________________
અંગ્રેજી અનુવાદ “ધી ફાઉન્ટેન ઑફ ઇસ્પિરેશન” તરીકે ઓળખાયો. અન્ય અનુવાદો “રોઝરી ઑફ પલ્સ”, “ધી સિટિઝન્સ ઑફ ટુમોરો”, “લોટસ બ્લમ”, “ધી બિકન” અને “દિવ્ય દીપ” “ઈન્સપાઈરિંગ એનેકડોટ્સ” તરીકે પ્રકાશિત થયા હતા. સોસાયટી દ્વારા માસિક સામાયિક “દિવ્ય જ્ઞાન”નું પણ પ્રકાશન કરાતું હતું. તે સામાયિકમાં ચિત્રભાનુજીનાં પ્રવચનો અને અર્થપૂર્ણ સુવિચાર ઉપરાંત સૂફી, હિન્દુ, ક્રિશ્ચન, ઝેન, તાઓ, પારસી અને અન્ય ધાર્મિક વિચારધારાઓના વિદ્વાનોના લેખો પણ પ્રકાશિત
કરાતા.
ચિત્રભાનુજી ડિવાઈન નૉલેજ સોસાયટીના જૂજ રાચરચીલું ધરાવતા ખંડમાં રહેતા. જ્યાંથી દરિયો દેખાતો. તેઓ દિવસના ૧૬ કલાક ધ્યાનમાં, વાંચનમાં, લખવામાં, પ્રફ રીડિંગમાં, વક્તવ્યો આપવામાં અને બેઠકોમાં જવામાં પસાર કરતા. વિદ્યાર્થીઓ, પરિવારો અને વિવિધ કુટુંબો તેમના આશીર્વાદ લેવા આવતા અને તેમની હાજરી અને અંગત સ્તરે થતા સંવાદોથી પરમ આનંદ મેળવતા. બપોરે શિષ્યો તેમના માટે ભોજન લાવતા. તેમને નજીક આવેલાં હેંગિંગ ગાર્ડનમાં ચાલવા જવાનું ખૂબ જ ગમતું. તેમને બાલ્કનીમાં બેસીને દરિયા સામે જોઈ રહેવાનું પણ ગમતું. ચિત્રભાનુજીની સતત હાજરીને કારણે ડિવાઈન નૉલેજ સોસાયટીએ ઘણા બધા લોકો પર ઊંડો પ્રભાવ છોડ્યો.
ચિત્રભાનુજીએ પોતાની જાતને માત્ર પ્રવચનો અને અહિંસાના પ્રચાર-પ્રસાર માટે વ્યસ્ત ન રાખ્યા, તેમણે પોતાનું કામ માનવીય રાહત કાર્યો તરફ પણ વાળ્યું.
જ્યારે બિહારમાં આકરો દુકાળ પડ્યો ત્યારે તેમણે સૌથી પહેલાં રાહત ફંડની શરૂઆત કરી. ચિત્રભાનુજીના વક્તવ્યથી પ્રભાવિત થયેલા લોકોએ દિલ ખોલીને દાન કર્યું. સ્થાનિક અખબારે એવો અહેવાલ પણ છાપ્યો કે દસ મિનિટના વક્તવ્યમાં ૫૦ હજાર રૂપિયા એકઠા થઈ ગયા. સપ્તાહના અંત સુધીમાં વધારે નાણાં એકઠાં થયાં.
જયપ્રકાશ નારાયણ (જે.પી.) ગાંધીજીના ખૂબ નિકટના અનુયાયી હતા. તેઓ ખૂબ જાણીતા સમાજસુધારક પણ હતા. તેમણે બિહારના લોકો માટે એકઠા કરાયેલા આ ભંડોળ વિશે સાંભળ્યું. તે મુંબઈ ચિત્રભાનુજીની સલાહ લેવા માટે આવ્યા જેથી કરીને તે ભંડોળ સારામાં સારી રીતે લોકોનાં હિતમાં વાપરી શકાય અને દુકાળમાં સપડાયેલા લોકોની હેરાનગતિ ઓછી કરવામાં તેનો ઉપયોગ થઈ શકે. ચિત્રભાનુજીએ જે.પી.ને પોતાના ૨૦ શિષ્યોની ટીમ આપવાનું કહ્યું. આ ટીમ સૂકા ધાન તથા અનાજ સાથે બિહાર જશે તથા ત્યાં મોટા રસોડા શરૂ કરશે. દરેક રસોડું ૩૦૦ લોકોને જમાડી શકશે. આમ રોજ ૫૦૦ લોકોને જમાડી શકાશે. જે.પી.એ આખી યોજનાનું નિરીક્ષણ કર્યું.
- ૮૫ -
ચિત્રભાનુજી