________________
૧૧૦
ભાષારહસ્થ પદાશ. ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨૩
અહીં કોઈ કહે કે સંસ્કૃત ભાષામાં વપરાતા શબ્દોમાં જે સંકેત છે તે સંતનું જ સત્યપણું છે, પરંતુ અપભ્રંશ ભાષામાં જે સંકેતો ગ્રહણ કરીને વ્યવહાર થાય છે તે સંકેત સત્ય નથી માટે તેવા અસત્ય સંકેત દ્વારા શાબ્દબોધ થાય તો તે ભ્રમથી જ થયો છે તેમ માનવું પડે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
સંસ્કૃત ભાષાના શબ્દોમાં રહેલા સંકેતો સત્ય છે અને અપભ્રંશ ભાષામાં રહેલા સંકેતો અસત્ય છે તેનો વિનિગમ કરવો અશક્ય છે અર્થાત્ તેવું સ્વીકારવામાં કોઈ યુક્તિ નથી માટે અપભ્રંશ ભાષામાં રહેલાં પદોના પણ સંકેતને સત્ય જ સ્વીકારવા જોઈએ. આ કથનમાં અધિક વિસ્તાર અન્ય ગ્રંથોમાં છે આ પ્રકારે ગ્રંથકારશ્રી દિશાસૂચન કરે છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે જનપદસત્ય તો તે તે દેશમાં જ સત્ય છે તેમ કહી શકાય, પરંતુ તેવાં જનપદસત્યવચનો શાસ્ત્રનાં શબ્દાત્તરપદોના મધ્યમાં રહેલાં હોય તોપણ તે જનપદસત્યવચનોને સત્ય કહી શકાય નહિ; કેમ કે જે શબ્દો તે અર્થના વાચકરૂપે તે તે દેશ સિવાય અન્યત્ર સર્વને સંમત નથી, તેથી તેવા શબ્દોને આ સત્યવચનો છે એમ શાસ્ત્ર કઈ રીતે સ્વીકારી શકે ? અર્થાત્ સ્વીકારી શકે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અવિપ્રતિપત્તિ હોવાને કારણે તે વચનો અદુષ્ટ વિવક્ષાના હેતુ છે તેથી તે દેશથી અન્યત્ર પણ શાસ્ત્રમાં તેનું સત્યપણું છે.
આશય એ છે કે તે દેશમાં સંમત એવા સત્યને કહેનારાં વચનોને ગ્રહણ કરીને તે પ્રમાણે તે વચનનો અર્થ કરવાથી વિસંવાદ વગર યથાર્થ અર્થનો બોધ થાય છે તેથી તે શબ્દો યથાર્થ વિવક્ષાના હેતુ છે તેના કારણે તે તે દેશમાં તે તે શબ્દોથી લોકોને યથાર્થ બોધ થાય છે અને તે પ્રમાણે લોકોમાં ઉચિત પ્રવૃત્તિ, નિવૃત્તિ તે શબ્દો દ્વારા થાય છે. તેમ શાસ્ત્રમાં પણ તે શબ્દોને તે દેશમાં સંમત એવા અર્થને ગ્રહણ કરીને પ્રયોગ કરાયેલો હોય તો તેનાથી વિદ્વાન લોકોને પણ વિવાદ વગર યથાર્થ બોધ થાય છે, માટે યથાર્થબોધના જનક એવાં તે તે પદોનો અર્થ તે તે દેશમાં સંમત છે તે અપેક્ષાએ તે વચનો સત્ય છે એમ સ્વીકારવું જોઈએ. જનપદસત્ય સ્વીકારની યુક્તિ -
જો જનપદસત્ય ન સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં વપરાયેલા દેશીય શબ્દોનો ક્યાંય પણ અન્વય થઈ શકે નહિ, તેથી અન્વયની અનુપત્તિ સ્વીકારવાનો પ્રસંગ આવે. અહીં દેશીય શબ્દ એટલે અપભ્રંશ શબ્દ, તે અપભ્રંશ શબ્દો તે તે કાળમાં તે તે દેશમાં તે તે અર્થમાં વપરાયેલા છે તે શબ્દોને ગ્રહણ કરીને જ શાસ્ત્રમાં પણ તે શબ્દો વપરાયેલા છે અને તે શબ્દોથી વાચ્ય અર્થને જનપદસત્ય કહીએ તો શાસ્ત્રમાં વપરાયેલા તે શબ્દોનો તે તે વાક્યોમાં અન્વય થઈ શકે અને જનપદસત્ય ન સ્વીકારીએ તો તેનો અન્વય થઈ શકે નહિ માટે જનપદસત્યને સ્વીકારવું જોઈએ. ૨૩