________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૪૫
ગુણો આત્મામાં પ્રગટે છે તેમ તેમ ચિત્તમાં સંતાપ, ખેદ, ઉદ્વેગ આદિ સર્વ દોષો નાશ પામે છે અને જેઓના શુભપરિણામ, નિષ્પકમ્પતા આદિ ગુણો અત્યંત સ્થિભાવને પામે છે તેવા મહાત્માઓને દેહના રોગો પણ બાધા કરી શકતા નથી. ઉપસર્ગ-પરિષહો પણ બાધા કરી શકતા નથી. પરંતુ મહાધીરતાપૂર્વક તે મહાત્મા ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિમાં યત્ન કરીને તે જ ભવમાં સંસારનો અંત કરે છે અને શક્તિનો પ્રકર્ષ ન થાય તો કેટલાક પરિમિત ભવોમાં અવશ્ય ક્ષમાદિ ગુણોના પ્રકર્ષને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. વળી, નૈમિત્તિકે કહ્યું કે જ્યારે આ કુમાર દયાને પરણશે ત્યારે હિંસા નામની તેની ભાર્યા સ્વયં નાશ પામશે. તેથી એ ફલિત થાય કે કોઈક નિમિત્તથી જીવ શુભપરિણામવાળો થઈને ક્રમસર દયાના પરિણામવાળો થાય છે અને જેમ જેમ તેનો દયાનો પરિણામ વૃદ્ધિ પામે તેમ તેમ તેમાં કઠોરતા, ક્રૂરતા આદિ ભાવો નાશ પામે છે અને અંતે સંપૂર્ણ હિંસાનો ત્યાગ કરીને મહામુનિ જેવા ષટ્કાયના પાલનના દયાના પરિણામવાળા થાય છે. તેથી તેમનું ચિત્ત જગતના કોઈ જીવને પીડા ન કરે, કોઈના પ્રાણ નાશ ન કરે અને કોઈને કષાયનો ઉદ્વેગ ન કરે તેવું બને છે. તેથી પોતાના આત્મામાં પણ કષાયના ઉદ્વેગને શમન કરવા માટે જ સદા તે મહાત્મા યત્ન કરે છે. વળી, તે જિનમતજ્ઞએ કહ્યું કે કર્મપરિણામ રાજા જ્યારે કુમાર પ્રત્યે પ્રસાદવાળો થશે ત્યારે લોકસ્થિતિને પૂછીને કાલપરિણતિ સાથે પર્યાલોચન કરીને, પોતાના મહત્તમ નામના સ્વભાવને કહીને નંદિવર્ધનકુમારની ભવિતવ્યતા નામની ભાર્યાને કહીને અને નિયતિયદચ્છાદિના કુમારના વીર્યને સ્થાપન કરીને દયા નામની પુત્રીને આ યોગ્ય છે એવો જ્યારે કર્મપરિણામ રાજાને વિચાર આવશે ત્યારે દયા પુત્રીને પરણાવશે. તેથી એ ફલિત થાય કે જ્યારે જીવનાં ક્રૂરતા આપાદક કર્મો ક્ષીણક્ષીણતર થવા માંડે છે ત્યારે તેની કાલપરિણતિ, તે જીવની લોકસ્થિતિ, તે જીવનો સ્વભાવ વગેરે દયાને અનુકૂળ બને છે અને ત્યારે તે જીવની તેવી ભવિતવ્યતા હોય છે કે જેથી ત્યારે તેનામાં દયાનો પરિણામ પ્રગટે છે. આથી જ આ નંદિવર્ધનનો જીવ જ્યારે અનુસુંદર ચક્રવર્તી થશે ત્યારે સદાગમથી બોધ પામીને તેવા દયાળુ સ્વભાવવાળા બનશે. માટે જે જીવનાં કંઈક કર્મો અલ્પ છે તેથી કંઈક કઠોરતા અલ્પ થઈ છે અને તેના કારણે ધર્મને સન્મુખ થયા છે, તે જીવો સદાગમનો પરિચય કરીને ધીરે ધીરે પોતાના શુભપરિણામ આદિ ભાવોની વૃદ્ધિ કરે તો ક્રમસર તેનો કઠોર ભાવ ક્ષીણક્ષીણતર થાય છે તેના સ્વરૂપે તેનામાં વિશિષ્ટ દયા પ્રગટે છે. વળી, જિનમતજ્ઞએ કહ્યું કે હે મહારાજ ! અત્યારે નંદિવર્ધન હિંસા કરે છે તોપણ તમારે મૌન ધારણ કરવું જોઈએ, અને તેની અવધીરણા કરવી જોઈએ. અર્થાત્ તે જે કૃત્ય કરે છે તે વિષયમાં કહેવાનું છોડી દઈને માત્ર તે કૃત્ય સુંદર નથી છતાં અત્યારે તેના નિવારણ માટે કોઈ યત્ન કરવો ઉચિત નથી તેમ માનીને ઉપેક્ષા કરવી જોઈએ. તેથી એ ફલિત થાય કે જે જીવો પ્રયત્નથી સમજાવીને માર્ગમાં લાવી શકાય તેવા નથી તેઓની અનુચિત પ્રવૃત્તિ જોઈને પણ પિતા આદિએ પણ તેની ઉપેક્ષા કરવી જ ઉચિત છે. કહેવાથી સુધરે તેવી સંભાવના દેખાય ત્યારે જ કહેવું જોઈએ; કેમ કે વિવેકી પુરુષો ફલપ્રધાન આરંભવાળા હોય છે તેથી જેના કહેવાથી ફલ પ્રાપ્ત થાય એમ હોય તો જ કહેવું જોઈએ અન્યથા ઉપેક્ષા જ કરવી જોઈએ. વળી, નંદિવર્ધનકુમા૨નું પૂર્વભવમાં બંધાયેલું શ્રેષ્ઠ પુણ્ય અત્યાર સુધી જે સફળતા આપતું હતું તે હવે ક્ષીણ થવા આવ્યું તેથી તેના ક્રોધ અને હિંસાના પરિણામથી જ તે સ્વકુટુંબનો જ સંહાર કરે છે અને અનેકને સંત્રાસ