________________
આજકાલ સર્વત્ર રોગચાળાનું અને અનેક જાતના ઉપદ્રવોનું સામ્રાજય ફેલાયું છે. બધા જ દુઃખગ્રસ્ત છે. બધા જ અશાંત છે. બધે જ ઉગ અને “કાલે શું થશે?' કે આવતીકાલ કેવી હશે?' તેની દહેશત છવાયેલ છે.
તો અનુભવીઓ એવું કહે છે કે, આવનારા દિવસો, વીતેલા દિવસો કરતાં કપરા હશે. જાણકારો પણ આમાં સૂર પુરાવતા રહે છે.
સહેજે સવાલ થાય કે આ દિવસો આપણા જેવા જશે? અથવા આપણું શું થશે?
આનો એક જ જવાબ જડે છે, ધર્મ-આરાધનાનું બળ વધારો. તપ, જપ અને ધર્મકરણી જેમ જેમ વધારે થશે, તેમ તેમ આરાધનાનું બળ વધશે. અને આરાધનાના બળે જ ઉપદ્રવો અને દુઃખ-કષ્ટો શાંત થશે અથવા હળવાં પડશે.
સંસારી જીવો પાસે જ્યારે બીજી કોઈ તાકાત કે બચાવ બચતાં નથી, ત્યારે ધર્મઆરાધના એ એક જ તાકાત એને બચાવી શકે તેમ છે. તેમાંય જો તપ-જપ સામૂહિકરૂપે કરવામાં આવે તો તેની અસર વાતારવણ પર બહુ ઘેરી અને બહુ વ્યાપક પડતી હોય છે. એ અસર આખા રાષ્ટ્રને, રાજ્યને, નગરને તેમજ સમાજને અનેકવિધ તકલીફો તથા પ્રકોપથી ઉગારી શકે છે.
પ્રાર્થનાનું બળ પણ એટલું જ વધારવું જોઈએ. પરમ કરુણાવંત પરમાત્માને ઉદ્દેશીને સૌ એક જ પ્રાર્થના કરે કે આપની કરુણા સમગ્ર સૃષ્ટિ પર અનરાધાર અવિરત વરસાવો, અને સૌને સઘળાં સંક્ટોથી ઉગારો! શિવમસ્તુ સર્વજગતઃ !
ઘરે ઘરે, ઠેરઠેર બધા ભેગા થાય અને ઓછામાં ઓછી ૩૦ મિનિટ સાગમટેસામૂહિક પ્રાર્થના કરે, આરાધના કરે, ઓછામાં ઓછી સઘળા ભેગા મળી ૧ નવકારવાળી (૧૦૮ નવકારની) ગણે, અને શિવમસ્તુ ની પ્રાર્થના ત્રણવાર કરે. ઘરે ઘરે આ નિત્યક્રમ શરૂ થવો જોઈએ. ઉપાશ્રયોમાં પ્રતિક્રમણ પછી આ ક્રમ શરૂ થવો જોઈએ.
આરાધના જ બચાવ છે, આરાધના જ સલામતી છે, અને આરાધના જ તરણોપાય છે.
(આસો-૨૦૬૨)