________________
૫૪
પરંપરા અને પ્રગતિ
કરતી હતી. પહેલાં ધારાસભાના કામકાજની રીતરસમ શીખવાનું નક્કી કર્યું. મનુ સૂબેદાર એ વખતે દિલ્હીમાં હતા. તેમને પુછાવ્યું:
“તમે મને ધારાસભાના કામકાજની પદ્ધતિ શીખવશો?”
મનુ સૂબેદારે સંમતિ દર્શાવતા કહેવરાવ્યું: “ધારાસભામાં પૂછવા માટેના પ્રશ્નો હું તમને ઘડી આપું. મારી ફી હજાર રૂપિયા છે.”
કસ્તૂરભાઈએ જવાબ આપ્યો: “મેં અમુક સવાલો પૂછયા એવું અખબારમાં પ્રસિદ્ધ થાય તેનો મને અભરખો નથી. મારે તો ધારાસભામાં ચાલતા કામકાજની રીતરસમ ને પદ્ધતિ સમજવી છે."
એ વાત ત્યાં જ અટકી. કશું પરિણામ આવ્યું નહિ.
મુંબઈ અને અમદાવાદનાં મિલમાલિક મંડળોમાં વર્ષોથી કાપડ પરની આબકારી જકાતનો પ્રશ્ન ઘોળાતો હતો. માન્ચેસ્ટર અને લેંકેશાયરથી આયાત થતા કાપડને રક્ષણ આપવા માટે વિદેશી સરકારે ભારતની મિલોમાં તૈયાર થતા કાપડ પર છેક ૧૮૯૬થી સાડા ત્રણ ટકાની આબકારી જકાત નાખી હતી. કોંગ્રેસે સરકારની આ નીતિ વખોડી કાઢતાં કહ્યું હતું કે, સરકારે લેંકેશાયરને ફાયદો કરાવવા માટે આ અન્યાયી જકાત ભારતમાં પેદા થતા કાપડ પર નાખી છે. દેશના ઔદ્યોગિક વિકાસ માટે તો સરકારે ભારતમાં ઉત્પન્ન થતા માલને રક્ષણ આપવું જોઈએ એમ દાદાભાઈ નવરોજજી, પંડિત મદનમોહન માલવીય અને બીજા રાષ્ટ્રીય નેતાઓ ગાઈવગાડીને કહેતા હતા.
( રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્યની સંયુક્ત માગણી થઈ શકે તે હેતુથી ૧૯૦૫માં કેંગ્રેસની સાથે કામ કરે તેવી ભારતીય ઉદ્યોગપરિષદ (ઇન્ડિયન ઈન્ડસ્ટ્રિયલ કૉન્ફરન્સ) સ્થપાઈ હતી. તેના પ્રથમ પ્રમુખ રમેશચંદ્ર દત્તે મંગલ પ્રવચન કરતાં કહ્યું કે: “દુનિયાના બધા દેશો સ્વદેશીની પ્રવૃત્તિ અપનાવી રહ્યા છે. ફ્રાન્સ, જર્મની, અમેરિકા અને બ્રિટિશ સંસ્થાનો ભારે જકાતની દીવાલ ઊભી કરીને પોતાના દેશના ઉદ્યોગને રક્ષણ આપે છે. આપણી પાસે આપણા અર્થતંત્રને લગતા કાયદા ઘડવાની સત્તા નથી એટલે આપણે પરદેશી માલને તજી જેમ બને તેમ વધુ પ્રમાણમાં દેશી માલ વાપરવાનો ઠરાવ કરીને સ્વદેશીનું આંદોલન જગવવા માગીએ છીએ. આ ઉમદા પ્રયાસમાં સફળ થઈશું તો રક્ષણાત્મક જકાતનો આશ્રય લીધા વિના સ્વદેશી માલ અને ઉદ્યોગને
Scanned by CamScanner