________________
હંમેશની માફક રૂપના પિતાએ સાબિત કર્યું કે પોતે કઈ રીતે નિઃસ્વાર્થ અને સંવેદનશીલ પિતા હતા. રૂપ તેના પિતાને કૃતજ્ઞતાથી ભેટી પડ્યો. આ એ ક્ષણ હતી
જ્યારે પિતાને સમજાઈ ગયું હતું કે તેમનો દીકરો પોતાના નિર્ણય જાતે લેવા જેટલો મોટો થઈ ગયો હતો. તે બન્ને એક સાથે પિતા અને પુત્રની દુન્યવી વ્યાખ્યાઓની બહાર નીકળી ગયા હતા અને તેમની જિંદગીની સૌથી અગત્યની મહાન સફરના આધ્યાત્મિક સાથીદાર બની ગયા હતા.
છોગાલાલજીના ભાઈઓને કોઈને ત્યાં સંતાન નહોતું અને હવે કુટુંબનો એકમાત્ર વારસ સંન્યાસ લઈ રહ્યો હતો. તેને પગલે વંશવેલો તો અટકી જ રહ્યો હતો પણ આવનારા દિવસોમાં કુટુંબનાં નામ અને પ્રતિષ્ઠા બન્નેને પૂર્ણવિરામ લાગવાનું હતું. એકમાત્ર પુત્રરત્નના સંન્યાસ લેવાના આ નિર્ણયને કારણે પરિવારમાં બધા જ ખૂબ દુઃખી હતાં. ગજરાફઈ તો એટલાં ગુસ્સે થયાં હતાં કે તેમણે નિર્ણય લીધો હતો કે તે ફરી ક્યારેય રૂપ સાથે વાત પણ નહિ કરે.
૬ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ ૨૦ વર્ષના રૂપે દીક્ષા લીધી અને સંન્યાસી બની ગયો. રૂપનો દીક્ષા સમારોહ શ્રી આનંદસાગરજીના શિષ્ય શ્રી ચંદ્રસાગરજીની હાજરીમાં મુંબઈથી સો માઈલ દૂર આવેલાં બોરડી ગામમાં યોજાયો. પહેલાંની જિંદગીને હંમેશ માટે છોડી દેવાના પ્રતીકરૂપે, દીક્ષાની પરંપરાના ભાગ મુજબ રૂપના ગુરુએ તેને નવું નામ આપ્યું અને રૂપ મુનિ ચંદ્રપ્રભસાગર તરીકે ઓળખાયા.
- ૪૫ -
ચિત્રભાનુજી