________________
૧૪૬
પરંપરા અને પ્રગતિ.
નિભાવખરી આપવાનું સ્વીકાર્યું. રાજ્ય સરકારે તેને માટે સો એકર જમીન આપી અને મકાન ઇત્યાદિના કેપિટલ ખર્ચની જવાબદારી મિલમાલિકોએ ઉપાડી લીધી. અધ્યાપકો, ગ્રંથાલય અને સાધનો માટે જરૂરી હૂંડિયામણની સહાય કૉર્ડ ફાઉન્ડેશને કરી. આ સંસ્થામાં ભારતના કોઈ પણ પ્રદેશમાંથી કેવળ ગુણવત્તાને ધોરણે તાલીમાર્થીઓ પસંદ કરવાના હતા. તેની સામે સ્થાનિક વિદ્યાર્થીઓને વધુ છૂટછાટ કે પ્રતિનિધિત્વ અપાવું જોઈએ એવો એક મત ઊભો થયેલો અને તે માટે રાજ્ય સરકારે પણ સંસ્થાને પાંસઠ એકર જમીન આપ્યા પછી વધુ આપવાની આનાકાની કરવા માંડેલી. પરંતુ કસ્તૂરભાઈ અને વિક્રમ સારાભાઈએ સંસ્થાની રાષ્ટ્રીય ભાત પૂરેપૂરી જાળવવાના તેના પ્રથમ નિયામક ડૉ. રવિ મથાઈના આગ્રહને પૂરેપૂરું અનુમોદન આપ્યું. છેવટે ઘનશ્યામભાઈ ઓઝા મુખ્ય મંત્રી હતા તે વખતે સંસ્થાને બાકીની પાંત્રીસ એકર જમીન પણ મળી હતી.૨૪ - ૧૯૬૨માં હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના સહયોગથી આઈ. આઈ. એમ.નો શૈક્ષણિક કાર્યક્રમ શરૂ થયો. શક્તિશાળી જુવાનોને વિવિધ ક્ષેત્રોમાં વ્યવસ્થાપન અને તત્સંબંધી ક્ષેત્રોની તાલીમ આપવા ઉપરાંત નિર્ણયશક્તિ ખીલવવા, મેનેજરોની વહીવટી કુશળતા વિકસાવવા, વ્યવસ્થાપનને લગતાં ક્ષેત્રોમાં શિક્ષકો ને સંશોધકો તૈયાર કરવા, મૌલિક સંશોધન દ્વારા જ્ઞાનવિકાસ સાધી તેનો ગ્રંથપ્રકાશન દ્વારા પ્રસાર કરવા, નિષ્ણાત સલાહ પૂરી પાડીને વિવિધ સંસ્થાઓને વહીવટી પ્રશ્નો હલ કરવામાં સહાય કરવા અને આ બધા ઉદ્દેશો સિદ્ધ કરવામાં આ દેશની કે પરદેશની સંસ્થાઓનો સહયોગ સાધવા કે સહકાર આપવા અને જરૂર લાગે તો તેને માટે સંસ્થાઓ ઊભી કરવાનો ઉપક્રમ આઈ. આઈ. એમ.એ નક્કી કરેલા ઉદ્દેશોમાં સમાવેશ પામેલો છે.૨૫
- વસ્ત્રાપુરના એક વખતના નિર્જન વગડામાં આધુનિક સ્થાપત્યના આકર્ષક નમૂનારૂપ મકાનો આઈ. આઈ. એમ.ના કેમ્પસ ઉપર ઉઠાવ લેતાં જાય છે. છેલ્લા દોઢ દાયકામાં ભૌતિક સગવડો અને શૈક્ષણિક કાર્યક્રમની દૃષ્ટિએ આઈ. આઈ. એમ.એ સાધેલી પ્રગતિ જોઈને કોઈ પણ સંસ્થાને ઈર્ષ્યા આવે. ઉદ્યોગ અને કૃષિનાં ક્ષેત્રો માટેની વ્યવસ્થાપનનો તેનો અભ્યાસક્રમ સુસ્થિત બનીને સારી ચાહના પામ્યો છે. યુનિવર્સિટીના અધ્યાપકો માટેના અભ્યાસક્રમોએ
Scanned by CamScanner