્ કલ્યાણના કારણભૂત તેવા આરંભરૂપ છે. કેમ શ્રાવકને ભગવાનના પૂજા-સત્કારકાળમાં થતા આરંભ પણ કલ્યાણનાં કારણ છે? તેથી કહે છે –
ઉચિત પ્રવૃત્તિરૂપ જે ભગવાનની આજ્ઞા છે તે રૂ૫ અમૃતનો યોગ પૂજા-સત્કારમાં છે; કેમ કે ભગવાનની પૂજાના કાળમાં વિવેકી શ્રાવકનું ચિત્ત જિનગુણથી અત્યંત રંજિત-રંજિતતર થાય છે, જેથી જિનતુલ્ય થવામાં બાધક ભોગતૃષ્ણાનો પરિણામ જે શ્રાવકના ચિત્તમાં વર્તે છે તેને ક્ષય કરનાર જિનભક્તિ છે, તેથી તે જિનભક્તિ આત્માને માટે અજર-અમર ભાવરૂપ જે મોક્ષ તેનું પરંપરાએ કારણ છે, માટે ભગવાનના પૂજા-સત્કારમાં શ્રાવકને ઉચિત પરિણામરૂપ આજ્ઞા અમૃતનો સંયોગ છે, આથી જ શ્રાવકની પૂજાથી અસદ્ આરંભની નિવૃત્તિ થાય છે. જો કે શ્રાવક પૂલથી પૂજા કરે છે ત્યારે પણ તે તે પ્રકારના આરંભ કરે છે અને સંસારની ક્રિયા કરે છે ત્યારે પણ તે તે પ્રકારના આરંભની ક્રિયા કરે છે, પરંતુ સંસારના આરંભની ક્રિયાના કાળમાં ભોગનો કંઈક સંશ્લેષ વર્તે છે અને જિનના પૂજાકાળમાં જિનના ગુણોથી ચિત્ત વાસિત થવાને કારણે તે ભોગનો સંશ્લેષ ક્ષીણ થાય છે, તેથી પૂજા કર્યા પછી શ્રાવકની સંસારની પ્રવૃત્તિમાં બાહ્ય રીતે અસદ્ આરંભની નિવૃત્તિ ન જણાય તોપણ અસદ્ આરંભમાં જે સંશ્લેષની પરિણતિ છે તે પૂજાથી ક્ષીણ થાય છે, તેથી ઉત્તરનો અસદ્ આરંભ ભાવથી ક્ષીણ શક્તિવાળો હોય છે. અને પૂજા-સત્કાર વગર તે ભોગના સંશ્લેષની પરિણતિ ક્ષીણ થઈ શકે તેમ નથી, એમ વિવેકી શ્રાવક સ્વઅનુભવથી જાણે છે વળી જેઓ ભગવાનની આજ્ઞા વિતરાગ થવાની છે તેના સ્મરણપૂર્વક વિતરાગતુલ્ય થવાના અભિલાષને અતિશય કરવા માટે યત્ન થાય તે પ્રકારે પૂજા-સત્કાર કરતા નથી તેઓને અસદ્ આરંભની નિવૃત્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ વિવેકી શ્રાવકના વિવેકપૂર્વકના પૂજા-સત્કારથી અવશ્ય અસ આરંભની નિવૃત્તિ થઈ શકે છે,
ભગવાનની પૂજાથી અન્ય પ્રકારે શ્રાવકના અસદ્ આરંભની નિવૃત્તિ કેમ થઈ શકતી નથી ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
જો વીતરાગગામી ઉપયોગ વગરની માત્ર બાહ્ય પ્રવૃત્તિના નિવર્તનથી અસદ્ આરંભની નિવૃત્તિ થતી હોત તો કોઈક જુગાર રમે કે હીંચકા પર બેસીને હીંચકા ખાય ત્યારે સાક્ષાત્ કોઈ જીવની હિંસા થતી નથી, ત્યાં પણ અસદ્ આરંભની નિવૃત્તિ સ્વીકારવાનો પ્રસંગ આવે, વસ્તુતઃ જુગાર રમવાની કે હીંચકા ખાવાની ક્રિયાના કાળમાં ભોગના સંશ્લેષનો પરિણામ લેશ પણ ક્ષીણ થતો નથી, તેથી અસદ્ આરંભની નિવૃત્તિ થતી નથી, જ્યારે ભગવાનની પૂજાના કાળમાં વીતરાગતાને અભિમુખ જતું ચિત્ત હોવાને કારણે વીતરાગભાવને અનુકૂળ ઉત્તમ સંસ્કારોનું આધાન થાય છે જેનાથી અસ આરંભના બીજભૂત બાહ્ય પદાર્થો પ્રત્યેનો સંશ્લેષ ક્ષણ-ક્ષણતર થાય છે, માટે જિનપૂજા અને સત્કારને છોડીને અન્ય પ્રકારે શ્રાવકમાં વર્તતા અસદ્ આરંભની નિવૃત્તિ થતી નથી.