________________
૧૬૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪ બાધમાં પણ આહાર્ય શાબ્દબોધ દ્વારા સંસારની અનિત્યતાનો બોધ કરાવે છે માટે અનર્થકારી નથી તેથી કલ્પિતઉપમાન દ્વારા કરાયેલો વચનપ્રયોગ ઔપમ્પસત્યભાષા છે.
અહીં કહ્યું કે આહાર્ય શાબ્દબોધ દ્વારા રૂપક પ્રયોગ સંસારની દુસ્તરતા બતાવે છે તેથી એ પ્રાપ્ત થાય કે બાધકાલીન ઇચ્છાજન્ય જે જ્ઞાન છે તે આહાર્યજ્ઞાન છે, જેમ જિનપ્રતિમામાં આ જિન છે એ પ્રકારનો પ્રયોગ કરાય છે, તે આહાર્ય શાબ્દબોધ પ્રયોગ છે. તેથી જિનપ્રતિમાને જોનાર પુરુષને વીતરાગતા આદિ ગુણવાળા પુરુષનો જિનપ્રતિમામાં પ્રત્યક્ષથી બાધ જણાય છે, છતાં તેમાં જિનનો બોધ કરાવવા અર્થે પ્રતિમાને જોઈને આ જિન છે એવો પ્રયોગ થાય છે ત્યારે શ્રોતાને તે વચનથી આહાર્ય શાબ્દબોધ થાય છે કે જિનતુલ્ય આ પ્રતિમા ઉપાસ્ય છે અને શ્રોતાને તેવો બોધ કરાવવા અર્થે મહાત્મા તે પ્રતિમાને જિન કહે છે અને જે સ્થાનમાં આહાર્યજ્ઞાન કરવાનું પ્રયોજન નથી તે સ્થાનમાં બાધની બુદ્ધિ તે પ્રકારનો બોધ કરાવવામાં બાધક છે, આથી જ શક્તિમાં ચાંદીનો બોધ કરાવવાનું કોઈ પ્રયોજન નથી તે સ્થાનમાં આ ચાંદી છે એ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે તો તે સ્થાનમાં શ્રોતાને આહાર્યજ્ઞાન થતું નથી પરંતુ આ વચન મૃષા છે તેવો જ બોધ થાય છે અને જિનપ્રતિમામાં આ જિન છે ત્યાં યોગ્ય શ્રોતાને આ વચન મૃષા છે તેમ બોધ થતો નથી પરંતુ તે વચન દ્વારા આહાર્ય શાબ્દબોધથી આ પ્રતિમા જિનતુલ્ય ઉપાસ્ય છે તેવો જ શાબ્દબોધ થાય છે. તેમ કલ્પિતઉપમાન દ્વારા કરાયેલા પ્રયોગમાં પણ વિચારકને તેમ જણાતું નથી કે પાંડુપત્ર કઈ રીતે બોલી શકે ? માટે આ વચન મૃષારૂપ છે; કેમ કે પાંડુપત્ર બોલે એ રૂપ મુખ્યર્થનો ત્યાં બાધ હોવા છતાં પણ પાંડપત્રના વચન દ્વારા આહાર્ય શાબ્દબોધ જ થાય છે કે જેમ પાંડુપત્ર જીર્ણ થઈને નાશ પામ્યું તેમ મનુષ્યાદિ ભાવોનાં આયુષ્ય ક્ષીણ થઈને આપણો વિનાશ થાય છે માટે મૃત્યુની પ્રાપ્તિ પૂર્વે જ સર્વ ઉદ્યમથી સંસારના ઉચ્છેદમાં યત્ન કરીને મનુષ્યભવને સફળ કરવો જોઈએ. માટે કલ્પિતઉપમાન પણ અનર્થરૂપ નથી, આથી જ ઉત્તરાધ્યયનમાં કહેવાયું છે અર્થાત્ કલ્પિતઉપમાન પણ આહાર્ય શાબ્દબોધ દ્વારા અનિત્યતાનો બોધ કરાવે છે માટે અનર્થરૂપ નથી આથી જ ઉત્તરાધ્યયનમાં કહેવાયું છે.
શું કહેવાયું છે ? તે બતાવે છે – કિસલય પાંડુપત્રોનો ઉલ્લાપ વાસ્તવિક નથી અને ભવિષ્યમાં ક્યારે પણ થશે નહિ પરંતુ ભવ્ય જીવોને મનુષ્યભવમાં પ્રમાદના નિવારણપૂર્વક આત્મહિત કરવા અર્થે બોધ કરાવવાના પ્રયોજનથી આ ઉપમા અપાઈ છે. -
આનાથી શું ફલિત થાય ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ચરિતઉપમાનની જેમ કલ્પિતઉપમાન સ્વતઃ આદરણીય નથી પરંતુ યોગ્ય જીવને ઉચિત બોધ કરાવવા અર્થે ઉપકારક હોવાથી આદરણીય છે અને ચરિતઉપમાન સ્વતઃ પણ આદરણીય છે અને ઇષ્ટાર્થસાધકપણાથી પણ આદરણીય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કલ્પિતઉપમાનમાં કિસલયે કહ્યું તેવો ઉલ્લાપ વાસ્તવિક નથી તે અપેક્ષાએ કલ્પિતઉપમાન આદરણીય નથી પરંતુ તે ઉપમાન દ્વારા બોલાયેલી ભાષા યોગ્ય જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરે છે માટે આદરણીય છે.