________________
ગુરુદેવ સાથે ભારત જઈ પાલીતાણાની તીર્થયાત્રાની યોજના બની રહી હતી. ડિસેમ્બર, ૧૯૯૧માં લાઈટ હાઉસના ૧૨ સભ્યો સાથે ન્યુ યૉર્ક અને અમેરિકાના અન્ય કેન્દ્રોના વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા અને ગુરુદેવ, પ્રમોદાજી તથા તેમના પુત્ર દર્શનને મળ્યાં. કૅથરીનના શબ્દોમાં કહીએ તો, ‘ભારતની આ તીર્થયાત્રા ચેતાતંત્ર માટે એક ઝાટકો બની રહી.”
પાલીતાણાનો પ્રવાસ એક પરિવર્તનશીલ અનુભવ બની રહ્યો- દરેકને શત્રુંજય પર્વતની ટોચે આધ્યાત્મિક નામ અપાયાં. સવાબે મામલ સુધીનું પર્વતનું ચઢાણ કરીને, અંદાજે ૩૦૦૦ પગથિયાં ચઢીને, ઓમ શ્રી શત્રુંજય આદિત્યનાથ નમનું રટણ કરતાં કૅથરીનને ચેતના નામ અપાયું અને તે ગુરુદેવની ત્યારે પહેલી વિદ્યાર્થી બની. આ ઉપરાંત લાઈટ હાઉસના અન્ય નવ શિષ્યોને પણ આધ્યાત્મિક નામ મળ્યાં અરુણા, અસ્મિતા, ભારતી, જિતેન, લલિતા, નૈના, પ્રાચી, સમતા અને વંદના.
આ સંદર્ભે કૅથરીને બાદમાં બહુ વિચારીને કહ્યું હતું, “દરેકનાં બે નામ હોય છે, એક નામ તમારો આધ્યાત્મિક ભાગ હોય છે, તમારી દૈવી જાત માટે હોય છે, એ ભાગ માટે જે તમારા આત્માનો પ્રતિનિધિ છે. અને બીજું નામ તમને પૃથ્વી પર આપવામાં આવે છે. જો તમે યોગ્ય સ્થિતિમાં હો, જો યોગ્ય સંજોગો પ્રાપ્ત થાય તો તમને એવું કોઈ મળશે જે તમારા આત્માનાં નામને પારખી શકશે. આમ ગુરુદેવ આત્માના નામને પારખે છે અને તે અમને જણાવે છે, આ નામ થકી અમારે જે કાર્ય કરવાનું છે તે અમે કરી શકીએ છીએ. ચેતનાનો અર્થ થાય છે શુદ્ધ બોધનાવસ્થાની શુદ્ધ જાગૃતિ. આમ જે પણ મારી દૃષ્ટિના માર્ગમાં અવરોધ બને છે તે દૂર થાય છે. દરેક નામનો એક અર્થ હોય છે.'
આ તીર્થાળુઓને ખબર પડી કે જૈન સાધુ અને સાધ્વીઓ ત્રીસ-ચાલીસ દિવસમાં નવ્વાણું વાર શત્રુંજય પર્વત ચઢવા અને ઊતરવા આવે છે. નવ્વાણુંનું આ તપ લેવામાં વિદ્વાનો, સામાન્ય માણસો, સ્ત્રીઓ અને સાવ આઠ વર્ષનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. લલિતા લ્યુસિલ ડોકે પોતાના અનુભવ વિશે બિકનના આગામી અંકમાં લખ્યું:
“દેરાસરોમાં જે રીતે ઘેરા આદર સાથે ગાતા ધ્વનિઓ વહી રહ્યા હતા તે સૌથી ગૂઢ અને સુંદર અનુભવ હતો. જાગ્રત આત્માઓ તરફથી અમારા પ્રતિ ઊર્જા વહી રહી હતી અને વળતા તેમાં પ્રેમ, જતન, સારપ, ક્ષમા, સ્વીકાર, સમજ અને કરુણાનો તાલમેલ થઈ રહ્યો હતો, જાણે બધા એ જાણતા હતા કે હવે જિંદગી પહેલા જેવી નથી રહેવાની; લોકો એ જાણતા હતા કે હવે પોતે પોતાના બધા આંતરિક શત્રુઓ પર વિજય મેળવવાની ઇચ્છા કરી શકે તેમ હતા.”
યુગપુરુષ
- ૧૭૪ -