________________
બહુ ઓછા લોકોને સમજાય છે કે તેમના ટેબલ પર પડેલો દૂધનો ગ્લાસ ખરેખર તો કોઈ વાછ૨ડા માટેના દૂધનો હિસ્સો છે. ‘જો તમારા બાળકને માતાનું દૂધ આપવાની મનાઈ ફરમાવાય તો તમને કેવું લાગશે?' પ્રમોદાજી પૂછે છે. ‘આપણે આવી સમસ્યાઓને પ્રાણીવિશ્વ સાથે નથી સાંકળતા. જાણે કે પ્રાણીઓ માણસ દ્વારા શોષણ થાય એ માટે જ પેદા થયા હોય અને માટે આપણે તેમની પર ત્રાસ ગુજારતા રહીએ છીએ. આપણે જે દૂધ પીએ છીએ તે અત્યાચારનો ભોગ બનેલી ગાય અને ભેંસોમાંથી આવે છે. આપણાં જીવનમાં જ્યારે હિંસા હોય ત્યારે આપણે અહિંસાની વાત કેવી રીતે કરી શકીએ ? નોબલ પ્રાઈઝ વિજેતા લેખક આઈસેક સિંગરે લખ્યું હતું, ‘આપણે બીજા પર દયા ન કરી શકીએ તો ઈશ્વર પાસેથી દયા કેવી રીતે માગી શકીએ ? આપણે બીજાને આનંદ આપીશું તો આપણને પણ આનંદ મળશે, પણ પીડાના બદલામાં તો પીડા જ મળશે.’
જો સામાન્ય માણસને ડેરી ઉદ્યોગ પ્રત્યેના તેના ખોટા ખ્યાલો દૂર કરવા માટે સમજવા પડે, ઢોળ ચઢાવવો પડે એમ હોય તો ડેરી ઉદ્યોગમાં દૂધ મેળવવા માટે દૂધાળાં પશુઓ-ગાયને કેટલી વિકટ પરિસ્થિતિમાં દોહવામાં આવે છે તેની પર પ્રકાશ પાડવો જરૂરી છે. અહીં આગળ મેનકા ગાંધીના પુસ્તક ‘હેડ્ઝ એન્ડ ટેલ્સ’ના અંશો રજૂ કર્યા છે. મેનકા ગાંધી પ્રખ્યાત એનિમલ એક્ટિવિસ્ટ, રાજકારણી અને ઇંદિરા ગાંધીનાં પુત્રવધૂ છે. તેમણે આ પુસ્તકમાં ગાયોની કપરી પરિસ્થિતિ વર્ણવી છે. ગાયોનું માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના બીજા હિસ્સાઓમાં પણ બહુ ક્રૂર રીતે શોષણ કરાય છે. તેના અંશો આ મુજબ છેઃ
ડેરીની ગાય પાસેથી સતત દૂધ મેળવવા માટે તેને દર વર્ષે સગર્ભા બનાવાય છે જે બે વર્ષની થાય ત્યારથી કરાય છે અને તેની ગર્ભાવસ્થા નવ મહિના સુધી ચાલે છે. ગાય વાછરડાને જન્મ આપે પછી દસ મહિના સુધી તેને દોહવામાં આવે છે- પણ તેના ત્રીજા મહિને જ તેને કૃત્રિમ રીતે વીર્યથી ફરી સગર્ભા બનાવાય છે અને બાકીના સાત મહિના તેના પેટમાં વછેરું હોય તો પણ તેને દોહવામાં આવે છે. બે વારની સગર્ભાવસ્થા વચ્ચે તેને માત્ર છથી આઠ સપ્તાહનો સમય અપાય છે. તેને દિવસમાં બે કે તેથી વધુ વાર દોહવામાં આવશે અને ભારતીય ડેરી ઉદ્યોગમાં વપરાતી ગાય આજે પહેલાં કરતાં પાંચ ગણું વધારે દૂધ આપે છે કારણ કે તેમનો જેનેટિકલી ઉછેર કરાયો હોવાથી તેમનાં આંચળ વધુ મોટા અને નાજુક હોય છે.
વધારે ઊપજ આપી શકે તે માટે ગાયને સોયાબીન અને સિરિયલ્સની ગોળીઓ અપાય છે. પણ તે પછી પણ દૂધની સતત માગ તેની ક્ષમતા પાર કરી જાય છે તે વધારે દૂધ ઉત્પન્ન કરવા પોતાના કોષનો જ નાશ કરે છે જેને પગલે તેને કેટોસિસ નામની બીમારી લાગુ પડે છે.
યુગપુરુષ
૧૯૦