________________
શ્લોક-૬૫
૩૦૭ નિરોગી-કંઈ નખમાંય રોગ નહીં, સવા વર્ષનું પરણેતર, આહાહાહા ! આ શુક્રવારે તો અહીંયા હતા એના બાપ ને દિકરો બેય, એ પાલીતાણા ગયા'તા, ત્યાં કંઈ ખાધું ને પેટમાં દુઃખાવો ઊપડયો બે દિવસે અમદાવાદ, દેહ છૂટી ગયો! આહાહાહા! ભાઈ, આ હમણાં બેઠા'તા ત્યાં બેઠા'તા એક ક્ષણમાં પરિણમન થવું, શરીરની પર્યાય છે, એ રોષે રોકી શકે નહીં, લાખ દવા આપે તોપણ શું એમાં? એની દેહની પરિણતિ શક્તિ જ્યાં છૂટવાની છે એ સમયે છૂટશેજ, ત્રણ કાળમાં એને કોઈ રોકી શકે નહીં. આહાહા ! એમાં દવા બવા કામ કરે એવું છે નહીં. દર્શન કરતો'તો ઊભો ઊભો. ઓહોહો ! એકાએક શું થયું શુક્રવારે તો ગયા આ તો હજી બુધવાર થયો! આહાહાહા !
જે સમયે જે દેહની પરિણતિ-પર્યાય થવાની છે (એ) થાય જ છે એને રોકવાને કોઈ સમર્થ છે નહિ, દાક્તર કે દવા એ પરિણમનને બદલાવી શકે (નહીં) આહાહા ! આવી ક્ષણિક અવસ્થા દરેકની, ભિન્ન ભિન્ન પોતાની પરિણતિ ક્ષણે ક્ષણે નિર્મળ કે મલિન પોતાથી થાય છે.
એ કહે છે કે દેખો, જીવની સ્વભાવભૂત પરિણમનશક્તિ “નિરન્તરાયા સ્થિતા” નિરંતર એટલે કોઈના વિઘ વિના સિદ્ધ થઈ. કોઈના આશ્રયે પરિણમન શક્તિ છે એમ છે નહિ. આહાહાહા ! આ શરીર પણ ચાલે છે દેખો. આ આંગળી ચાલે છે તો એનાં પરિણમનથી છે, આત્માથી નહીં. એવી જે અવસ્થા પરિણમનની, એનાં પરમાણુની છે, એ પરિણમનની શક્તિથી પરમાણું પલટે છે, આત્માથી નહિ ઇચ્છાથી નહિ. આહાહા ! એવી દરેક પરિણમનની શક્તિ, દરેક પદાર્થની અનાદિ અનંત, પરિણમન સ્વભાવ છે. તો જ્યારે જ્યારે પરિણમે છે તે તો પોતાનાથી પરિણમે છે, પરથી નહીં અને પરને (કારણે) નહીં. રજનીભાઈ ! આ ધંધા-ધંધાનું કાંઈ કરી શકાતું નથી એમ કહે છે. આહાહા ! મુંબઈમાંય કાંઈ કરી શકતા નથી, એમ કહે છે. આહાહા ! કોઈ પણ પ્રાણી, કોઈ પણ ક્ષેત્રે કે કોઈ પણ કાળે પોતાની પર્યાયનો-પરિણતિનો કર્તા છે, પરની પરિણતિનો કોઈ ક્ષેત્રે, કોઈ કાળે, કોઈ દેશમાં, પરનો કર્તા નથી. વાત એવી આકરી બાપુ! આહાહા !
આ ચાલે છે પગ, પગ ચાલે છે ને? તો કહે છે કે એ પગની પરિણતિથી પગ ચાલે છે, આત્માથી નહિ, અરે ! આ કેમ બેસે લોકોને ? ( શ્રોતા – જીવતો જીવ છે માટે નહીં) જીવ, જીવતો પરિણમન પોતાના પરિણામ પોતામાં કરે, પરમાં શું કરે? આહાહાહા! અરે, દુનિયાને ક્યાં ખબર જિંદગી ચાલી જાય છે. આહાહા ! કઈ ક્ષણે દેહ છૂટશે ને ક્યાં જશે, એની ખબરું ય નથી, એને. આહાહા ! એ પગ ચાલે છે આ આમ-આમ ડગલા ભરે છે ને તો કહે છે કે એ પર્યાય પગની એ પરમાણુંની પર્યાય છે ચાલવાની, આત્મા બિલકુલ પગને ચલાવતો નથી. આહાહાહા! અને પગ ચાલે છે તો આત્માના પરિણામથી પગ ચાલે છે કે પગના ચાલવાથી આત્માના પરિણામ છે, એમ છે નહીં. આહાહાહા !
(પોતે) પોતાના પરિણમનમાં સ્વતંત્ર છે. પરના પરિણમનમાં પર સ્વતંત્ર છે. કોઈ કોઈના આશ્રયથી ને અવલંબનથી (પરિણમન) થાય છે એવી વસ્તુસ્થિતિ નથી, વસ્તુની સ્થિતિની મર્યાદામાં એ છે. પરની સ્થિતિ ને મર્યાદા પરમાં છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ વિતરાગનું તત્ત્વ બેસવું. આહાહા !