________________
પ્રાસ્તાવિક અભિલેખવિદ્યા
અભિલેખનો ઉદેશ અમુક વ્યક્તિ કે વૃત્તાંતને લગતી હકીકત ટકાઉ પદાર્થ પર કોતરીને એની કાયમી નોંધ રાખવાનો હોય છે. આથી એ લખાણ તે તે વ્યક્તિ કે વૃત્તાંતના ઈતિહાસ માટે મહત્ત્વનું સમકાલીન સાધન બની રહે છે. એમાં તે તે કાલની વ્યક્તિ કે ઘટનાનું નિરૂપણ તે તે કાલના લેખકે કરેલું હોઈ તેમાંની ઘણી હકીક્ત શ્રદ્ધેય હોય છે. અલબત્ત, એ નિરૂપણ કાવ્યમય કે પ્રશસ્યામક હોય તો તેમાં કલ્પના તથા અતિશયોક્તિ હોય છે. છતાં અનુકાલીન અનુકૃતિઓની સરખામણીએ એ સમકાલીન લખાણો તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આથી કોઈ પણ દેશ કે પ્રદેશના ઇતિહાસ માટે એને લગતા તમામ ઉપલબ્ધ અભિલેખોનો ઉપયોગ કરવો ઘણો આવશ્યક, લગભગ અનિવાર્ય છે. આથી અભિલેખોને પદ્ધતિસર અભ્યાસ કરવાની વિદ્યા ખીલી છે. એને “અભિલેખવિદ્યા” ( epigraphy)* કહે છે.
અભિલેખ તે તે સમયની પ્રચલિત લિપિમાં કોતરેલા હોઈ તેમ જ લિપિમાં સમય જતાં પરિવર્તન થતું રહેતું હોઈ, પ્રાચીન અભિલેખો વાંચવા માટે તે તે સમયના લિપિમરેડથી માહિતગાર થવું પડે છે. લેખ જેમ વધારે પ્રાચીન, તેમ તેની લિપિ વધારે વિલક્ષણ લાગે છે. અતિ પ્રાચીન લિપિનો મરોડ એના અર્વાચીન મરોડ કરતાં એટલો બધે બદલાઈ ગયું હોય છે કે એ જાણે કોઈ છેક અજાણી લિપિ ન હોય એવો ભાસ થાય છે. એ લિપિના ક્રમિક વિકાસના પરિચય વિના એ અતિ પ્રાચીન લિપિમરોડ અવાચ્ય બની રહે છે. ક્યારેક કઈ લખાણુ બે લિપિઓમાં કરાયું હોય ને એમાંની એક લિપિ જ્ઞાત હોય તો એ જ્ઞાત લિપિ પરથી બીજી અજ્ઞાત લિપિ ઉકેલી શકાય છે. પ્રાચીન લિપિનાં ઉત્તરકાલીન સ્વરૂપ ઉપલબ્ધ હોય તો એ પરથી એનાં પૂર્વકાલીન સ્વરૂપ ઓળખી શકાય છે. આથી પ્રાચીન અભિલેખો વાંચવા માટે સહુ પહેલાં તેની પ્રાચીન લિપિને તથા તેના તે તે કાલના મરોડોનો પરિચય હોવો અનિવાર્ય છે. પ્રાચીન લિપિઓના અભ્યાસની ય વિદ્યા ખીલી છે. એને “પ્રાચીનલિપિવિદ્યા” (paleography) કહે છે. તે તે દેશ કે પ્રદેશની તે તે કાલની લિપિ જાણી, એ લિપિમાં કોતરેલા અભિલેખ વાંચવા એ અભિલેખવિદ્યાનું પહેલું પગથિયું છે. લિપિના જ્ઞાન વિના અભિલેખ વાંચી શકાય નહિ; અને એ વાંચી શકાય નહિ ત્યાં સુધી એમાં નેધેલી હકીકત જાણી શકાય નહિ. પ્રાચીનલિપિવિદ્યા પ્રાચીન અભિલેખો ઉપરાંત પ્રાચીન હસ્તલિખિત ગ્રંથે તથા લખાણો વાંચવા માટે પણ ઉપયોગી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org