________________
મુનિ ચિત્રભાનુજીના પ્રવચન પછી બહાર ભેગું થયેલું ટોળું આકુળવ્યાકુળ થઈ ગયું અને તેમણે બૂમ પાડવાની શરૂઆત કરી દીધી. એ સ્પષ્ટ હતું કે લોકોનું આ ટોળું ચિત્રભાનુજીને વાનમાં પગ પણ મૂકતાં રોકશે. બોમ્બના પોલીસ કમિશનરે આ વિરોધનો ક્યાસ મેળવી લીધો હતો અને તેમણે એ ઈમારતની આસપાસ વધારે પોલીસ ટુકડી તહેનાત કરી હતી. આ આખી ધાંધલધમાલ દરમિયાન ચિત્રભાનુજી બિલકુલ શાંત રહ્યા. તે હસતા હતા અને તેમણે સતત સ્વસ્થતા જાળવી રાખી. તેમણે તેમના નિકટના શિષ્યો જે પોતે વિરોધીઓની સામે જવા તૈયાર હતા તેમને કહ્યું ચાલો આપણે જઈએ અને એમનો સામનો કરીએ. તેમણે કીધું કે એ લોકો આપણને કોઈ જ નુકસાન નહીં કરે. યુરોપમાં તેમના પ્રવાસ દરમિયાન તેમની સાથે જનારા એક નિકટના વ્યક્તિ શાંતિલાલ ઝાટકિયાએ તેમને ખૂબ સ્પષ્ટતાપૂર્વક રોક્યા કે ના ગુરુદેવ લોકોના આ માનવમહેરામણમાંથી પસાર થવું અશક્ય હશે.
એ દિવસે ઘણી બધી નવી બાબતોનો જાણે ચીલો ચીતર્યો. જ્યાં એક જ દિશામાં ટ્રાફિક જઈ રહ્યો હતો તેવા રસ્તા પર શહેરના પોલીસ કમિશનરે જાતે વાન વિરુદ્ધ દિશામાં ચલાવી. આ પહેલાં તેમને ચિત્રભાનુજીને ઑડિટોરિયમના પાછલા દરવાજેથી બહાર કાઢ્યા અને ઍરપોર્ટ જવાનો વખત થયો ત્યાં સુધી એક મિત્રને ત્યાં આરામ કરવા પહોંચાડ્યા. એ સ્થળે ગુરુજી રાત્રે એક વાગ્યા સુધી હતા. આ દરમિયાન દસ દસ બસ ભરીને લોકોના ટોળેટોળાં હાથમાં પત્થર લઈને એરપોર્ટ પહોંચ્યા હતાં. જાણે તેઓ ચિત્રભાનુજીને જણાવી દેવા માગતા હોય કે તે પોતે તેમના વિરોધની બાબતે કેટલા ગંભીર હતા અને એરપોર્ટમાં પ્રવેશ પણ ન કરી શકાય એવી સ્થિતિ ખડી કરવા પણ તૈયાર હતા. આ કારણે ચિત્રભાનુજીને જુદા જ રસ્તે ઍરપૉર્ટ લઈ જવાયા. નિરાંતની વાત એ હતી કે જે મકાનમાં ચિત્રભાનુજી આરામ ફરમાવી રહ્યા હતા તેની આસપાસના વિસ્તારને ચોકીપહેરામાં રખાયો હતો. જેને કારણે લોકોનું ટોળું ત્યાં પહોંચી શક્યું ન હતું.
માનવમહેરામણના દેખાવોની અરાજકતાભરી સ્થિતિમાં પણ ચિત્રભાનુજીએ પોતાની માનસિક સ્થિરતા ન ગુમાવી, તે શાંત જ રહ્યા. તેમને પ્રશંસા કે ટીકા, કટાક્ષ કંઈ પણ વિચલિત ન કરી શકતું. તેમને સમજાઈ ગયું હતું કે આ વિરોધ ક્ષણિક હતો અને આપમેળે શાંત પડી જશે. તેમને કોઈકે સવાલ કર્યો કે તમને વિદેશ જતાં કેવી લાગણી થાય છે. તેમણે જવાબ વાળ્યો કે જાણે આધ્યાત્મની પાંખો મને જાતે જ ઊંચકીને વિશ્વ સાથે ભાગ લેવા લઈ જતી હોય તેવો.
યુગપુરુષ
- ૯૯ -