________________
૪૮૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અભિસંધિ અને નિષ્કરુણતાનો પરિણામ વર્તે છે. તે ક્યારેક અલ્પ માત્રામાં થાય છે, તો ક્યારેક અતિશય માત્રામાં થાય છે. ત્યારે ક્રૂરતાને કારણે હિંસાની પ્રવૃત્તિઓ વધે છે. અને જ્યારે જીવમાં દુષ્ટ અભિસંધિ અને હિંસાનો પરિણામ થાય છે ત્યારે જીવ હિતાહિતનો વિચાર કરતો નથી. પોતાના અભ્યાસ કરેલા બધા ગુણો પણ ભૂલી જાય છે. માત્ર હિંસા અને વૈશ્વાનરના બળથી સર્વ અકાર્ય કરે છે. વળી, સર્વ અકાર્ય કરનાર નંદિવર્ધનને પૂર્વમાં સર્વત્ર સફળતા પ્રાપ્ત થતી હતી તે હિંસા અને વૈશ્વાનરથી થાય છે તેવો તેનો ભ્રમ હતો. વસ્તુતઃ હાથીના ભવમાં શુભઅધ્યવસાયથી જે પુણ્ય બાંધેલું તે પુણ્ય વર્તમાનના ભવમાં સહચર હતું તેથી સર્વત્ર હિંસા અને ક્રૂરતા કરીને તે માન-ખ્યાતિ પ્રાપ્ત કરતો હતો, વિપર્યાસને કારણે નંદિવર્ધનને તે વૈશ્વાનર અને હિંસાનું જ કાર્ય છે તેવો ભ્રમ થતો હતો. હિંસા અને વૈશ્વાનરને કારણે પાપની વૃદ્ધિ થવાને કારણે તે પુણ્ય નાશ પામે છે ત્યારે તે હિંસા અને વૈશ્વાનરથી તેને સર્વ અનર્થો પ્રાપ્ત થાય છે, છતાં વિપર્યાસને કારણે તે અનર્થો પોતાના ક્રોધથી કે હિંસાથી થયા છે તે નંદિવર્ધનને જણાતું નથી, પરંતુ આ લોકો જ દુષ્ટ છે એમ વિપર્યાસ થાય છે. તેથી મિથ્યાત્વની પ્રચુરતામાં સંસારી જીવની વિપરીત બુદ્ધિ હોય છે. વળી, કેવલી નંદિવર્ધન અસંવ્યવહાર નગરથી નીકળી કર્મપરિણામરાજા, લોકસ્થિતિ અને ભવિતવ્યતાના વશથી ભિન્ન ભિન્ન નગરમાં પ્રવર્તે છે તેમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો પોતાના બંધાયેલા કર્મના પરિણામને અનુસાર, જે કાર્યકારણ ભાવની વ્યવસ્થા વર્તે છે તે રૂપ લોકસ્થિતિને અનુસાર અને પોતાની ભવિતવ્યતાના પરિણામને અનુસાર, તે તે પ્રકારના પરિણામોને કરીને ચાર ગતિઓમાં ભટકે છે. ત્યારે તેઓનું હિતાનુકૂળ કોઈ વીર્ય પ્રવર્તતું નથી, પરંતુ જે પ્રકારનાં તેનાં કર્મો અને જે પ્રકારની તેની ભવિતવ્યતા હોય છે તે પ્રકારે જ ભાવો કરીને ચાર ગતિમાં ભમે છે. જ્યારે કંઈક કર્મની લઘુતા થાય છે ત્યારપછી જ વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરીને સ્વપરાક્રમથી અને અપ્રમાદથી સ્વહિતને પ્રાપ્ત કરે છે. વળી, જે પ્રકારે કેવલીએ નંદિવર્ધનનો વિસ્તારથી અત્યાર સુધીનો ભવપ્રપંચ કહ્યો તે પ્રકારનો જ પ્રાયઃ સર્વ જીવોનો સમાન વ્યતિકર હોય છે અર્થાત્ પ્રાયઃ સર્વ જીવો આ નંદિવર્ધનની જેમ જ અનંતકાળથી આ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે. વળી, જેઓ ભગવાનના વચનરૂપી દીપકથી આ ભવપ્રપંચને યથાર્થ જાણે છે, મનુષ્યભવની દુર્લભતાને જાણે છે, સંસારસાગર તારનાર ભગવાનનો ધર્મ છે અને સમ્યક સેવાયેલો ધર્મ સ્વસંવેદનથી વર્તમાનમાં અક્લેશરૂપ છે અને અસંક્લેશની પરંપરાનું કારણ છે એમ જાણે છે, તેઓ નિરુપમ, આનંદરૂપ પરમપદને દેનારા ધર્મને જાણે છે. છતાં પ્રમાદને વશ બાલિશ જીવોની જેમ આરંભ-સમારંભ આદિમાં પ્રવર્તે છે, તેઓ આ મોક્ષના કારણભૂત એવો આ મનુષ્યભવ નિષ્ફળ પ્રાયઃ કરે છે. જેમ નંદિવર્ધનનો મનુષ્યભવ અનંત દુઃખની પરંપરાનું કારણ બને છે તેમ ધર્મને જાણ્યા પછી પણ પ્રમાદવશ જીવો સંસારની વૃદ્ધિ કરે છે. માટે ભગવાને મનુષ્યભવની અત્યંત દુર્લભતા બતાવી છે; કેમ કે સંસારમાં જીવો રત્નોથી પૂર્ણ રાજમહેલોને અનંત વખત પ્રાપ્ત કરે છે પરંતુ ભગવાનના શાસનના રહસ્યને પ્રાપ્ત કરતા નથી. માટે સંસારની સર્વ ભૌતિક સામગ્રી અનંતી વખત જીવને પ્રાપ્ત થઈ, પરંતુ નિર્વાણ સુખનું કારણ એવો ધર્મ સંસારી જીવોને પ્રાયઃ પ્રાપ્ત થતો નથી. વળી, સંસારનું બધુ ભૌતિક સુખ કાચના ટુકડા જેવું છે અને ભગવાનનો ધર્મ ચિંતામણિરત્ન જેવો છે; કેમ કે સંસારમાં પ્રાપ્ત થયેલ સામગ્રી કાચના ટુકડાની જેમ પરલોકના હિત માટે કોઈ