________________
એ પ્રત્યે આપણે લોકોએ, સમાજ અને સરકારોએ, સેવેલી ઉપેક્ષા હવે આપણને ભરખી જવા બેઠી છે. ગરીબ જનસમૂહોને પોતાના ધર્મના બનાવીને બધી રીતે જબરા' બની ગયેલાં આ તત્ત્વોએ હવે પોતાનો પંજો આપણા ધર્મ અને ધર્મીઓ તરફ પણ પ્રસારવા માંડ્યો છે.
એમનાં પ્રયાસો અત્યંત સુધરેલા, વ્યવહારુ, અને ઉમદા લાગે તેવા હોય છે. એમણે પોતાની વિચારધારા સરકારી તંત્રમાં દાખલ કરવા માંડી છે. રાજકીય પક્ષોને તેનું વાહન બનાવ્યા છે. જુદા જુદા ધર્મો વચ્ચેના પારસ્પરિક કુસંપ અને કમળનો મહત્તમ ફાયદો તેઓ ઉઠાવે છે. ધીમે ધીમે તેઓ બીજાઓની વિચારસરણી બદલતા જાય છે, અને વૈચારિક રીતે તેમને નબળા પાડીને સંદેહશીલ બનાવીને પછી પોતાનું ઝેર પાથરતા જાય છે.
“જૈન સમુદાયને લઘુમતી તરીકે જાહેર કરવો એવો વિચાર આવા જ કોઈ ભેદી તંત્ર દ્વારા જૈનોના આગેવાનોના દિમાગમાં તથા રાજકીય પક્ષોના નેતાઓના દિમાગમાં ઘુસાડાયો છે. ટૂંકા ગાળાના સ્વાર્થ ખાતર મથતા આ આગેવાનો અને નેતાઓ, અંદર અંદર લડતા રહે, એક ન થાય, તેવી પૂરી કાળજી લેવાતી હોય છે.
આ ભેદી તંત્રની કરામત પણ જોવા જેવી છે. એક પક્ષને શીખવાડ્યું કે જૈનોને લઘુમતી ગણો.” આ થાય એટલે જૈનો વ્યાપક બહુમત હિન્દી સમાજથી વિખૂટો-આપોઆપ-પડી જાય.
બીજા પક્ષને એવું ઠસાવ્યું કે “જૈનો તો હિન્દુ ધર્મનો એક પેટા-વિભાગ જ ગણાય, તેમનું સ્વતંત્ર ધર્મ-દર્શન ક્યાં છે? પેલા પક્ષે આ સ્વીકારીને જૈન ધર્મને હિન્દુ ધર્મનો સંપ્રદાય ગણાવવા માંડ્યો. પરિણામે જૈન અને હિન્દુઓ વચ્ચે તિરાડ પડવા માંડી.
બેય વાતે બહુમતી સમાજમાં વિભાજન જ થાય, એટલે પેલા ભેદી લોકોને તો બેય ભાણે લાડવા જ! બંને પક્ષોને એકમેકથી ઉશ્કેરીને, વિખૂટા પાડીને, નબળા બનાવીને, એમને તો પોતાનો જ સ્વાર્થ પોષવાનો છે. હિન્દુ સમાજ નબળો પડે, તૂટે એટલે તેના સંદિગ્ધ લોકોને પોતાના ધર્મ તરફ આકર્ષતા જાય. બૌધ્ધિકોને ધાર્મિક કુસંપની દુહાઈ દઈને, તો ગરીબ-લાચાર જનોને લોભલાલચ આપીને, ધર્માતરણ કરાવતાં જાય. અને હિન્દુ પ્રજાને લઘુમતીમાં પલટી નાખીને પોતાના જ રાજ્યમાં - રાષ્ટ્રમાં તેને નિરાશ્રિત, લાચાર અને કોઈકની દયા પર નભનારી પ્રજા તરીકે જીવતી કરી દેવાય.