________________
તેમના એક કેનેડિયન વિદ્યાર્થી ડૉ. બ્રુસ કોસ્ટેઈન - શ્રી ભદ્રબાહુએ “એપ્લાઈડ જૈનીઝમ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે જે તેમના ડિઝર્ટેશન અને પીએચડીના માસ્ટર થિસિસ ભેગા કરીને તૈયાર કરાયું હતું. પુસ્તકની ઘણી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે જે ચિત્રભાનુજીના પ્રભાવનો પુરાવો છે.
તેમના જીવનના વિકાસશીલ અને આધ્યાત્મિક અભિગમનાં કેટલાક પાસાં અહીં રજૂ કર્યા છે:
૧૯૬૬માં જ્યારે તેઓ મુનિ ચંદ્રપ્રભસાગર હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે આટલા સારા ઉપદેશક હોવા છતાં તેમના શિષ્યો કેમ ન હતા? તેમને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તેમના વક્તવ્યમાં ધર્મનાં પારંપારિક પાસાંઓ જેમાં મોક્ષની પ્રાપ્તિ ઇચ્છનાર મુનિનો માર્ગ પણ વણાયેલો હોય છે તેના કરતાં માનવતાની વાત પર કેમ વધારે ભાર મૂકવામાં આવે છે? લોકો જાણવા માગતા હતા કે તે સાધુત્વ કે દીક્ષાની તરફેણમાં છે કે વિરોધમાં?
હંમેશની માફક જ તેમણે શાલીનતા તથા સ્પષ્ટતાથી આખી વાતનો જવાબ આપ્યો હતોઃ
“મને નથી ખબર કે હું શ્રેષ્ઠ ઉપદેશક છું કે નથી; મને તો એટલું ખબર છે કે હું શિક્ષક છું. તમે એમ પૂછો છો કે મારે શિષ્ય કેમ નથી, પણ તમારે તો એમ પૂછવું જોઈએ કે હું શિષ્યો કેમ બનાવતો નથી.”
સત્ય એ રીતનું છે કે મારા માર્ગદર્શન હેઠળ દીક્ષા લેવા માટે તો ઘણા લોકોએ મને અરજ કરી. પણ મને લાગે છે કે ગુરુ બનવું એ કોઈ પણ ગુરુના આત્મા પર બહુ મોટો બોજ છે. હું અખબારોમાં રોજ કોઈના ને કોઈના સાધુ બનવાના, દીક્ષા લેવાના સમાચાર વાંચું છું, દીક્ષાવિધિનાં વખાણ પણ વાંચું છું, તે માટે ભેગા થયેલા ભંડોળ વિશે પણ જાણું છું અને જે ગુરુએ તે વ્યક્તિને દીક્ષા લેવા પ્રેરણા આપી તેમને વિશે પણ વાંચું છું. આગામી વર્ષોમાં તે ગુરુ કે શિષ્યનું શું થયું તેની કોઈને પરવા નથી હોતી કે તે અંગે ઉત્સુકતા નથી હોતી. ઘણી વાર કોઈ સામર્થ્યહીન ગુરુ પોતાની લાગણીઓની જરૂરિયાતને પગલે કોઈને શિષ્ય તરીકે સ્વીકારે છે. નવા શિષ્યને ગુરુની સેવા-ચાકરીમાં રહેવાનું હોય છે. ધાર્મિક જ્ઞાન આપવાને બદલે અથવા તો શિષ્યને ધ્યાનના કડક નિયમો શિખવવાને બદલે તેને લોકપ્રિયતા પર ધ્યાન આપવાનું કહેવાય છે. થોડાં વર્ષોમાં તે પોતાના ગુરુને કોરાણે મૂકીને પોતાની સફર શરૂ કરે છે અને પોતાના શિષ્યો શોધે છે જેથી તે પોતાની જાતને શિષ્યમાંથી ગુરુમાં ફેરવી નાખે !
યુગપુરુષ
- ૨૦૪ -