________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા૧૭ ભગવાનના વચનાનુસાર કોઈ વચન કહે તો તે ઉપદેશકની ભાષા સત્યભાષા છે; કેમ કે જિનવચનાનુસાર યથાર્થ પદાર્થ કહીને તે ઉપદેશક સન્માર્ગનું સ્થાપન કરે છે. તે સત્યભાષા કેવા સ્વરૂપવાળી છે તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ કોઈને શંકા હોય કે જીવ છે કે નહિ ? અથવા જીવ એકાંત સરૂપ છે અથવા એકાંત અસટ્ટપ છે ? તેને યથાર્થ બોધ કરાવવા અર્થે વક્તા કહે કે જીવ એકાંત સરૂપ પણ નથી અને એકાંત અસરૂપ પણ નથી પરંતુ જીવ પોતાના સ્વરૂપે સતું છે અને પરસ્વરૂપે અસતુ છે આ પ્રકારે પદાર્થની યથાર્થ પ્રરૂપણા શાસ્ત્રનાં દરેક વચનો વિષયક જે વક્તા કરે છે તે આરાધક છે. આથી જ જગતમાં જે કાંઈ કાર્ય થાય છે તે કર્મથી જ થાય છે, પુરુષકારથી જ થાય છે, સ્વભાવથી જ થાય છે, કાળથી જ થાય છે કે ભવિતવ્યતાથી જ થાય છે ઇત્યાદિ વિપરીત માન્યતાઓને જોઈને યોગ્ય શ્રોતાના ભ્રમનિવારણ અર્થે કોઈ ઉપદેશક જગતમાં બધાં કાર્યો પ્રત્યે પાંચ કારણો કયાં કયાં અવચ્છેદક ધર્મથી છે તેનો બોધ અનુભવ અનુસાર શ્રોતાને કરાવે એ પ્રકારે ભાષા બોલે તો તે ભાષા સત્યભાષા છે. તે વિષયમાં જે વક્તાને કોઈ સ્પષ્ટ બોધ નથી તે વક્તા શ્રોતાને ઉચિત બોધ કરાવે તે રીતે પાંચ કારણોને જિનવચનાનુસાર યોજીને કહી શકે નહિ તેથી ઉપયુક્ત ભાવભાષામાં તે ભાષાનો અંતર્ભાવ થાય નહિ, તેથી તેની ભાષા સત્ય અસત્ય આદિના વિભાગમાં આવે નહિ. જે ઉપદેશક તે પાંચ કારણોને કોઈ એક કાર્યમાં યથાર્થ યોજન કરીને શ્રોતાને બોધ થાય તે રીતે કહે તો તે સત્યભાષા કહેવાય; કેમ કે તે પ્રતિનિયત કાર્યમાં અનુભવ અનુસાર શ્રોતાને સર્વજ્ઞના કથનને અનુરૂપ પાંચ કારણોનો યથાર્થ બોધ થાય છે, તેથી તે ઉપદેશક આરાધક છે માટે તેની ભાષા સત્યભાષા છે. અસત્યભાષા :
વળી કોઈક શ્રોતાને વસ્તુનો બોધ ન હોય અથવા વિપરીત બોધ હોય તે પ્રસંગમાં કોઈ ઉપદેશક સ્યાદ્વાદની મર્યાદાને છોડીને એકાંતનું સ્થાપન કરે તેવો વચનપ્રયોગ કરે તો તે વચનથી શ્રોતાને બોધ થાય છે, પરંતુ તે બોધ પદાર્થના અનુભવ અનુસાર કે સર્વજ્ઞના વચન અનુસાર નહિ હોવાથી, વક્તા દ્વારા ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા હોવાના કારણે શ્રોતાને ચોક્કસ બોધ કરાવે એ પ્રકારે ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા હોવાના કારણે, ભાવભાષા હોવા છતાં અસત્યભાવભાષા છે; કેમ કે તે ઉપદેશક વિપરીત પ્રરૂપણા કરનાર હોવાથી વિરાધક છે. કેવા પ્રકારની તે અસત્યભાષા છે ? તે સ્પષ્ટ કરે છે –
એકાંત નિત્ય જીવ છે, ઇત્યાદિથી તેના જેવા સર્વ એકાંત વચનોનો સંગ્રહ છે તેથી સર્વત્ર અનુભવ અનુસાર પાંચ કારણોથી કાર્ય થતું હોવા છતાં ધર્મ તો પુરુષકારથી જ સાધ્ય છે, ધનની પ્રાપ્તિ ભાગ્યને જ આધીન છે ઇત્યાદિ એકાંત વચનો પણ અસત્યભાષાનાં વચનો છે; કેમ કે વિવેકીને નિર્ણય થઈ શકે છે કે આ વચન પદાર્થના અનુભવથી વિપરીત છે માટે અસત્ય છે અને મુગ્ધ શ્રોતાને વિપરીત બોધ કરાવીને તેના અહિતનું કારણ બને છે માટે તે ઉપદેશક વિરાધક છે.