________________
ચાર જણના આ સુખી પરિવારનો આ આદર્શ આનંદ બહુ લાંબો ન ટક્યો. એક ગોઝારા દિવસે જ્યારે રૂપ માત્ર ચાર વર્ષનો હતો અને માગી માંડ એક વર્ષની હતી ત્યારે તેમની વહાલી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. તેમનું આકસ્મિક મૃત્યુ આઘાતજનક અને કંઈ સમજી ન શકાય એવું હતું. ઘરનું વાતાવરણ રાતોરાત બદલાઈ ગયું અને બિલકુલ ભેંકાર તથા ભારેખમ થઈ ગયું. મૃત્યુ પછી શોક વ્યક્ત કરવાનો સમય પૂરો થયો એના લાંબા સમય પછી પણ ઘરના માહોલમાં ગોરંભાયેલી પીડા વર્તાયા કરતી. ચુનીબાઈએ આખા કુટુંબને તેમના પ્રેમ અને હૂંફથી જકડી રાખ્યું હતું. ઘરના દરેકેદરેક ખૂણે એમનો સ્પર્શ વર્તાતો. એ બધાની બહુ કાળજી રાખતાં.
પણ સાવ ગણતરીની ક્ષણોમાં એ બધું જ બદલાઈ ગયું.
તેમનું શબ સ્મશાનભૂમિમાં લઈ જવાયું. લાકડાની ચિતા તૈયાર કરાઈ અને દક્ષિણે પગ રહે એમ તેમનું શબ ચિતા પર મૂકાયું. ભારે હૈયે, છોગાલાલજીએ પોતાના નાનકડા દીકરા વતી મૃત પત્નીને મુખાગ્નિ આપ્યો. ચિતાને અગ્નિદાહ અપાયો અને ગણતરીના કલાકોમાં ચુનીબાઈની હસ્તી રાખમાં ફેરવાઈ ગઈ.
છોકરાઓને તો રોજ રાતે માના પડખે, એનાં કપડાંની હૂંફમાં લપેટાઈને ઊંઘવાની ટેવ હતી. પણ એ રાતે છોકરાંઓને કાકાના પલંગમાં સુવાડ્યા.
નાનકડા રૂપે ઊંઘરેટા અવાજે પૂછયું, “મારી મા ક્યાં છે?”
તેને આ સવાલનો કોઈ જવાબ ન મળ્યો. કાકાએ એને હળવે હાથે થાબડીને કોઈ ને કોઈ રીતે નિદ્રાના શરણે પહોંચાડ્યો.
બીજે દિવસે સવારે, ઊઠીને તરત રૂપ ઘરનો ખૂણેખૂણો ફરી વળ્યો પણ તેને પોતાની માં ક્યાંય ન દેખાઈ.
“મારી મા ક્યાં છે?”, એ રોઈ પડ્યો. આગલા દિવસે થયેલું બધું જ એ ભૂલી ગયો હતો, “મારે માને જોવી છે.'
“બેટા રૂપ, હવે તું તારી માને ક્યારેય નહીં જોઈ શકે...” રૂપે પોતાના કાકાના હળવા અવાજમાં સાંભળ્યું.
રૂ૫ ચોંકી ગયો હતો. મને મારી મા ફરી ક્યારેય નહીં જોવા મળે ? આનો વળી શું અર્થ?
યુગપુરુષ
-
૬
-