________________
૨૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૪ છે અને તિર્યથી પણ ગ્રહણ થાય છે; કેમ કે બોલનાર જીવના કેટલાક પ્રદેશો ઊર્ધ્વ સ્થાનમાં છે તે પ્રદેશોથી ઊર્ધ્વ સ્થિત ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે, કેટલાક પ્રદેશો અધઃ સ્થિત છે જેમ પાદ આદિના પ્રદેશો, તે પ્રદેશથી અધઃ સ્થિત ભાષાવર્ગણાને ગ્રહણ કરે છે અને કેટલાક પ્રદેશો મધ્યની અપેક્ષાએ તિÁ રહેલા છે તે પ્રદેશના સ્થાને રહેલી ભાષાવર્ગણાને તે પ્રદેશોથી જીવ ગ્રહણ કરે છે તેથી તિર્થંગુ રહેલી પણ ભાષાવર્ગણા જીવથી ગ્રહણ થાય છે.
વળી બોલનાર જીવ શબ્દપ્રયોગ કરે છે ત્યારે તે ભાષા બોલવાનો કાળ અંતર્મુહૂર્તિક હોય છે તે અંતર્મુહૂર્તકાળમાં પ્રથમ સમયમાં પણ ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે, બીજા સમયમાં પણ ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે, એમ પ્રતિસમય ભાષારૂપે પરિણમન પમાડીને તે પુદ્ગલોનું નિઃસરણ કરે છે, ફક્ત અન્તિમ સમયમાં ગ્રહણ નથી હોતું, માત્ર નિઃસરણ હોય છે, તેની પૂર્વના દરેક સમયોમાં ગ્રહણ અને નિઃસરણ ઉભય હોય છે, અને પ્રસ્તુતમાં ગ્રહણની વિચારણા છે તેથી કહે છે કે આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને તિર્યક્ પણ ગ્રહણ કરે છે=પ્રથમ સમયથી માંડીને નિઃસરણના પૂર્વ સમય સુધી સતત ગ્રહણ કરે છે. જેમ કોઈ ઘટ શબ્દ બોલે તો ‘ઘ’ શબ્દ બોલવાનો કાળ પણ અસંખ્યાતસમયનો છે, ‘ટ’ શબ્દ બોલવાનો કાળ પણ અસંખ્યાતસમયનો છે અને ઘટ શબ્દ બોલવા અર્થે પ્રથમ સમયથી માંડીને ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ થાય છે અને ઘટ બોલ્યા પછી બોલવાનો વિરામ હોવાથી અન્તિમ સમયમાં નવા ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ નથી ફક્ત નિઃસરણ છે અને પ્રથમ સમયમાં માત્ર ગ્રહણ છે નિઃસરણ નથી તેથી ભાષાવર્ગણાના પુદ્ગલોનો ગ્રહણકાળ પ્રથમ સમયથી માંડીને બોલવાના વિરામના પૂર્વ સમય સુધીનો છે. તેથી બોલવાના પ્રારંભ સમયે ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને મધ્યથી આગળ તિર્યક્ પણ ગ્રહણ કરે છે.
વળી અંતર્મુહૂર્ત સુધી જીવ ભાષાવર્ગણાના પુદ્ગલો આદિ મધ્ય અને તિર્ધ્યામાં ગ્રહણ કરે છે તે પણ સ્વવિષયને જ ગ્રહણ કરે છે=પૂર્વમાં જે કહેલ કે સ્પષ્ટ, અવગાઢ, અનંતર ગ્રહણ કરે છે તે સ્વવિષયને જ ગ્રહણ કરે છે પરંતુ તેનાથી અતિરિક્ત ગ્રહણ કરતો નથી.
અહીં પ્રશ્ન થાય કે ભાષા બોલનાર જીવ જે આકાશપ્રદેશ ઉપર રહેલો છે તે આકાશપ્રદેશ ઉપર અવગાહીને રહેલી જે વર્ગણાઓને તે ગ્રહણ કરે છે તેનાથી અનંતગુણી અધિક તે આકાશપ્રદેશ ઉપર અન્ય ભાષાવર્ગણાઓ રહેલી છે, તેથી તે સર્વવર્ગણામાંથી પ્રતિનિયત એવી પ્રસ્તુત વર્ગણાને તે જીવ ગ્રહણ કરે છે, અન્ય તે આકાશપ્રદેશ પર રહેલી ભાષાવર્ગણાને તે જીવ ગ્રહણ કરતો નથી. તેમાં કઈ વર્ગણાઓ તે ગ્રહણ કરે અને કઈ વર્ગણાઓને તે ગ્રહણ ન કરે તેનું નિયમન કોણ કરે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – તે પણ આનુપૂર્વીકલિત વર્ગણાઓ ગ્રહણ કરે છે.
આનુપૂર્વીનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે
-
ગ્રહણની અપેક્ષાએ જે વર્ગણામાં આસન્નપણું છે તે આનુપૂર્વીથી કલિત છે અને જેમાં આસન્નપણું નથી તેને ગ્રહણ કરતો નથી.