________________
૧૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૪ પદાર્થના નિર્ણયની સામગ્રી વિદ્યમાન હોય ત્યારે સંશય થતો નથી પરંતુ નિર્ણય જ થાય છે અને જો તેવું ન માનવામાં આવે તો પ્રત્યક્ષથી વૃક્ષને જોયા પછી તેમાં વક્ર કોટર આદિ દેખાતા હોય જે વૃક્ષના નિર્ણયની સામગ્રી છે ત્યાં પણ આ વૃક્ષ છે કે પુરુષ એ પ્રકારના સંશયની ઉત્પત્તિનો પ્રસંગ છે.
આશય એ છે કે પર્વતમાં ધૂમાદિનું દર્શન થયા પછી જે પુરુષને ધૂમાદિના દર્શનના બળથી ધૂમ અને વહ્નિ વચ્ચેની વ્યાપ્તિજ્ઞાનનું સ્મરણ થાય છે અને તેના કારણે પર્વત અગ્નિવાળો છે, ધૂમવાળો હોવાથી જેમ મહાનસ છે ઇત્યાદિ પચાવયવ વાક્ય અગ્નિના નિર્ણયનો હેતુ છે તેના દ્વારા સંશયરૂપ સંભાવના સાધ્ય છે તેમ કહી શકાય નહિ. જેમ દૂર રહેલા વૃક્ષને જોઈને તેમાં રહેલા વક્ર કોટર આદિનું જ્ઞાન થાય ત્યારે આ વૃક્ષ છે તેવો નિર્ણય થાય છે પરંતુ તે વૃક્ષમાં પુરુષત્વનો સંશય થતો નથી. તેમ પરામર્શ આદિ નિશ્ચયની સામગ્રી દ્વારા અર્થનો નિર્ણય થાય છે પરંતુ સંશયરૂપ સંભાવના છે તેમ કહી શકાય નહિ માટે અનુમાનને પ્રમાણ સ્વીકારવું જોઈએ.
અહીં ‘નથથી નાસ્તિક કહે કે સંશયમાં બે કોટિ સમાન હોય છે અને સંભાવનામાં નિર્ણયને અભિમુખ એક કોટિ ઉત્કટ હોય છે તેથી ભાવ અંશમાં ઉત્કટ કોટિવાળો સંશય સંભાવના છે અને એક ઉત્કટ અંશની સંભાવનાને કારણે નિષ્કપ પ્રવૃત્તિ થાય છે. જેમ ખેડૂતને વર્ષાકાળમાં ખેતી કરવાથી ધાન્યપ્રાપ્તિની સંભાવના દેખાય છે, તેથી ખેતીમાં નિષ્કપ પ્રવૃત્તિ કરે છે, તેમ ધૂમને જોઈને પર્વતમાં અગ્નિની સંભાવના છે તેવો બોધ થવાથી અગ્નિનો અર્થી નિષ્કપ પ્રવૃત્તિ કરે છે; પરંતુ ધૂમ અને અગ્નિનો સહચાર મહાનસ આદિ અનેક સ્થળોમાં દેખાવા છતાં પર્વતમાં પણ અવશ્ય અગ્નિ છે તેવો નિર્ણય થઈ શકે નહિ, પરંતુ તેવો નિર્ણય તો પ્રત્યક્ષથી જ થઈ શકે એ પ્રકારનો નાસ્તિકનો આશય છે.
વળી ધૂમાદિના દર્શનથી વહ્નિની સંભાવના છે તેમ સ્વીકારવામાં ગૌરવદોષ નથી પરંતુ લાઘવ છે તે બતાવવા અર્થે નાસ્તિકવાદી કહે છે –
ધૂમને જોઈને અગ્નિનો નિર્ણય છે તેમ સ્વીકારવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે પર્વતમાં અગ્નિનો અભાવ નથી પરંતુ અગ્નિ છે જ અને તે પ્રકારના નિર્ણયનો આકાર એ પ્રાપ્ત થાય કે અગ્નિના અભાવના અપ્રકારકત્વથી યુક્ત અગ્નિનો નિશ્ચય છે અને ધૂમના દર્શનથી સંભાવના સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે અગ્નિના અભાવના પ્રકારત્વથી ઘટિત સંશય છે. તેથી અગ્નિના અભાવથી અપ્રકારકત્વ કરતાં અગ્નિના અભાવના પ્રકારકત્વને સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ છે; કેમ કે અભાવની ઉપસ્થિતિ કરતાં ભાવની ઉપસ્થિતિમાં લાઘવ પ્રાપ્ત થાય છે માટે ધૂમાદિના દર્શનથી અગ્નિ આદિની સંભાવનાને જ સ્વીકારવી ઉચિત છે.
આ પ્રકારની નાસ્તિકની યુક્તિનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વ્યાપ્તિજ્ઞાનાદિથી સંશયથી વ્યાવૃત્ત એવી અનુમિતિ જ થાય છે તેથી સંશયથી વ્યાવૃત્ત અનુમિતિમાં રહેલ અનુમિતિત્વ ધર્મ વ્યાપ્તિજ્ઞાનાદિજન્યતા અવચ્છેદક છે.