________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩
હવે સ્પર્શસંખ્યાને આશ્રયીને વિચારીએ તો ગ્રહણ કરાયેલા ભાષાવર્ગણાના પુદ્ગલોમાંથી કેટલાક ભાગના પુદ્ગલો બેસ્પર્શવાળા હોય છે પરંતુ એકસ્પર્શવાળો ભાગ ભાષાવર્ગણાના પુદ્ગલોમાં પ્રાપ્ત થતો નથી; કેમ કે એકપણ પરમાણુ અવશ્ય બેસ્પર્શવાળો હોય જ છે તેથી તે ગ્રહણ કરાયેલા ભાષાસ્કંધમાં બે સ્પર્શથી ઓછા સ્પર્શ પ્રાપ્ત થાય નહિ.
તે બે સ્પર્શ કયા પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – મૃદુ-શીત, અથવા મૃદુ-ઉષ્ણ એ બે સ્પર્શી પ્રાપ્ત થાય છે, કેટલાક ભાગમાં ત્રણ સ્પર્શો પણ પ્રાપ્ત થાય
કઈ રીતે ત્રણ સ્પર્શી પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
તે ભાષાવર્ગણાના સ્કંધના એક ભાગમાં કેટલાક પુદ્ગલો મૃદુ-શીત સ્પર્શવાળા હોય છે અને કેટલાક પુદ્ગલો મૃદુ-સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે તે બેનો સમુદાય ગ્રહણ કરીને વિચારીએ તો મૃદુ, શીત, અને સ્નિગ્ધ એમ ત્રણસ્પર્શની પ્રાપ્તિ થાય એ રીતે અન્ય સ્પર્શ ગ્રહણ કરીને ત્રણ સ્પર્શે ભાવન કરવા.
વળી તે ભાષાવર્ગણાના સ્કંધમાં કેટલાક પુદ્ગલો ચારસ્પર્શવાળા પણ હોય છે. વળી આખા સ્કંધના સમુદાયને આશ્રયીને વિચાર કરીએ તો ચાર સ્પર્શવાળા જ હોય છે. અને સમુદાયના કોઈક ભાગને ગ્રહણ કરીએ તો બેસ્પર્શવાળા, ત્રણસ્પર્શવાળા કે ચારસ્પર્શવાળા પણ પ્રાપ્ત થાય.
વળી ભાષાવર્ગણાના સ્કંધમાં જે ચાર સ્પર્શે છે તેમાં મૃદુ અને લઘુ સ્પર્શ દરેક પરમાણુમાં અવસ્થિત છે. અને અન્ય બે સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ કે રૂક્ષ-શીત પ્રાપ્ત થાય છે. તેથી આખા સ્કંધને આશ્રયીને વિચારીએ તો મૃદુ અને લઘુરૂપ બે, સ્નિગ્ધ અને ઉષ્ણરૂપ બે તથા શીત અને રૂક્ષરૂપ બે એમ કુલ છ સ્પર્શ પ્રાપ્ત થાય છતાં શાસ્ત્રકારોએ મૃદુ અને લઘુરૂપ જે અવસ્થિત સ્પર્શ છે તે દરેક પરમાણુમાં અવશ્ય છે તેની વિવક્ષા કર્યા વગર બાકીના ચાર સ્પર્શની વિરક્ષા કરેલ છે, તેથી ભાષાવર્ગણાના સ્કંધો ચાર સ્પર્શવાળા છે એમ શાસ્ત્રમાં નિર્દેશ કરેલ છે આ પ્રકારનો અર્થ સમ્પ્રદાયથી પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે પુદ્ગલમાં આઠ સ્પર્શે છે તે આઠ સ્પર્શોમાંથી છ સ્પર્શ ભાષાવર્ગણાના પુદ્ગલોમાં પ્રાપ્ત થાય છે તો તે છની વિવક્ષા કરવાને બદલે ચારની જ વિવક્ષા કેમ કરી ? અવસ્થિત બેની વિવક્ષા કેમ ન કરી ? ત્યાં ગ્રંથકારશ્રી કહે છે –
એ પ્રકારે પ્રશ્ન કરવો નહિ; કેમ કે સૂત્રની ગતિ વિચિત્ર અર્થાત્ જુદી જુદી વિવક્ષાને સામે રાખીને જુદા જુદા પ્રકારે સૂત્રોની રચના કરાય છે તેથી અવસ્થિતની વિપક્ષી ન કરવી અને અનવસ્થિતની જ વિવક્ષા કરવી એવા આશયથી કેટલાંક સૂત્રો રચવામાં આવે છે અને કેટલાંક સ્થાને તે વસ્તુમાં રહેલા સર્વધર્મોની વિવક્ષા કરવી તે આશયથી પણ સૂત્રો રચાય છે. વળી તે વસ્તુમાં રહેલા સ્કૂલ ધર્મોની જ વિવક્ષા કરવી, સૂક્ષ્મ ધર્મોની વિવેક્ષા ન કરવી એવા આશયથી પણ સૂત્રો રચાય છે. જેથી સૂત્રોના અનેક પ્રકારની પદ્ધતિનું જ્ઞાન પણ થાય તેથી સૂત્રકારે સૂત્ર આમ કેમ રચ્યું ? એમ પ્રશ્ન ન કરી શકાય.