________________
ઘડતર
કસ્તૂરભાઈના ઉદ્યોગ-સંકુલે આજે દેશભરમાં જે સ્પૃહણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો જશ, એક રીતે જોઈએ તો, તેમના પિતા લાલભાઈને ફાળે જાય છે. કેમ કે કસ્તૂરભાઈએ વિવિધ રીતે વિસ્તારીને સંગીન સ્થિતિમાં મૂકેલ એ ઉદ્યોગનો પાયો લાલભાઈ શેઠ નાખ્યો હતો. આ સંકુલનાં તમામ ઔદ્યોગિક એકમો આજે ‘લાલભાઈ ગૃપ'નાં અંગરૂપે ઓળખાય છે, તેમાં ઘણું ઔચિત્ય રહેલું છે.
પૂરા પાંચ દાયકાનું (૧૮૬૩-૧૯૧૨) પણ આયુષ નહીં ભોગવી શકેલ લાલભાઈને શ્રીમંતાઈને વળગતા વિલાસવૈભવ ભાગ્યે જ સ્પર્શી શક્યા હતા. તેમના પિતા દલપતભાઈ રૂના ધંધામાં સારું કમાયેલા; તેમ છતાં કુટુંબની સ્થિતિ પિતાના વખતમાં પહેલાંના જેટલી સધ્ધર રહી નહોતી તેથી તેને સુધારવા માટે તેઓ દિનરાત મંડ્યા રહેતા. તેમણે કૉલેજનું શિક્ષણ લીધું હતું–જોકે પિતાની માંદગીને કારણે બી.એ.નો અભ્યાસ પૂરો કરી શકેલા નહીં. પણ તેને પ્રતાપે વ્યાપક દૃષ્ટિએ વિચાર કરીને અવનવી યોજનાઓ ઘડી કાઢવાની બુદ્ધિશક્તિ તેમનામાં ખીલી હતી. ધનોપાર્જનની સાથે સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની સભાનતા તેમનામાં આવી હતી અને માતાની ધર્મપરાયણતાના
ઊંડા સંસ્કાર પણ પડેલા હતા. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લોકહિતનાં - સાર્વજનિક કામોમાં તેમનો અગ્રગણ્ય હિરસો રહેતો.
Scanned by CamScanner