________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ઉ૭ નગર મિથ્યાભિમાનનું આકર છે, તેમ રાગી જીવોનું ચિત્ત પરમાર્થથી રાગથી આકુળ હોવાને કારણે સદા અતૃપ્ત રહે છે. તોપણ તેઓને મિથ્યાભિમાન વર્તે છે કે અમે સુખી છીએ. આથી જ ભોગવિલાસની આકુળતાને તેઓ સુખરૂપે જ માને છે. આત્માની નિરાકુલ અવસ્થાની ગંધ પણ તેઓને પ્રાપ્ત થતી નથી. વળી, તેવું ચિત્ત અકલ્યાણની પરંપરાનો હેતુ છે, કેમ કે રાગાદિથી આકુલ થયેલું ચિત્ત અનેક પાપો કરીને દુર્ગતિઓમાં જનારું બને છે. વળી, તે રાજસચિત્ત અત્યંત અંધકારથી વ્યાપ્ત હતું તેમ અતિરાગી જીવોના ચિત્તમાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવા માટે યત્ન થાય તેવી જીવની શક્તિ અત્યંત રાગને કારણે હણાયેલી હોય છે. વળી, પ્રકાશના લેશથી રહિત તે નગર હતું તેમ અતિરાગી જીવોનું ચિત્ત ભોગવિલાસથી અતિરિક્ત આત્માની પારમાર્થિક વિચારણા કરી શકે તેવા પ્રકાશના લેશથી રહિત હોય છે.
વળી, જેઓનું ચિત્ત રાગથી આક્રાંત છે તેમાં રાગકેસરી નામનો રાજા વર્તે છે અર્થાત્ તેવા ચિત્તમાં અનેક પ્રકારના રાગના કલ્લોલો વર્તે છે. તે રાગકેસરી રાજા સ્વરૂપ છે અને તે ચોરટાઓના સમૂહમાં ચૂડામણિ છે; કેમ કે રાગને વશ થયેલા જીવો આત્માનું અહિત કરનારા સર્વ ભાવોને કરે છે. તેથી સર્વ ચોરટાઓમાં ચૂડામણિ તેઓમાં વર્તતો રાગનો પરિણામ છે. વળી, તે રાગનો પરિણામ બધી પાપપ્રવૃત્તિઓનું કારણ છે. વળી, બાહ્ય તુચ્છ પદાર્થના રાગનો પ્રકર્ષ આત્માના કલ્યાણને કરનારા માર્ગ પ્રત્યે વજપાત જેવો છે. આથી જ રાગનો પરિણામ તેઓમાં વર્તતી કલ્યાણને અનુકૂળ નિર્મલ પરિણતિને પ્રગટ થવા દેતો નથી. વળી, સંસારમાં અતુલબલ પરાક્રમવાળા શક્રાદિ ઇન્દ્રો પોતાના શત્રુઓને જીતવા માટે સમર્થ છે, તોપણ પોતાના આત્મામાં વર્તતા રાગપરિણામને જીતી શકતા નથી. તેથી તેઓ માટે પણ દુર્જય એવો રાગનો પરિણામ છે.
વળી, તે રાગકેસરીનો મંત્રી વિષયાભિલાષ છે જેમ રાજાને સર્વ પ્રકારની સલાહ મંત્રી આપે છે તેમ જીવમાં વર્તતો વિષયનો અભિલાષ તે તે પ્રકારના રાગને તે તે કાર્યો કરવા માટે સલાહ આપે છે. તેથી, રાજાનાં સર્વ પ્રયોજનોનો ચિંતક વિષયાભિલાષ છે. વળી, સમસ્ત સ્થાનોમાં અપ્રતિહત આજ્ઞાવાળો છે; કેમ કે જીવને વિષયનો અભિલાષ થાય છે ત્યારે કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર અવશ્ય પોતાની રાગની પરિણતિને પોષે તેવાં સર્વસ્થાનોમાં જીવને પ્રવૃત્તિ કરાવે છે. વળી, વિષયાભિલાષનો પરિણામ જગતના જીવોને વશ કરવામાં નિપુણ છે. આથી જ વિષયાભિલાષને વશ થયેલા જીવો અવશ્ય તેની આજ્ઞાનું પાલન કરે છે. વળી, વિષયનો અભિલાષ જીવોને વિમોહન કરવામાં કૃતઅભ્યાસવાળો છે. આથી જે જીવોને વિષયનો અભિલાષ થાય છે ત્યારે સ્પષ્ટ રીતે તેઓ રાગની વિહ્વળતાનો અનુભવ કરે છે, છતાં મોહને કારણે રાગની વિહ્વળતા તેઓને દેખાતી નથી. પરંતુ વિષયના સેવનજન્ય સુખ માત્ર જ દેખાય છે. જે સુખ ઇચ્છાની આકુળતા અને શ્રમના દુઃખથી વ્યાપ્ત છે, તેને જીવો જોઈ શકતા નથી. તેનું કારણ વિષયનો અભિલાષ જીવોને વિમોહન પેદા કરાવવામાં કુશલ છે.
વળી, વિષયનો અભિલાષ જીવને પાપની પ્રવૃત્તિઓમાં પ્રવર્તાવવામાં પટુબુદ્ધિવાળો છે. આથી જ જીવોને વિષયનો અભિલાષ અતિશયિત થાય છે. તેઓ સર્વ પ્રકારનાં પાપોને સેવવા માટે તત્પર થાય છે. વળી, વિષયનો અભિલાષ પોતાનું જે ભોગાદિનું કાર્ય છે તેની પ્રવૃત્તિ કરાવવામાં પરના ઉપદેશની કોઈ અપેક્ષા રાખતો નથી, પરંતુ થયેલો વિષયનો અભિલાષ જ તે તે ભોગોની પ્રવૃત્તિ કરાવે છે. વળી, આ