________________
રાષ્ટ્રીય રંગપીઠ પર ૧૧૧
બંનેને સાંભળ્યા બાદ મોતીલાલજીએ કસ્તૂરભાઈને કહ્યું: “તમે અમદાવાદમાં સ્થાપેલી સ્વદેશી સભાને કોંગ્રેસ વિધિસર સ્વીકૃતિ
આપશે.”
“અરે, અરે, આપ આ શું કરો છો? આપના આ પગલાથી ગાંધીજીને કેવું લાગશે તેનો તો વિચાર કરો.” શંકરલાલ બૅંકર અકળાઈને બોલ્યા. “કોંગ્રેસનો પ્રમુખ હું છું; ગાંધીજી નથી.” મોતીલાલજીએ હોઠ બીડીને જવાબ આપ્યો.
શંકરલાલની આંખમાં આંસુ હતાં.
પછીથી આ પ્રશ્ન અંગે ગાંધીજી અને મોતીલાલજી વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલ્યો. કોંગ્રેસમાં પણ સ્વદેશી સભા વિશે લાંબી ચર્ચા ચાલી. સ્વદેશી સભાના ઓઠા નીચે કેટલીક મિલોએ જાડું કાપડ ઉત્પન્ન કરીને ખાદીને નામે વેચવાની ચેષ્ટા પણ કરી હતી. તેનાથી ગાંધીજીને ઘણું દુ:ખ થયું. છેવટે તેમણે વિદેશી માલના બહિષ્કારમાં ખાદીને અપનાવવાની વાત જ આગળ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
૧૯૨૭ના જુલાઈમાં ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ભારે રેલ આવી હતી, જ્યાં દર વર્ષે સરેરાશ ત્રીસ ઇંચ વરસાદ થતો ત્યાં એક અઠવાડિયામાં જ બાંતેર ઈંચ વરસાદ પડચો. મકાનો, રસ્તા અને પાકને પુષ્કળ નુકસાન પહોંચ્યું હતું. એકલા અમદાવાદ શહેરમાં બે હજારથી વધુ ઘરો પડી ગયાં હતાં. હજારો લોકો ઘરબાર વગરના બની, માલમિલકત છોડીને, જાન બચાવવા પહે લૂગડે નીકળી પડ્યા હતા. મજૂર અને ગરીબ વર્ગના લત્તા તો પાણીમાં ડૂબી ગયા હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલી તારાજીનો જોટો આગલાં પચાસ વર્ષમાં જડે તેમ નહોતો.
સરદાર વલ્લભભાઈ એ વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. વરસાદની હેલીથી થતા નુકસાનનો વિચાર આવતાં અડધી રાતે તેઓ પોતાને ઘેરથી ચાલતા ચાલતા મ્યુનિસિપલ એન્જિનિયરને ઘેર પહોંચ્યા. તેમને જગાડીને તેમની દ્વારા કામદારોને એકત્ર કર્યા અને ભરાઈ ગયેલાં પાણીનો રસ્તો સાફ કરાવ્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત ખડે પગે રહીને સરદારે શહેરમાં રાહતનું કામ સંગઠિત કર્યું.
Scanned by CamScanner