________________
પ્રાક્કથન
આવ્યો. સાથે સાથે તેનું થોડું ટાંચણ કરવાની સૂચના મળી, તે રીતે કરેલી નોંધનો આધાર લઈ પર્યુષણ પર્વનું આરાધન કર્યું. આ સર્વ વરસો દરમ્યાન પર્યુષણના આઠ પંદર દિવસ પહેલાં વિષયની જાણકારી આવતી, અને તે વિશે હું તૈયારી કરતી. આ તૈયારી કરતાં છેલ્લાં છેલ્લાં વર્ષોમાં એવા ભાવ પ્રવર્તતા હતા કે, “પ્રભુ ! તમે મને એવો વિષય આપો કે જેથી ચાતુર્માસની શરૂઆતથી જ તેની તૈયારી માટે મારે ખૂબ આરાધન કરવું પડે.” મારા આ ભાવ જાણે પ્રભુ પૂરા કરતા હોય તે રીતે મને ગુરુપૂર્ણિમા પહેલાં વિષયની જાણકારી આવવા લાગી. તેથી તે વિષયનાં ગૂઢ રહસ્યો મેળવવામાં, વ્યવસ્થિત ગોઠવવામાં મારો પુરુષાર્થ ઘટ્ટ બન્યો. આવેલાં અને મળેલાં રહસ્યોનું યોગ્ય ટાંચણ ક૨વામાં ગુરુપૂર્ણિમાથી પર્યુષણપર્વ સુધીનો સમય પુરુષાર્થથી સભર બનતો ગયો. આ આરાધનથી મળતા આનંદને કારણે ‘આખું વર્ષ આ રીતે પસાર થાય તો કેવું સારું!' એ ભાવ જોર કરતા ગયા. અને મારા આશ્ચર્ય વચ્ચે પર્યુષણપર્વ માટેના વિષયો ઘણા વધારે અગાઉથી જણાવા લાગ્યા; અને મળેલા વિષયનું ઊંડાણ તથા રહસ્યનો તાગ મેળવવામાં મને પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ તથા સ્વાધ્યાયનો સાથ ખૂબ ઉપયોગી નીવડયો. મારા આવા ભાવને કારણે ઇ.સ. ૧૯૯૮ પછીનાં પર્યુષણના વિષયો સૂક્ષ્મ, ગંભીર તથા રસપ્રદ બનતા ગયા, એટલું જ નહિ પ્રત્યેક વર્ષનો વિષય પૂર્વના વિષયના અનુસંધાનમાં જ હોય એવું બનવા લાગ્યું. આ રીતે ઇ.સ. ૨૦૦૫ની સાલના પર્યુષણ સુધી ચાલ્યું.
ઇ.સ. ૨૦૦૫ના પર્યુષણમાં આજ્ઞા આવી કે પૂર્વમાં મેં જે છૂટાછવાયાં લખાણ કરેલાં છે તેને વ્યવસ્થિત કરવાં. આ કાર્ય કરવામાં એક વર્ષ પસાર થઈ ગયું. અને ઇ.સ. ૨૦૦૬નાં પર્યુષણમાં સમજ આવી કે મારે આ બધાં લખાણને, પર્યુષણ પર્વ માટે થયેલાં લખાણ સહિત એકત્ર કરીને તેનો નીચોડ ઠાલવવાનો પુરુષાર્થ ગ્રંથ૨ચના માટે કરવાનો છે, જે “શ્રી કેવળીપ્રભુનો સાથ” બનવાનો છે. આ વિશે ડીસેંબર ૨૦૦૬માં અંદાજે સાંકળિયુ તૈયા૨ કરી લખાણ શરૂ કર્યુ. તે પહેલાંનો કાળ લખાણને વ્યવસ્થિત કરવાની વિચારણામાં પસાર થયો. આ રીતે પહેલાં ચાર પ્રકરણથી “શ્રી કેવળીપ્રભુનો સાથ”નો પહેલો ભાગ તૈયાર થયો છે. આ ગ્રંથ પૂરો કરતાં બીજા ત્રણ કે ચાર ભાગ થશે એવો અત્યારે અંદાજ લાગે છે.
xxiii