Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૭ કેવલ્ય, અપવર્ગ ઇત્યાદિ શબ્દો વપરાયેલા છે. આ સઘળા શબ્દોનો મુખ્ય અર્થ થાય છે - દુઃખનિવૃત્તિ.
મોક્ષ એ આર્યસંસ્કૃતિની અદ્ભુત અને અનુપમ શોધ છે. ભારતના મહર્ષિઓએ સાધના અને આરાધનાના ચરમબિંદુને મોક્ષના રૂપમાં અભિવ્યક્ત કરેલ છે. કઠોર તપશ્ચર્યા કર્યા પછી તેઓએ એમ કહ્યું છે કે ફરી ફરી જન્મ ધારણ કરવો એ જ સર્વ દુઃખનું કારણ છે. જન્મ પ્રાપ્ત કરવાનાં કારણોનો આત્યંતિક અભાવ થવો એ જ સર્વ સાધનાનું લક્ષ્ય છે. એ જ મોક્ષ છે. મોક્ષ, મુક્તિ, નિર્વાણ એ એવી સ્થિતિ છે કે જ્યાં પહોંચીને આત્માનો પુનર્જન્મ નષ્ટ થાય છે.
ભારતમાં મોક્ષચિંતનનો ઇતિહાસ પ્રાચીન છે. વસ્તુતઃ મોક્ષચિંતન ભારતીય જીવનદર્શનનું અવિભાજ્ય અંગ છે. તેને જીવનનાં ઇતર અંગોથી અલગ કરી શકાય તેમ નથી. મોક્ષ એ જીવનનો અંત નહીં પણ જીવનો આત્યંતિક વિકાસ છે. મોક્ષ એ જીવનની શૂન્યાવસ્થા નથી, પણ જીવનની પૂર્ણતા છે. મોક્ષ એ આત્માના પરિપૂર્ણ વિકાસનું ધામ છે, માટે જીવનનું અંતિમ ધ્યેય નિર્વાણ જ છે.
મોક્ષપ્રાપ્તિ એ જ સર્વ આસ્તિક દર્શનોનું ધ્યેય છે. તે સર્વના મત અનુસાર જીવનનું પરમ ધ્યેય મોક્ષ મેળવવાનું હોવું જોઈએ. જીવનું લક્ષ્ય આત્માનું સાચું સ્વરૂપ જાણી મોહના બંધનમાંથી મુક્તિ મેળવવાનું હોવું જોઈએ. બધાં દર્શનો એક જ ઉદ્દેશ લઈને ચાલ્યાં છે કે જીવને કર્મથી મુક્ત કઈ રીતે કરવો? આત્મા કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે એ ભારતીય દર્શનની પ્રત્યેક શાખાનો પરમ ઉદ્દેશ છે. ભારતીય દર્શનની કોઈ પણ શાખાએ (ચાર્વાક દર્શનને બાદ કરતાં) આ સંસારનાં ભૌતિક સુખને પ્રાધાન્ય આપ્યું નથી. તેઓ માને છે કે ઇન્દ્રિયસુખ એ તો અલ્પજીવી છે, દુઃખદાયી છે; શાશ્વત સુખ એ જ સાચું સુખ છે. અર્થ અને કામ એ ભૌતિક સુખ છે અને તે ક્ષણભંગુર છે; જ્યારે ધર્મમાર્ગથી પ્રાપ્ત કરેલું મોક્ષનું સુખ અક્ષય અને અનંત છે.
એકમાત્ર ચાર્વાક દર્શન મોક્ષનો અસ્વીકાર કરે છે. આસ્તિક દર્શનોએ મોક્ષને એકઅવાજે માન્ય કર્યો છે. મોક્ષનો સિદ્ધાંત ચાર્વાક દર્શન સિવાયના સર્વ ભારતીય દર્શનકારોને માન્ય છે. ચાર્વાક દર્શનને છોડીને બધા જ ભારતીય દર્શનોમાં પ્રાય: અવિદ્યા અથવા અજ્ઞાનના સંપૂર્ણ નાશને મોક્ષ કહ્યો છે. ભારતીય દર્શનો પ્રમાણે જીવનો મોક્ષ તેના વાસ્તવિક સ્વરૂપ વિષેના જ્ઞાનમાં સમાવિષ્ટ છે. જીવનું સ્વતંત્ર અસ્તિત્વ માનનારાં બધાં ભારતીય દર્શનોએ બંધ-મોક્ષ માન્ય કર્યા જ છે.
જીવને માનનારાં બધાં દર્શનોના મત અનુસાર સામાન્ય રીતે બંધની વ્યાખ્યા છે - અનાત્મામાં આત્માભિમાન હોવું એ બંધ છે. આના ઉપરથી એમ ફલિત થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org