________________
૧૪૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૧
ભાવાર્થ:
(૭) વ્યવહારસત્યભાષા :
લોકોની વિવક્ષાથી જે ભાષા બોલાય તે ભાષામાં લોકોની જે વિવક્ષા છે તે વ્યવહાર છે.
વિવક્ષા શું છે ? તે સ્પષ્ટ કરે છે –
બોલવાની ઇચ્છા એ વિવક્ષા છે તેથી નદી પિવાય છે એ પ્રકારનો પ્રયોગ કરનાર પુરુષની જે પ્રકારની ઇચ્છા છે તે વિવક્ષા છે.
કેવા સ્વરૂપવાળી તે પુરુષની વિવક્ષા છે ? તે બતાવતાં કહે છે
નદી પિવાય છે એ પ્રયોગ કરનાર પુરુષને એ પ્રકારની ઇચ્છા છે કે નઘાદિ પદ નદીગત નીરાદિનો શ્રોતાને બોધ કરાવે એ પ્રકારની ઇચ્છાથી લોક તે પ્રકારનો પ્રયોગ કરે છે તેથી નદી પિવાય છે એ પ્રકારના પ્રયોગમાં નદ્યાદિ પદથી નદીગત નીરાદિની પ્રતીતિ થાય છે.
વળી આ વિષયમાં અન્ય કહે છે કે નદી પદથી નદી અને નદીના નીરાદિના અભેદની પ્રતીતિ થાય છે.
વળી અન્ય કોઈ કહે છે કે નદી અને નીરાદિના અભેદની પ્રતીતિ થતી નથી પરંતુ નદીથી અભિન્નપણારૂપે નદીગત નીરાદિનો બોધ થાય છે. તેથી એ ફલિત થાય કે નદી પિવાય છે એ પ્રયોગમાં (૧) નદીપદથી નદીગત નીરાદિનો બોધ થાય છે. (૨) નદી પદથી નદી અને નીરાદિ બેના અભેદનો બોધ થાય છે. (૩) નદી પદથી નદીની સાથે અભિન્નપણારૂપે નદીગત નીરાદિનો બોધ થાય છે, અને આવો બોધ કરાવવાની વિવક્ષા એ લોકોનો વ્યવહાર છે અને આવી વિવક્ષાથી લોકમાં જે ભાષા બોલાય છે તે વ્યવહા૨સત્યભાષા છે. જેમ નદી પિવાય છે તેનો અર્થ એ થાય કે નદીગત પાણી પિવાય છે. પર્વત બળે છે તેનો અર્થ થાય કે પર્વતમાં રહેલા તૃણાદિ બળે છે. તેથી આ વ્યવહારસત્યભાષાથી લોકવ્યવહારના બળથી શ્રોતાને યથાર્થ બોધ થાય છે માટે તે ભાષા વ્યવહારસત્ય છે.
વળી પૂર્વમાં નદી પિવાય છે, પર્વત બળે છે એ ઉદાહરણ બતાવ્યું તેનાથી ઉપલક્ષણથી અન્ય ઉદાહરણોનો સંગ્રહ થાય છે. જેમ કોઈ કહે કે ભાજન ગળે છે ત્યાં પણ લોકવ્યવહારથી શ્રોતાને બોધ થાય છે કે ભાજનગત પાણી ગળે છે પરંતુ ભાજન પોતે ગળતું નથી. વળી કોઈ કહે કે આ કન્યા અનુદરવાળી છે ત્યાં પણ લોકવ્યવહારથી શ્રોતાને બોધ થાય છે કે આ કન્યા ગર્ભના ઉદરવાળી નથી તેથી તે ભાષાથી યથાર્થ બોધ થતો હોવાને કારણે તે વ્યવહારસત્યભાષા છે. અલોમા એડકા એ વચનથી પણ ઘેટી લોમવાળી હોવા છતાં કાપવા યોગ્ય વાળો નથી એ પ્રકારનો અર્થ શ્રોતાને પ્રતીત થાય છે તેથી તે વ્યવહારસત્યભાષા છે.
અહીં પ્રશ્ન થાય કે પર્વત બળે છે એ પ્રકારના પ્રયોગમાં પર્વતની સાથે તૃણાદિના અભેદનું કથન હોવાથી તે વચન બોલનાર મૃષાવાદી છે તેમ માનવાનો પ્રસંગ આવે; કેમ કે પર્વત અને તૃણનો અભેદ વાસ્તવિક નથી પરંતુ પર્વત ઉપર પર્વતથી પૃથક્ તૃણાદિ રહેલાં છે અને તે બળી રહ્યાં છે, છતાં પ્રયોગ કરનાર પુરુષ પર્વત ઉપર રહેલાં તૃણાદિનો પર્વત સાથે અભેદ કરે તો તે મૃષાવચન જ છે એમ ન કહેવું; કેમ કે