________________
તેની અંદર દેખા દેતા શત્રુઓને જ પારખે છે. હકીકતમાં આપણે બહાર જે જોઈએ છીએ તે આપણી આંતરિક દુનિયાનું જ પ્રતિબિંબ હોય છે. આ માટે આપણે પહેલાં આપણી જાતને અને આપણા દૃષ્ટિકોણને સાફ કરવાની જરૂર હોય છે.
જૈન સિદ્ધાંતોનો અભ્યાસ એ અનુભવ છે, પણ તે તેના સારાંશનો અનુભવ છે, તેના હોવાનો કે તેના માળખાનો નહીં. તે કોઈ રીતરિવાજ નહીં પણ આચરણ છે. આપણા અંદરના શત્રુઓ એ છે જે આપણને દુઃખી બનાવે છે, જે બેચેન બનાવે છે. બધી જ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં પણ માણસો દુઃખી અને અસંતોષી રહે છે. માણસની અંદર રહેલો આ ખાલીપો એટલા માટે હોય છે કારણ કે સમૃદ્ધ, આંતરિક જીવન પ્રત્યેની જાગૃતિ હજી આવી નથી હોતી. આ જાગૃતિની ખામીને કારણે જ આ ખાલીપો વર્તાય છે. કારણ અને અસરના બાહ્ય વિશ્વમાં રચ્યોપચ્યો માણસ હંમેશાં દુઃખી જ રહે છે. એક ઇચ્છા પૂરી થાય ન થાય ત્યાં તો સપાટી પર બીજી ઇચ્છા આવવા માંડે છે. આપણી અપેક્ષાઓ આપણને ક્યાંય પહોંચાડતી નથી. આપણે આ સમજવું રહ્યું અને જેના કારણે આપણે અલગ અલગ દિશાઓમાં ખેંચાઈ જઈએ છીએ તેને જાણીને તેનાથી પર થવું રહ્યું. આપણે પડછાયા પાછળ દોટ મૂકવા નથી આવ્યા પણ વાસ્તવિકતા જોવા માટે આવ્યા છીએ. એક વાર તમે તે જોઈ લેશો પછી તમે તેની સાથે એક થઈ જશો. પછી તમે કોઈથી ભાગતા નથી, કોઈની પાછળ નથી પડતા કે કોઈનો વાંક નથી જોતા. તમે તમારી જાતને માણો છો. જે વસ્તુ અંગે તમને સવાલ છે તેની પ્રકૃતિને જુઓ છો. તમને તમારા જીવનની દિશા ખબર હોય છે.
જૈન ફિલસુફી બે વિરોધી અને અંતિમવાદી લાગણીઓ, ગમો અને અણગમાને જીતવાની દિશામાં જ કાર્ય કરે છે. એ હકીકત છે કે માણસ જે આ બંને છેડાની વચ્ચે ખેંચાઈને જીવ્યા કરે છે તેને ક્યારેય શાંતિ નહીં મળે. આધ્યાત્મિક સ્તરે સંવેદનાત્મક સમજણ અને મનની સ્પષ્ટતાનો અર્થ એ છે કે આ બે વિરોધી બળોને સમજી લઈ તેમની નોંધ લઈને તેમને એ રીતે કાબૂમાં લેવાં કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય સંતુલન જાળવી શકે. આકર્ષણ અને અણગમા વચ્ચે લોલકની જેમ ઝૂલતો માણસ ક્યારેય કોઈ પણ સ્થિતિમાં ખુશ નથી રહી શકતો. આવી પરિસ્થિતિને સ્વતંત્રતા ન કહી શકાય.
માણસજાતનો હેતુ છે સમજણ કેળવવી અને આંતરિક ક્ષમતાનો વિકાસ કરવો. માણસ જાતના ઇતિહાસના આ તબક્કે હવે એ સમય આવી ગયો છે જ્યારે માણસ પોતે કાર્ય કરે, પ્રતિક્રિયા ન આપે. કારણ અને અસરના ગાળિયામાં સતત ફસાઈ રહીએ તો તેનો અર્થ આપણે એક ક્યારેય ન અટકનારા ચક્રવ્યુહમાં છીએ તેમ થાય
- ૧૨૫ -
ચિત્રભાનુજી