________________
૬૪
પરંપરા અને પ્રગતિ
કસ્તૂરભાઈની ધારણા મુજબ, મંદીના સંજોગો અને મોટો ઓર્ડર જોઈને પ્લાસે તેમની ઑફર સ્વીકારી. સર નેસને ઘણી જ નવાઈ લાગી. તેમણે પણ બોમ્બે ડાઈંગ મિલ માટે એ જ ધોરણે પચાસ હજાર ત્રાકનો ઓર્ડર મૂક્યો! આટલા નીચા ભાવે આ મશીનરી પછી કદી વેચાઈ નથી. એકાદ વર્ષ બાદ કાપડની મિલવાળા લગભગ બધાએ તેમનું અનુકરણ કર્યું પણ તે વખતે ભાવ સારી પેઠે વધી ગયા હતા.
લાલભાઈ ગ્રૂપની બધી મિલોમાં અરવિંદ મિલ શ્રેષ્ઠ ગણાય છે. શરૂઆતથી જ તેને અનુકૂળ સંજોગો, કસ્તૂરભાઈની અનુભવી અને પકવ બુદ્ધિનું માર્ગદર્શન ને કાર્યદક્ષ વહીવટનો લાભ મળ્યો છે. અહીં પણ કસ્તૂરભાઈએ ઊંચી જાતનું રૂ. વાપરવાનો અને ઉત્તમ ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇજિપ્શિયન રૂની કિંમત ત્રણથી ચારગણી વધી ગઈ હતી છતાં તે વખતે પણ તેમણે રૂની જાતમાં ફેરફાર કર્યો નહીં. આને લીધે અરવિંદ મિલના કાપડની માગ વધતી જ રહી અને દેશની ટોચની મિલોમાં તેને સ્થાન મળ્યું.
ઉદ્યોગપતિ તરીકે તેમનું દૃષ્ટિલક બહોળા સંપર્ક અને વિશાળ અનુભવે વિસ્તરતું જતું હતું. ઔદ્યોગિક સાહસની સફળતાનું રહસ્ય સમજાવતાં અરવિંદ મિલના સંદર્ભમાં જ તેમણે એક વાર કહેલું કે: “ઉદ્યોગ નાખવા કે ચલાવવા પાછળનો આશય માત્ર નફો કરવાનો હોવો જોઈએ નહીં, પરંતુ તેમાં કામે લગાડવામાં આવેલા કામદારોને તેમને મળતા પગારો અને તેમના તરફ રખાતી વર્તણૂકથી સંતોષ થાય તે જોવાવું જોઈએ. ગ્રાહકને તેને મળતા માલની જાતથી સંતોષ મળવો જોઈએ અને વહીવટકર્તાઓનું ધ્યેય દેશના આર્થિક અને રાજકીય જીવનમાં થતા ફેરફારોને સુસંગત રહેવાનું હોવું જોઈએ. જો કોઈ પણ સાહસ આ ઉદેશોને અગ્રસ્થાન આપે તો તેનું સફળતાપૂર્વક સંચાલન કરવું સરળ થઈ પડે.”
અરવિંદ મિલ સ્થપાઈ તેને બીજે જ વર્ષે તેને એક અત્યંત બાહોશ અને કાર્યદક્ષ વહીવટદાર (administrator) મળી ગયા એ પણ એક સુયોગ થયો. ૧૯૩૨માં પંડિત મદનમોહન માલવીય બનારસ હિંદુ યુનિવર્સિટી માટે ફંડ એકઠું કરવા અમદાવાદ આવ્યા હતા. કસ્તુરભાઈએ તેમની સાથે ફરીને સારી રકમ એકઠી કરી આપી હતી. એ વખતે પંડિતજીની સાથે એક પચીસ-છવીસ
Scanned by CamScanner