________________
૧૬૪
પરંપરા અને પ્રગતિ
સામે પક્ષે ચાર બાઘડા તેમના સ્ટાફ સાથે બેઠેલા, તેની સામે તમે એક્લા શી રીતે ટક્કર ઝીલી શક્યા?” પોતે અપનાવેલી પદ્ધતિ કસ્તૂરભાઈએ કહી ત્યારે અંબાલાલ તેમની ચતુરાઈ પર ફિદા થઈ ગયા. આમ છતાં નોંધવું જોઈએ કે આવી મહત્ત્વની મંત્રણા વખતે તેમણે એકાદ-બે સાથીઓને સાથે રાખવા જોઈતા હતા.
મંત્રણાઓનો મુખ્ય વિષય મેનેજિંગ એજન્સી હતો. કસ્તૂરભાઈ મૅનેજિંગ એજન્સીના પક્કા તરફદાર. આઈ.સી.આઈ.ના ડિરેકટરોને તે માન્ય નહોતું. તેમણે મેનેજિંગ ડિરેક્ટર દ્રારા અતુલનો વહીવટ થાય તેવો આગ્રહ રાખ્યો. કસ્તૂરભાઈની યોજના મેનેજિંગ એજન્સી ચાલુ રાખવાની હતી એટલે તે કબૂલ થયા નહીં. મંત્રણામાં મડાગાંઠ પડી. છેવટે બંને પક્ષે મળીને વચલો માર્ગ કાળ્યો: બે મેનેજિંગ ડિરેક્ટરો વહીવટ કરે, ને મેનેજિંગ એજન્સી પણ અમુક વિભાગોનો વહીવટ કરે. આ રીતે સમાધાન થવાથી તેમને એટલો આનંદ થયો કે તેની ઉજવણી રૂપે તેમણે આઈ.સી.આઈ.ના ડિરેકટરોને પોતાની હોટેલમાં બોલાવીને શેમ્પન પાયો!
પરંતુ ભારત આવ્યા પછી બીજી મુશ્કેલી ઊભી થઈ. ભારતીય કંપની ધારા પ્રમાણે મેનેજિંગ એજન્સી અને મેનેજિંગ ડિરેકટરશિપ એમ બે પદ્ધતિએ વહીવટ ચલાવી શકાય તેમ નહોતું. બેમાંથી કોઈ એક જ પદ્ધતિ અખત્યાર થઈ શકે. આઈ.સી.આઈ. સાથે પોતે કરેલ કરારની કસ્તૂરભાઈએ નાણામંત્રીને જાણ કરી. આ બ્રિટિશ કંપની સાથેના કરારથી દેશને દસ કરોડ રૂપિયાનું હૂંડિયામણ મળે તેમ હતું, જે ૧૯૫૯માં ભારતને માટે નાનોસૂનો લાભ ન હતો. નાણામંત્રી મોરારજી દેસાઈએ તેમને મૅનેજિંગ એજન્સીની પદ્ધતિ તજી દેવા ઘણું કહયું પણ કસ્તૂરભાઈ મક્કમ હતા. તેમણે કહ્યું:
“કોઈ પણ સંજોગોમાં હું મેનેજિંગ એજન્સી જતી કરી શકું તેમ નથી.”૧૮
એક જોતાં કસ્તૂરભાઈની વાત સાચી હતી. એમની નવ કંપનીઓમાં એ વખતે મૅનેજિંગ એજન્સીની પ્રથા હતી. હવે એકલી અતુલમાં તે પ્રથાને તજીને પ્રોફેશનલ મેનેજમેન્ટનો આશ્રય લેવાનું તેમને માટે શક્ય નહોતું. કેમ કે કુટુંબની ત્રણે શાખાઓને એ રીતે તેમાં સમાવી શકાય તેમ નહોતું.
Scanned by CamScanner