________________
શ્રી વચનામૃતજી
બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે. જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમસુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મમરણની વિટંબનાનો અભાવ છે.
પ્રથમ ચિત્ર : અનિત્ય ભાવના
(ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ;
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ! લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે, પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતાં ઇંદ્રધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યોવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતાં રહે છે; ટૂંકામાં છે જીવ ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે. તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર.
દ્વિતીય ચિત્ર : અશરણ ભાવના
(ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય લ્હાશે. સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવળ અનાથરૂ૫ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવીની ભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર (પકડનાર) નથી.
તૃતીય ચિત્ર : એકત્વ ભાવના
(ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય; તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org