Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ક્રિયા તરીકે એક જ પ્રકારનો હોવા છતાં પ્રવૃત્તિના અને નિવૃત્તિના ભિન્ન ભિન્ન વિષયોની અપેક્ષાએ તેના પણ વિવિધ પ્રકારો કહેલા છે, એ બધા પ્રકારોના સરવાળાને વિરતિ ધર્મ કહેવાય છે. અર્થાત્ પાપવ્યાપારોથી વિરામ કરવો અને ઉપલક્ષણથી શુભવ્યાપારોમાં પ્રવૃત્તિ કરવી તેને વિરતિ ધર્મ કહેવાય છે.
આ વિરતિધર્મનો અર્થ સામાન્યતયા ‘આત્માને થતા કર્મ બંધને રોકવો' એવો કરીએ તો તેનો પ્રારંભ સાધનધર્મની અપેક્ષાએ જીવને ચરમાવર્ત કાળમાં અપુનર્બન્ધકભાવ પ્રગટ્યા પછી માર્ગાનુસારીતાના વ્યવહારથી થાય છે અને એની અંતિમ સમાપ્તિ સાતમા ગુણસ્થાનકે અપ્રમતભાવમાં થાય છે. સાધ્યધર્મની અપેક્ષાએ વિરતિની ભૂમિકા ચોથા ગુણસ્થાનકે, પ્રારંભ પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકે અને સમાપ્તિ ચૌદમા ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં થાય છે, તે પછી જીવનો તુર્ત મોક્ષ થાય છે. . .
આ ગ્રંથમાં વિરતિધર્મના આદિ કાળથી માંડીને સમાપ્તિકાળ સુધીનાં કર્તવ્યોનું ક્રમશ: વર્ણન કર્યું છે, સામાન્યતયા આ ગ્રંથના બે ભાગોમાં વર્ણવેલો ધર્મ કોઈ એક જ ભવમાં પૂર્ણ થાય તેવો નથી. ધર્મના અર્થીએ ગ્રંથના અભ્યાસ દ્વારા સ્વ-સ્વ આત્માની ગુણભૂમિકા નક્કી કરીને ત્યાંથી આગળ વધવાના આ ગ્રંથમાં કહેલા ક્રમિક ઉપાયો આદરવાના છે.
સંસારનું મુખ્ય કારણ હિંસા છે. કોઈ પણ જીવને (દુઃખ) અહિત થાય તેવું મન, વચન, કે કાયાથી વર્તન કરવું, તેને અનુક્રમે માનસિકી, વાચિકી અને કાયિકી હિંસા કહેલી છે. ઈચ્છવા છતાં બીજાનું અહિત કરવું નિશ્ચિત નથી, પણ તેવી ઇચ્છા કરનારનું તો અહિત અવશ્ય થાય છે જ. આવું અહિત કરવાની ઇચ્છામાં મોહ, અજ્ઞાન, કામ-ક્રોધાદિની પરિણતિ, તેના પરિણામે કલ્પેલી જીવનની વિવિધ જરૂરીઆતો, હિત કરવાની અનાવડત, વગેરે કારણો રહેલાં છે. તેનાથી અન્ય જીવોની વિવિધ પ્રકારની હિંસા સંભવિત છે અને હિંસકને પણ કર્મબંધ થવા રૂપ પોતની (આત્મ) હિંસા થાય છે. જૈન દર્શનમાં હિંસાની કોઈના પણ પ્રાણોનો વિયોગ કરવો' એટલી ટૂંકી વ્યાખ્યા નથી, કિજુ કોઈને પણ કર્મબંધ થાય તેવું વર્તન કરવું, તેને પણ હિંસા કહી છે, તેમાં પણ પ્રાણ વિયોગરૂપ હિંસા એક જ ભવ પૂરતી થાય છે અને કર્મબંધનરૂપી હિંસા તો અનેકાનેક ભવો સુધી કડવા વિપાકો (દુઃખો) ભોગવાવે છે. પરિણામે જન્મ-મરણાદિરૂપ વિપત્તિઓની પરંપરા ભોગવવી પડે છે. આ કારણે વિરતિનું