________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૫-સૂત્ર-પ-૬
૧૨૯
કુલ પાંચ દ્રવ્યો થાય છે તે પાંચ દ્રવ્યોમાં પ્રથમનાં ત્રણ દ્રવ્યો (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો) આ સંસારમાં એક એક જ છે અર્થાત્ આ ત્રણ દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્ય એકથી અધિક નથી. ધર્મ-અધર્મ આ બે દ્રવ્યો સમસ્ત ચૌદ રાજલોકવ્યાપી, અસંખ્ય પ્રદેશોના પિંડાત્મક, ગતિસ્થિતિમાં સહાયક એક-એક અખંડ દ્રવ્ય છે, અને આકાશાસ્તિકાય લોક અને અલોકમાં સર્વત્ર વ્યાપકપણે એક દ્રવ્ય છે. તે લોકાલોકવ્યાપી હોવાથી અનંતપ્રદેશી છે અને અવગાહસહાયક છે. આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં એક છે એમ કહેવાથી બાકીનાં બે દ્રવ્યો (પુદ્ગલ અને જીવ આ બે દ્રવ્યો) અનંત-અનંત છે. એમ સ્વયં સમજી લેવું. શ્વેતાંબર આમ્નાય પ્રમાણે કાળ એ જીવ અને અજીવના પર્યાયાત્મક છે પરંતુ દ્રવ્યસ્વરૂપ નથી. અને દિગમ્બરાનાય પ્રમાણે કાળાણુ નામનું દ્રવ્ય છે અને તે લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્ય છે માત્ર ડબ્બામાં ભરેલા રાઇના દાણા સમાન છે. એટલે પિંડાત્મક નથી. તેથી અસ્તિકાય નથી.
તથા આ ત્રણે દ્રવ્યો નિષ્ક્રિય છે. ગમનાગમન ક્રિયા વિનાનાં છે. જેમ પુદ્ગલ અને જીવ એક સ્થાનથી બીજા સ્થાને ગમનાગમન ક્રિયા કરે છે, તેવી ક્રિયા આ ત્રણ દ્રવ્યોમાં નથી. માટે નિષ્ક્રિય છે પરંતુ ગતિસહાયકતા, સ્થિતિસહાયકતા અને અવગાહ સહાયકતાની ક્રિયા તો અવશ્ય કરે જ છે. તેથી ગમનાગમન આદિ લોકગમ્ય સ્થૂલ ક્રિયાની અપેક્ષાએ જ નિષ્ક્રિય છે એમ જાણવું. ૫-૫, ૬.
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org