________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વિષયાભિલાષ રાગના પરિણામનાં સર્વ કાર્યોને સમ્યગ્ કરનારું છે. તેથી રાગકેસરી રાજાએ બધાં કાર્યોનો ભાર તેના મસ્તક ઉપર મૂક્યો છે. આ રીતે પ્રભાવે રાજસ નામનું ચિત્ત જોયું, રાગકેસરી રાજાને જોયો, અને વિષયાભિલાષ નામના મંત્રીને જોયો ત્યારપછી તે રાજા કોઈકની સામે યુદ્ધ ક૨વા નીકળેલ હોવાથી તેના સૈન્ય સાથે બહાર નીકળતો જુએ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ સદાગમના વચનથી સન્માર્ગમાં પ્રવર્તતો હોય ત્યારે તેને સન્માર્ગમાંથી સ્ખલના કરવા માટે રાગાદિભાવો પોતાના સૈન્ય સાથે હુમલો કરવા માટે તત્પર થાય છે. તે વખતે તે જીવમાં અભિનિવેષાદિ તે તે ભાવો પ્રગટ થાય છે. તે સર્વને સ્મૃતિમાં લાવીને રાગકેસરી રાજાના સૈન્યનું વર્ણન કરેલ છે. અને જેમ રાજા અનેક નાના રાજાઓથી સહિત યુદ્ધભૂમિમાં બહાર આવે તેમ લૌલ્ય-આદિભાવો રૂપ રાજાઓથી અધિષ્ઠિત મિથ્યાભિનિવેશ આદિ ૨થો રાગકેસરી રાજાના સૈન્યમાં હતા, તેથી એ પ્રાપ્ત થાય કે જીવને વિષયોની લોલુપતા, બાહ્યપદાર્થોમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યાભિનિવેશ આદિ જે ભાવો વર્તે છે, તે સર્વ રાગકેસરી રાજાના સૈન્યનાં અંગો હતા. વળી, મમત્વ આદિ પરિણામો પણ સતત ત્યાં ગર્જારો કરે છે અને અજ્ઞાન આદિ ભાવો પણ રાગકેસરીના સૈન્યમાં સતત હેષા૨વ કરે છે. વળી, જીવમાં ચપલતા, ત્વરાદિ ભાવો પણ તે રાગકેસરી સૈન્યનાં જ અંગો છે આ સર્વભાવોથી રાગકેસરીનું સૈન્ય કઈ રીતે શત્રુઓના પરાજય માટે નીકળેલો છે તે પ્રભવ નામના પુરુષે જોયું. ત્યાં તેને વિપાક નામનો પુરુષ દેખાવ્યો, જે વિષયાભિલાષ મંત્રી સંબંધી પુરુષ હતો, તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વર્તતો કર્મનો વિપાક તે વિષયાભિલાષ મંત્રીની સાથે સંબંધવાળો છે અને કર્મવિપાક જ જીવને સર્વ પ્રકારની રાગાદિની તેવી ચેષ્ટાઓ કરાવે છે. તેથી તેનું સ્વરૂપ બતાવતાં પ્રભાવ કહે છે, કર્મનો વિપાક સ્વરૂપથી પર્યંત=અંતે, દારુણ છે–તે વખતે કર્મનો વિપાક જીવને વિષયોના અભિલાષો આદિ કરીને મીઠો લાગે છે પરંતુ તેનાથી પાપો બાંધીને દુર્ગતિઓને પ્રાપ્ત કરે છે તેથી તે વિપાકોનો પર્યંત ભાગ જીવને માટે અત્યંત દારુણ છે. વળી, કર્મના વિપાકને કારણે સંસારની સર્વ વિચિત્રતા થાય છે. વળી, વિદ્વાનોને કર્મનો વિપાક જ સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવે છે. આથી જ કર્મભૂત વિડંબના જોઈને વિવેકી પુરુષો સંસારથી નિર્વેદને પામે છે અને નિર્વિવેકી જીવો કર્મના વિપાકના સ્વરૂપને જાણી શકતા નથી. પરંતુ વિવેકસંપન્ન જીવો પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોવાથી પોતાના આત્મામાં વર્તતા કર્મના વિપાકને યથાર્થ જોઈ શકે છે. તેથી નિર્વેદને પામીને કર્મબંધની પરંપરાથી આત્માનું રક્ષણ કરવા યત્ન કરે છે.
૬.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોનું રાગવાળું ચિત્ત છે તે રાજસચિત્ત નગર છે. નિમિત્તોને પામીને જીવ ઇચ્છાને અભિમુખ થાય છે તે રાગકેસરી નરેન્દ્ર છે અને તેનાથી વિષયનો અભિલાષ ઉત્પન્ન થાય છે તે અમાત્ય=મંત્રી છે. તે વખતે જીવમાં મિથ્યાભિનિવેશ, મમત્વ, ચાપલ્ય, ત્વરા, ઔસુક્ય, તુચ્છ પદાર્થોને જાણવાની મનોવૃત્તિ આદિ જે ભાવો થાય છે, તે રાગકેસરી રાજાનું સૈન્ય છે અને વિષયાભિલાષ મંત્રી સાથે અત્યંત સંકળાયેલો કર્મવિપાક નામનો પુરુષ છે; કેમ કે કર્મના વિપાકને કારણે જીવને તે તે રાગાદિ ભાવો થાય છે અને બુદ્ધિમાન એવો પ્રભાવ પોતાની પ્રભાવશક્તિના બળથી આત્માની અંદર વર્તતા આ સર્વ ભાવોનું અવલોકન કરીને તત્ત્વને જાણવા યત્ન કરે છે. ત્યારે કર્મના વિપાકને જોઈને તેના દ્વારા કઈ રીતે સ્પર્શનની મૂલશુદ્ધિ તે પ્રાપ્ત કરે છે તે હવે બતાવે છે.