________________
૪૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અરિદમન રાજાએ નંદિવર્ધનને આપેલ હતી. વળી, રાજાની યોગ્યતા જોઈને કેવલીએ દેશના આપી જેનો સંક્ષેપસાર એ છે કે સંસાર અનાદિનો છે, પ્રવાહથી કાળ અનાદિનો છે, દેખાતા સર્વ જીવો અનાદિના છે અને છતાં ભગવાનના શાસનના પરમાર્થને ક્યારેય પૂર્વમાં પામ્યા નહીં તેથી સંસારની સર્વ વિડંબના અત્યાર સુધી પામી રહ્યા છે. જો કે કેવલીઓ, તીર્થકરો, ઋષિઓ આ સંસારમાં સદા વર્તતા હોય છે, તેઓની સાથે જીવને અનંતીવાર સંબંધ થયો તોપણ ભોગનો ઉત્કટરાગ હોવાથી ભોગના ત્યાગરૂપ અને
જીવના વીતરાગ ભાવને સાધક એવો ધર્મ જીવને ક્યારેય રુચિનો વિષય થયો નહીં. તેથી તે જીવો કલ્યાણના ભાજન થતા નથી અને જ્યારે જે જીવોનાં કર્મોની લઘુતા થાય છે ત્યારે તેઓમાં મોક્ષમાં જવાની યોગ્યતા છે તે કંઈક તત્ત્વને સન્મુખ બને છે, જે ભવ્યત્વના પરિપાક સ્વરૂપ છે. અને મનુષ્ય આદિ સામગ્રીને પામીને ધન્ય એવા તે જીવો ભગવાનના શાસનના તત્ત્વને જાણવા માટે તત્પર થાય છે ત્યારે ઉપદેશકનાં વચન આદિને પ્રાપ્ત કરીને મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરે છે, જેને કારણે તેઓને ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસાર અત્યંત નિગુર્ણ જણાય છે અને તેની પ્રાપ્તિના કારણભૂત કષાયોની પરિણતિ છે તેવો બોધ થાય છે, તેથી સ્વશક્તિનુસાર સર્વજ્ઞનાં વચનોને જાણીને કષાયોના ઉન્મેલનના ઉપાયોરૂપે કેટલાક જીવો સમ્યક્તના પરિણામથી યુક્ત ગૃહસ્થધર્મ સેવે છે, જેના બળથી સાધુધર્મની શક્તિનો સંચય કરે છે અને જેઓના સાધુધર્મની શક્તિનો સંચય થયો છે તેઓ સર્વ દુઃખનો નાશ કરનાર સાધુધર્મ સ્વીકારે છે. આવો ધર્મ જેઓને પ્રાપ્ત થયો છે તેઓએ તેને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ અને જે પ્રાપ્ત થયું નથી, તેને પ્રાપ્ત કરવા યત્ન કરવો જોઈએ. આ પ્રકારે સંક્ષેપથી દેશના આપી, જેનાથી ઘણા યોગ્ય જીવોને સંસારની અસારતાનો બોધ થયો અને રાજાને પણ તે દેશના સાંભળીને સંવેગ ઉત્પન્ન થયો, છતાં પોતાની પત્રીને નંદિવર્ધનને આપવા માટે સ્ફટવચનને જયસ્થલમાં મોકલી, તેના વિષયક કંઈ સમાચાર નહીં મળવાથી રાજા કેવલીને તેના વિષયક પૃચ્છા કરે છે, ત્યારે કેવલીએ યોગ્ય જીવોને બોધનું કારણ છે તેમ જાણીને નંદિવર્ધનનો સર્વ પ્રસંગ વિસ્તારથી અરિદમન રાજા પાસે કહે છે અને નંદિવર્ધન ત્યાં બંધાયેલી સ્થિતિમાં પડ્યો છે તેથી દયાળુ એવા રાજાને તેને મુક્ત કરવાનો શુભ પરિણામ થાય છે, તોપણ તેનું ચરિત્ર સાંભળીને બુદ્ધિમાન રાજાને વિચાર આવે છે કે મુક્ત થયેલો આ નંદિવર્ધન ધર્મકથાના શ્રવણમાં વિઘ્ન થશે માટે અત્યારે તેને મુક્ત કરવાનો વિચાર છોડીને અન્ય શંકાઓ રાજા પૂછે છે, જેનાથી કેવલી કહે છે કે નંદિવર્ધનનો આ સર્વ દોષ નથી પરંતુ તેના શરીરમાંથી નીકળીને દૂર બેઠેલા વૈશ્વાનર અને હિંસા નામની પત્નીનો આ દોષ છે, જે વિવેકચક્ષુથી અને મહાત્માઓના વચનથી યોગ્ય જીવો જોઈ શકે છે; કેમ કે મનુષ્યના આકાર જેવા તે વૈશ્વાનર અને હિંસા નથી, પરંતુ નંદિવર્ધનની અંતરંગ પરિણતિ છે. છતાં મહાત્માના સાંનિધ્યથી અંતરંગ પરિણતિ વ્યક્ત થતી નથી તે બતાવવા માટે જ દૂર જઈને બેઠેલ છે એમ કહેલ છે. ત્યારપછી નંદિવર્ધન સાથે હિંસા અને વૈશ્વાનરનો સંબંધ કઈ રીતે થયો તે બતાવતાં કેવલી કહે છે કે અનાદિનો આ વૈશ્વાનરનો અને હિંસાનો સંબંધ છે. આદ્ય ભૂમિકામાં તે વૈશ્વાનર ક્રોધરૂપ હોય છે અને જ્યારે વૃદ્ધિવાળો થાય છે ત્યારે અગ્નિ જેવો અર્થાત્ વૈશ્વાનર થાય છે. અને હિંસા પણ આત્મામાં દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણાથી ઉત્પન્ન થયેલી છે. તેથી અનાદિ કાળથી જીવમાં બીજાને પીડા કરવાની દુષ્ટ