Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१०६
तत्त्वन्यायविभाकरे
જો ક્રિયાને કથંચિદ્ દ્રવ્યથી ભિન્ન ન માનવામાં આવે, તો ક્રિયાના અવિરતપણાનો પ્રસંગ આવે ! વળી ક્રિયા દ્રવ્યના પર્યાય રૂપ હોવાથી આત્યંતિક ભેદ નથી અર્થાત્ કચિત્ અભિન્ન છે. જો ક્રિયાને કથંચિદ્ અભિન્ન ન માનવામાં આવે, તો દ્રવ્યમાં નિષ્ક્રિયત્વનો પ્રસંગ આવે !
ગતિ રૂપ ક્રિયાનું લક્ષણ એ છે કે-બાહ્ય-અત્યંતર રૂપ નિમિત્તની અપેક્ષાવાળી અને દેશાન્તરપ્રાપ્તિમાં હેતુભૂત એવી દ્રવ્યના પર્યાય (પરિણામ રૂપ પર્યાય) રૂપ છે.
દ્રવ્યનો પર્યાય એ અહીં વિશેષ્ય દલ છે. બાહ્ય-અત્યંતર રૂપ નિમિત્તની અપેક્ષાએ વિશેષણ એક છે અને દેશાન્તરપ્રાપ્તિ પ્રત્યે હેતુ એ વિશેષણ બીજું છે.
આ બે વિશેષણોમાંથી દેશાન્તરપ્રાપ્તિ હેતુ રૂપ વિશેષણ દલ જો ન મૂકવામાં આવે, તો જ્ઞાન આદિ રૂપ અલક્ષ્યમાં બાહ્ય-અત્યંતર દોષના વારણ માટે દેશાન્તરપ્રાપ્તિ હેતુ રૂપ વિશેષણ દલનું ઉપાદાન કરેલ છે, કેમ કે-જ્ઞાન આદિ દેશાન્તરપ્રાપ્તિમાં હેતુ નથી.
વળી તે ગતિ રૂપ ક્રિયા જીવ અને પુદ્ગલમાં જ છે, કેમ કે- તે બે, જીવ અને પુદ્ગલમાં જ દેશાન્તરપ્રાપ્તિ પ્રત્યક્ષ સિદ્ધ છે.
(આત્મપક્ષમાં અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે કે-આત્મા ક્રિયાવાળો છે, કેમ કે-દેહમાં પરિસ્કંદ દેખાય છે. જેમ કે-યંત્રપુરુષ.
વળી એમ પણ નહિ કહેવું કે-દેહના પરિસ્પંદનો હેતુભૂત પ્રયત્ન એ ક્રિયા નથી, કેમ કે-જેમ ક્રિયા વગરના આકાશમાં ક્રિયાનો અસંભવ છે, તેમ આત્મામાં પણ તે ક્રિયા માત્રનો અસંભવ થઈ જાય !
તેમજ આત્મા ક્રિયાવાળો છે, કેમ કે-કર્તા છે. જેમ કે-કુંભાર. એવો અનુમાનપ્રયોગ પણ કરવો. અહીં હેતુ, સ્વરૂપ અસિદ્ધ નથી, કેમ કે-આત્મા પોતાના કર્મના ફળનો (સુખ-દુઃખ આદિનો) ભોક્તા છે.)
તાદેશ સ્વરૂપ વિશિષ્ટ ગતિ રૂપ ક્રિયા પ્રત્યે અસાધારણ ધર્મ સિવાય બીજું દ્રવ્ય હેતુ રૂપે નહિ, અતએવ અનન્ય હેતુભૂત જે દ્રવ્ય, તે ‘ધર્માસ્તિકાય’ દ્રવ્ય કહેવાય છે.
ત્યાં કારણ નિર્વર્તક, નિમિત્ત અને પરિણામીના ભેદથી ત્રણ પ્રકારનું છે.
નિર્વર્તક એટલે બનાવનાર, જેમ કે-ઘટ રૂપી કાર્ય પ્રત્યે કુંભાર નિર્વર્તક કારણ છે, દંડ આદિ નિમિત્તકારણ છે (ઉપકારક કારણ) અને મૃત્તિકાપિંડ પરિણામી (ઉપાદાન) કારણ છે.
તેમ જીવોની અને પુદ્ગલોની ગતિ રૂપ કાર્ય પ્રત્યે ગતિક્રિયામાં પ્રવિષ્ટ, તે જ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય નિર્વર્તક રૂપ કારણ છે અને તે જ ગતિપરિણત જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ‘પરિણામી’ (ઉપાદાન) કારણ છે.
(કાર્યથી અભિન્નકારણ-ઉપાદાનકારણ છે. જેમ કે-કુંડલ, કડાં વગેરેનું કારણ સોનું.) જ્યારે ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્તકારણ છે.