Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૦, સક્ષમ: જિનાઃ
३३९
વિવેચન – ખરેખર, ઉપશમ સમકિતવાળો જીવ જ્યારે શાન્ત એવા અનંતાનુબંધી ક્રોધ આદિમાં કોઈ એકનો ઉદય થવાથી ઉપશમ સમકિતથી પડેલો થાય છે, પરંતુ તે જ્યાં સુધી મિથ્યાત્વે ગયો નથી, ત્યાં સુધીના વચગાળામાં પહેલાં પાયસ (ખીર, દૂધપાક વગેરે) ખાધા પછી, ઉલટી કરનારને થોડાક સમય સુધી જેમ ખીરના રસના સ્વાદની અનુવૃત્તિ (અનુસંધાન) હોય છે, તેમ તે જીવને સમ્યક્ત્વરસની અનુવૃત્તિ હોય છે. આવી રીતે તેનું જે રહેવું, તે ‘સાસ્વાદન ગુણસ્થાન.' અર્થાત્ સમ્યક્ત્વરસના આસ્વાદનની સાથે જે જીવ રહે, તે સાસ્વાદન જીવ કહેવાય છે. તેનું ગુણસ્થાન, તે ‘સાસ્વાદન ગુણસ્થાન.' આવી વ્યુત્પત્તિથી પણ આવો અર્થ સમજવો.
૦ સાસાદન ગુણસ્થાન, સાશાતન ગુણસ્થાન-એમ આનાં બીજાં નામો જાણવા.
તે આ પ્રમાણે જાણવું કે-સંસાર રૂપ મહાસાગરમાં પડેલો જીવ, મિથ્યાદર્શન મોહનીયજન્ય, અનંત પુદ્ગલપરાવર્ત્તકાળ સુધી અનેક શારીરિક-માનસિક લાખ્ખો દુ:ખોને અનુભવીને, કોઈપણ રીતે ભવ્યતાના પરિપાકથી અનુભોગ(વિના ઇરાદે)થી થયેલ વિશિષ્ટ અધ્યવસાયથી યથાપ્રવૃત્તિ નામના કરણથી આયુષ્યકર્મ સિવાયના જ્ઞાનાવરણાદિ સર્વ કર્મોને પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ કોડાકોડી સ્થિતિવાળા બનાવે છે. અહીં આગળ આ વખતે એકદમ ભારે કઠિન વૃક્ષની ગાંઠની માફક દુર્ભેદ્ય કર્મપરિણામથી જન્ય જીવનો ઘન-ગાઢ રાગ-દ્વેષ પરિણામ રૂપ પહેલાં કદી નહિ ભેદાયેલ એવી ગાંઠ હોય છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મ ખપાવીને આ ગાંઠ સુધી અભવ્યો પણ અનેકવાર આવે છે. ત્યારબાદ ગ્રંથીભેદ કરવામાં અસમર્થ, ફરીથી પણ સંકલેશવશે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મો બાંધે છે. વળી જે મહાત્મા, કોઈ એક નજીક મોક્ષસુખવાળો, દુર્ધર્ષ (અજેય) વીર્યવાળો અને અપૂર્વકરણસ્વરૂપ વિશિષ્ટ પરમ વિશુદ્ધિથી તે ગ્રંથિના ભેદને કરી, મિથ્યાત્વમોહનીય કર્મસ્થિતિના અંતર્મુહૂર્તના કાલમાન સુધી કરે છે. તે કર્યે છતે તે કર્મની બે સ્થિતિ થાય છે. ૧-અંતર્મુહૂર્ત માનવાળી અંતરકરણથી નીચેની પહેલી અને ૨-તેનાથી ઉ૫૨ની બીજી સ્થિતિ કહેવાય છે. ત્યાં પ્રથમ સ્થિતિમાં મિથ્યાર્દષ્ટિ જ હોય છે, કેમ કે-મિથ્યાત્વના દળિયાનો અનુભવ છે; અને અંતર્મુહૂર્ત બાદ તે દૂર થયે છતે અંતકરણના પહેલા જ સમયમાં ઔપમિક સમ્યક્ત્વ પામે છે, કેમ કે-મિથ્યાત્વના દળિયાના અનુભવનો અભાવ છે. (અહીં જીવ પ્રથમ સ્થિતિના દલિકોને જ્યારે પૂરેપૂરા ભોગવી રહે છે અને સાથે સાથે બીજી સ્થિતિના દલિકોને જેમ રાખ અગ્નિને ઢાંકે છે, તેમ ભારેલા અગ્નિની માફક જેમ ઉદયમાં ન જ આવે, અંતર્મુહૂર્ત સુધી તો ભોગવવા ન જ પડે, એવી રીતે દબાવી રાખે છે.) તે અંતર્મુહૂર્તની ઉપશાન્ત અદ્ધામાં જઘન્યથી એક સમય બાકી રહે છતે, ઉત્કૃર્ષથી છ આવલિકા બાકી છતે, કોઈ એક પુરુષને કોઈ એક વિશિષ્ટ નિમિત્તથી અનંતાનુબંધીનો ઉદય થાય છે, ત્યારે આ જીવ સાસ્વાદન ગુણસ્થાનમાં વર્તે છે, અથવા ઉપશમશ્રેણીથી પડેલો જીવ સાસ્વાદનપણાને પામે છે. આ પ્રમાણેનો કાર્યગ્રંથિક મત છે. સિદ્ધાન્તમતમાં તો શ્રેણીની સમાપ્તિ બાદ પડેલો જીવ પ્રમત્ત ગુણસ્થાનમાં કે અપ્રમત્તગુણસ્થાનમાં રહે છે. કાળ પામેલો દેવોમાં અવિરત થાય છે. સાસ્વાદનના ઉત્તરકાળમાં અવશ્ય મિથ્યાત્વના ઉદયથી આ મિથ્યાદષ્ટિ થાય છે. તે કેટલા કાળ સુધી આ ગુણસ્થાનમાં રહે છે ? એના જવાબમાં ‘સમયાદિ’ વગેરે કહેલ છે. અર્થાત્ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કર્ષથી છ આવલિકા સુધી અહીં તે રહે છે. ત્યારબાદ તે મિથ્યાત્વને પામે છે. વળી આવલિકા એટલે અસંખ્યાત સમયોના સમુદાય રૂપ આવલિકા છે, આવો ભાવ સમજવો.