________________
૮૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૮
ભાષા છે તે ભાષાને જાતિથી ગ્રહણ કરીને અને જાતિથી રહિત ગ્રહણ કરીને શ્યામાચાર્ય, પ્રજ્ઞાપની ભાષા કહેલ છે અર્થાત્ સત્યભાષા છે તેમ કહેલ છે.
તેથી એ ફલિત થાય છે કે જે આજ્ઞાપનીભાષા છે એ ભાષામાં અસત્ય અંશ નથી તોપણ વિનયસંપન્ન પુરુષને આશ્રયીને કરાયેલી આજ્ઞાપનીભાષા સત્યભાષા છે અને અવિનીતને કરાયેલી તે ભાષા અસત્યભાષા છે એ પ્રમાણે જો અસત્યામૃષાભાષા પણ પ્રથમ બે ભેદમાં આ રીતે અંતર્ભાવ થઈ શકે તો મિશ્રભાષા તો અસત્ય અંશથી મિશ્ર હોવાથી મૃષા ભાષામાં જ અંતર્ભાવ થઈ શકે તેથી નિશ્ચયનયને અભિમત બે ભાષા સ્વીકારવામાં પ્રજ્ઞાપના સૂત્રનું વચન સમર્થન કરે છે.
અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રથમ સ્ત્રી જાતિ અને પુરુષ જાતિને આશ્રયીને ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરેલ અને ત્યારપછી જાતિને ગ્રહણ કર્યા વગર સ્ત્રીઆજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુંસકઆજ્ઞાપનીને ગ્રહણ કરીને પ્રશ્ન કરેલ અને ભગવાને ઉત્તર આપ્યો કે તે સ્ત્રીઆજ્ઞાપની આદિ ભાષા સત્યભાષા છે, મૃષાભાષા નથી. ત્યારપછી તે કથનનું સમર્થન ટીકાકારશ્રીએ કરતાં કહ્યું કે જે જાતિનું ગ્રહણ કર્યા વગર સ્ત્રીઆજ્ઞાપની આદિ ભાષા છે તે ભાષા અનુસાર કોઈ સાધુ કોઈને આજ્ઞા કરે અને તે આજ્ઞા પ્રમાણે તે કાર્ય ન કરે તો તે ભાષા મૃષા છે કે નહિ ? એ પ્રકારની શંકાથી ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે અને ભગવાને કહ્યું કે તે ભાષા મૃષા નથી. તેથી એ ફલિત થયું કે વિવેકી સાધુ યોગ્ય શિષ્યને તેના હિત અર્થે જે આજ્ઞા કરે છે તે વખતે તે આજ્ઞા વિનીત શિષ્યાદિને પીડાકારી બનતી નથી, પરંતુ આ કૃત્ય ગુરુ ઉપદેશ અનુસાર કરવાથી મને નિર્જરાની પ્રાપ્તિ કરાવનાર બનશે તેવો નિર્ણય હોવાથી વિધિ અનુસાર તે કૃત્ય કરીને તે શિષ્ય અવશ્ય નિર્જરાનો ભાગી થાય છે; કેમ કે વિવેકી ગુરુ તેની સંયમવૃદ્ધિને અનુકૂળ ઉચિત કૃત્યમાં જ આજ્ઞા કરે અન્યમાં નહિ તેથી તે ભાષામાં મૃષાપણું નથી.
વળી ઉચિત પણ આજ્ઞા ગુરુ અવિનીતને કરે તો તે આજ્ઞાથી તે શિષ્યને પીડા થાય અને પોતાની આજ્ઞાનું પાલન શિષ્ય કરે નહિ તેથી ગુરુને પણ ક્લેશ થાય, તેથી તેવી આજ્ઞાપનીભાષા વિનીત શિષ્ય માટે હિતકારી હોવા છતાં અપાત્રને કરાયેલી આજ્ઞા હોવાને કારણે તે ભાષા મૃષારૂપ છે. જો કે આ ભાષા શિષ્યના હિતને અનુકૂળ હોવાથી સત્ય જ છે તોપણ શાસ્ત્રપરિભાષા અનુસાર તે ભાષામાં પારિભાષિક મૃષાપણું છે, એ પ્રકારના અભિપ્રાયથી પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં સમર્થન કર્યું છે.
વળી જે આજ્ઞાપનીભાષા વિનીતને કરવામાં આવે અને તેના કારણે તે વિનીત શિષ્ય પણ પ્રતિવચનના ઔચિત્યથી કહે અર્થાતુ ગુરુએ મને આજ્ઞા કરીને મારા ઉપર અનુગ્રહ કર્યો છે એ પ્રકારના પ્રતિવચનના ઔચિત્યથી કહે, તે ભાષા સત્યભાષા છે, અન્ય નહિ, એ પ્રકારે પ્રજ્ઞાપનાસૂત્રમાં સમર્થન કરાયું છે.
વળી જેમ કેવલસૂત્રમાં આજ્ઞાપનીભાષાનો સત્યમાં અને મૃષાભાષામાં અંતર્ભાવ કરાયો છે તેમ જાતિને આશ્રયીને કરાયેલી આજ્ઞાપનીભાષા પણ સત્યમાં અને મૃષામાં અંતર્ભાવ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે જાતિને આશ્રયીને આજ્ઞાપનીભાષા કઈ રીતે કરી શકાય ? અર્થાતુ અમુક બ્રાહ્મણજાતિ કે અમુક ક્ષત્રિયજાતિ આ રીતે કૃત્ય કરે તેવું કથન થઈ શકે પરંતુ તેવી આજ્ઞા આખી જાતિને કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –