________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪ તેથી એ ફલિત થાય કે ધૂમ અને વહ્નિની વચ્ચે વ્યાપ્તિજ્ઞાન થાય તેનાથી પરામર્શ દ્વારા પર્વતમાં અગ્નિ છે તેવું સંશય વગરનું જ્ઞાન જ થાય છે પરંતુ સંશયવાળું જ્ઞાન થતું નથી.
વળી વ્યાપ્તિજ્ઞાનાદિથી ઉત્કટ કોટિક સંશયરૂપ વહ્નિની સંભાવનાનો જ નિર્ણય થાય છે પરંતુ અગ્નિનો નિર્ણય થતો નથી એમ સ્વીકારીએ તો ગૌરવદોષની પ્રાપ્તિ થાય છે; કેમ કે વ્યાપ્તિજ્ઞાનાદિથી ઘટિત એવી નિશ્ચય સામગ્રીથી સંશયને પ્રતિબધ્ય સ્વીકારીએ તો પ્રતિબધ્ધતા અવચ્છેદક કોટિમાં સંશયત્વરૂપ લઘુભૂત ધર્મની પ્રાપ્તિ થાય અને જો વ્યાપ્તિજ્ઞાનાદિથી ઘટિત પંચાવયવ વાક્યરૂપ નિશ્ચયની સામગ્રીથી સંભાવના સ્વીકારીએ તો પ્રતિબધ્ધતા અવચ્છેદક કોટિમાં અનુત્કટકોટિક સંશયત્વધર્મની પ્રાપ્તિ થાય, તેથી સંશયત્વ કરતાં અનુત્કટકોટિક સંશયત્વધર્મ ગુરુભૂત હોવાથી ગૌરવદોષની પ્રાપ્તિ થાય.
૬૮
આશય એ છે કે ધૂમ અને વહ્નિની વ્યાપ્તિને જોઈને કોઈને પંચાવયવ વાક્યની ઉપસ્થિતિ થાય અને તે પર્વતમાં વહ્નિના નિશ્ચયની સામગ્રી છે તેથી પંચાવયવ વાક્યની ઉપસ્થિતિ પૂર્વે કોઈને પર્વતમાં વહ્નિનો સંશય થયો હોય તે સંશયનો પ્રતિબંધક વ્યાપ્તિજ્ઞાન ઘટિત નિશ્ચયની સામગ્રી છે તેનાથી પ્રતિબધ્ય સંશય છે. તેથી સંશયને વ્યાપ્તિજ્ઞાનથી ઘટિત નિશ્ચયની સામગ્રીથી પ્રતિબધ્ય સ્વીકારવામાં આવે છે. તે પ્રતિબધ્યતાનો અવચ્છેદક ધર્મ સંશયત્વ પ્રાપ્ત થાય છે. વ્યાપ્તિજ્ઞાનથી ઘટિત નિશ્ચયની સામગ્રીથી પર્વતમાં વહ્નિની સંભાવના જણાય છે તેમ સ્વીકારવામાં આવે તો ભાવાંશમાં અનુત્કટ કોટિકવાળો સંશય પ્રતિબધ્ય બને તેથી પ્રતિબધ્યતા અવચ્છેદક અનુત્કટકોટિક સંશયત્વ પ્રાપ્ત થાય માટે ગૌરવદોષની પ્રાપ્તિ છે. તેથી વ્યાપ્તિજ્ઞાન ઘટિત પંચાવયવ વાક્યરૂપ નિશ્ચયની સામગ્રીથી સંશય રહિત અનુમિતિ થાય છે તેમ સ્વીકારવું ઉચિત છે.
વળી યુક્તિથી અનુમિતિમાં નિર્ણય થાય છે તે બતાવવા અર્થે કહે છે
જેમ કોઈ અનુમાન કરે કે આજે સોમવાર છે માટે કાલે મંગળવાર જ છે તે સ્થાનમાં આ આમ જ છે એ પ્રકારનું અવધારણ જ થાય છે; કેમ કે સોમવાર પછી મંગળવારની નિયત પ્રાપ્તિ છે તેથી પોતે જે નિર્ણય કર્યો છે તે અવધારણપૂર્વક કહે છે, સંભાવનાથી કહેતો નથી. હેતુથી અનુમાન થાય છે ત્યારે સંભાવના સ્વીકારીએ તો અવધારણની સંગતિ થાય નહિ.
વળી હું સંદેહ કરતો નથી નિશ્ચય કરું છું એ પ્રકારે પર્વતમાં વહ્નિનો બોધ થયા પછી જે અનુવ્યવસાય થાય છે તેની પણ અનુપપત્તિ થાય.
આશય એ છે કે ધૂમરૂપ હેતુ દ્વારા કોઈએ પર્વતમાં વહ્નિનું અનુમાન કર્યું અથવા આજે સોમવાર છે એ રૂપ હેતુ દ્વારા કાલે મંગળવાર છે એવો કોઈએ નિર્ણય કર્યો ત્યારપછી પોતાનો નિર્ણય યથાર્થ છે તેને સ્થિર કરવા માટે ઉત્તરમાં અનુવ્યવસાય પણ કેટલાકને થાય છે ત્યારે તે વ્યક્તિ વિચારે છે કે ધૂમને જોઈને હું વહ્નિનો સંદેહ કરતો નથી પરંતુ પર્વતમાં વહ્નિ છે તેવો નિર્ણય કરું છું અથવા આજે સોમવાર છે એ રૂપ હેતુના બળથી કાલે મંગળવાર છે તેનો હું સંદેહ કરતો નથી પરંતુ નિશ્ચય કરું છું તેવો અનુવ્યવસાય થાય છે માટે અનુમિતિમાં વસ્તુનો નિર્ણય થાય છે પણ સંભાવનાથી પ્રવૃત્તિ થતી નથી એમ સ્વીકારવું જોઈએ.