Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
મુખ્ય સાધન અહિંસા છે. આ અહિંસાની સિદ્ધિ માટે જે જે તજવાની, આચરવાની કે સ્વીકારવાની જરૂર પડે તેનો ત્યાગ, સ્વીકાર કે આદર વગેરે કરવું તે બધાનો અંતર્ભાવ વિરતિધર્મમાં થાય છે, અર્થાત્ તે દરેકને વિરતિ કહેવાય છે. માટે હિંસાના મુખ્ય કારણભૂત અસત્ય, ચૌર્યકર્મ, અબ્રહ્મ અને પરિગ્રહનો પણ ત્યાગ કરવો તેને વિરતિ કહી છે. જૈન દર્શનમાં ક્રમશ: એને અહિસાવ્રત, સત્યવ્રત અચૌર્યવ્રત, બ્રહ્મચર્યવ્રત અને પરિગ્રહવ્રત કહેવાય છે. અન્ય દર્શનોમાં એ પાંચને યમો કહેવાય છે, એ પાંચે વ્રતોને અનુકૂળસહાયક બને તેનો ત્યાગ સ્વીકાર કરવા રૂપ બીજા પણ વિવિધ નિયમો કરવામાં આવે છે, એથી વ્રતોથી સંખ્યા ગૃહસ્થ ધર્મમાં વધીને સામાન્યતયા બારની અને સાધુ જીવનમાં સર્વથા રાત્રિભોજના ત્યાગની સાથે છની કહેલી છે. ગૃહસ્થજીવનમાં એ વ્રતોનું પાલન પૂર્ણતયા થઈ શકતું નથી, અમુક અંશમાં જ થાય છે, તેથી તેને દેશવિરતિ અને સાધુજીવનમાં તે પૂર્ણતયા પાળી શકાય " છે માટે તેને સર્વવિરતિ ધર્મ કહેવાય છે.•
આ ગ્રંથના પહેલા ભાગમાં ગૃહસ્થ જીવનમાં પાળી શકાય તેવા ગૃહસ્થધર્મનું અને બીજા ભાગમાં સાધુજીવન સ્વીકારીને પાળવા યોગ્ય યતિધર્મનું આદિથી અંત સુધીની વર્ણન કરેલું છે.
પહેલા અને બીજા ભાગમાં અનુક્રમે બન્નેના સાધન ધર્મનું વર્ણન કરીને એના દ્વારા સાધ્યધર્મરૂપ આત્મશુદ્ધિ કેવી રીતે કરી શકાય ? તે સમજાવવામાં આવ્યું છે. પૂર્વે જણાવ્યા પ્રમાણે વ્યવહાર ધર્મની શરૂઆત અપુનર્બન્ધક ભાવથી થાય છે, માટે ગૃહસ્થજીવનમાં અપુનર્બન્ધક ભાવથી માંડીને દેશવિરતિ પર્વતનો ધર્મ કોણ-કેટલો-કેવી રીતે કરી શકે ? તેનું વર્ણન પહેલા ભાગમાં કર્યું છે અને છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ તેને સંપૂર્ણ કેવી રીતે-કોણ કરી શકે ? તે યતિધર્મ તરીકે બીજા ભાગમાં જણાવ્યું છે. આ યતિધર્મને યોગ્ય આત્માની ભૂમિકા તૈયાર કરવા માટેનો કાળ ગૃહસ્થજીવન અને ઉપાયે ગૃહસ્થ ધર્મ છે. તેનો યતિધર્મ સાથે કેવો સંબંધ છે, તે હવે જોઈએ.
એક જ જિદગીની બાલ્યકાળ, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, વિગેરે ઉત્તરોત્તર ચડતી અવસ્થાઓ હોય છે, તેમ અહીં ગૃહસ્થ ધર્મ, યતિધર્મ, તેમાં પણ ગણિપદ આદિ વિશિષ્ટધર્મ અને નિરપેક્ષ યતિધર્મ, વગેરે આત્માની ઉત્તરોત્તર ચડતી અવસ્થાઓ છે. અપેક્ષાએ ગૃહસ્વધર્મને આત્માનો બાલ્યકાળ, સાપેક્ષ યતિધર્મને યુવાવસ્થા, ગણિપદ આદિને પ્રૌઢાવસ્થા અને નિરપેક્ષ યતિધર્મને