________________
‘પૂર્વના ધર્મોમાં અહિંસા સૌથી અગત્યનો આદર્શ છે. પદ્મ પુરાણ (૧:૩૧:૨૭)માં લખ્યું છે, ‘અહિંસા પરમો ધર્મ’ એટલે કે અહિંસા એ સર્વોચ્ચ કર્તવ્ય છે. આ પૂર્વના દેશોના ધર્મોએ લોકોને કરુણા શીખવી છે અને તેમણે પારંપારિક રીતે જ પ્રાણીઓનો પણ આદર કર્યો છે. આમાંથી મોટા ભાગનાં લોકો માંસ, માછલી, ઇંડાં અને મદિરા પાન નથી કરતા અને પ્રાણીઓ પ્રત્યેની તેમની કાળજી શાકાહારથી કંઈક ગણી વધારે હોય છે. તેમના ગ્રંથોમાં પ્રાણીઓ પ્રત્યે ઊંડો આદર અને પ્રેમ દેખાય છે. પ્રાણીઓના પ્રતીકો અને વાર્તાઓ હંમેશાંથી તેમની પરંપરાઓનો ભાગ રહ્યાં છે. સદીઓ સુધી ખાસ કરીને જૈનોએ ગુજરાતમાં ઘણી પાંજરાપોળ અને પ્રાણીઓનાં દવાખાનાંઓ શરૂ કરીને પ્રાણીઓની રક્ષા અને જતન કર્યાં છે. જોકે આજકાલના તકનિકી આધુનિકરણને લીધે લોકોને પ્રાણીઓ સાથે થતી ક્રૂરતાનો ખ્યાલ નથી આવતો. કતલ માટે પ્રાણીઓ સાથે જે વહેવાર અને શોષણ થાય છે તે આપણી કલ્પના કરતાં કંઈક ગણું વધારે છે. વળી, ભારતમાં મોટા ભાગના લોકો શાકાહારી હોવા છતાં દૂધની બનાવટો, સિલ્ક અને ઊનનો ઉપયોગ હજી પણ કરે છે. ઉપરાંત પ્રાણીજ ઉપ પેદાશોને કુકીઝ, કૅન્ડીઝ, વસ્ત્રો, પગરખાં, ઘર સાફ કરવાની ચીજો, પ્રસાધન, દવાઓમાં ઉપયોગમાં લેવાય છે અને રોજેરોજ ઘણા પ્રાણીઓનાં બલિ પણ ચઢાવાય છે.’
ડેરી ઉત્પાદનોના ઉપયોગને કારણે આપણે સીધી રીતે પ્રાણીઓ સાથે થતી હિંસાને ટેકો આપીએ છીએ. વ્યક્તિએ પ્રાણીઓ પ્રત્યે લાગણી નહિ પણ એ વિચારથી દૃષ્ટિ કેળવવી જોઈએ કે માણસ અને પ્રાણીઓ બન્નેને પોતાના જીવનનો માર્ગ કંડારવાની સ્વતંત્રતા હોય છે અને તેઓ એ રીતે જ આત્મરચિત વિધિના લેખને પૂર્ણ કરે છે.’
આખી દુનિયામાં અને વિવિધ સંસ્કૃતિઓમાં દૂધ રોજિંદા જીવનનો એટલો અગત્યનો ભાગ છે કે લોકોને દૂધનો ઉપયોગ કરતાં અટકાવવા એ સિંહ-કાર્ય છે. પરંતુ પ્રમોદાજી અને ગુરુદેવે નિશ્ચય કર્યો છે કે તેઓ દૂધ પ્રત્યેના લોકોના પારંપારિક અભિગમને સમજીને, તે સંપૂર્ણ આહાર છે તેવી માન્યતા પણ ભાંગશે, ખાસ કરીને શાકાહારીઓ માટે.
‘આપણને નાનપણથી જ શીખવ્યું છે કે દૂધ પોષક છે અને તે હાડકાં માટે જરૂરી છે.’ પ્રમોદાજી નોંધે છે. ‘હા માતાનું દૂધ ચોક્કસ ફાયદાકારક છે. પણ કોણ કહે છે કે આપણને આખી જિંદગી સુધી કોઈ બીજાં પ્રાણીનાં દૂધની જરૂર પડે છે. શા માટે માણસો આખી જિંદગી દૂધ પીવાનું ચાલુ રાખે છે? શું એ જરૂરી છે, કે પછી આપણે વર્ષોથી ચાલતી આવતી પ્રથા કે આદતને પગલે જ તે કરીએ છીએ ?’
- ૧૮૯ -
ચિત્રભાનુજી