________________
તેમના ગુરુ પંન્યાસ શ્રી ચંદ્રસાગરજી સાથે વાત કરતા, તેમના ગુરુએ તેમને ખાતરી આપી કે નવા સાધુઓ સાથે આવું થતું જ હોય છે. આધ્યાત્મિક વિશ્વમાંથી અંદર-બહાર આવનજાવન થવી બહુ સ્વાભાવિક છે. તારા વિચારોનો સામનો કર, તેનાથી ભાગીશ નહીં. લાગણીના ઉતાર-ચઢાવના અસ્તિત્વને સ્વીકાર. તારા મિજાજમાં આવતાં પરિવર્તન અને મનની કલ્પનાઓને પણ સ્વીકાર. તારે અપરાધભાવ અનુભવવાની કે કશું પણ દબાવી રાખવાની જરૂર નથી. ધ્યાન ધરતી વખતે ઘણા વણજોઈતા વિચારો પણ આવશે. તે તમામ વિચારો પ્રત્યે માત્ર સાક્ષીભાવ રાખવો અને તેમને ગ્રહણ ન કરવા. તે બધા જ હંમેશાંની માફક પસાર થઈ જશે. તારાં લક્ષ્ય પર ધ્યાન આપીને ઊંડા શ્વાસ લે. ભૂતકાળના ડર સાથે તાદાભ્ય કેળવવાની કોઈ જરૂર નથી. તારા વિચારોને કોઈ રેલગાડી ચાલી જતી હોય તેમ જોવાનું રાખ. ગુરુએ એમ પણ સૂચન કર્યું કે ધ્યાનની સાથે તેમણે થોડો સમય શરીરને આરામ આપવા માટે પણ ગાળવો જોઈએ. શવાસન કરીને જતુ કરવાની શૈલી પણ મનને કેન્દ્રમાં લાવવા માટે ખૂબ મદદરૂપ થાય છે. મુનિશ્રીએ હિંદુ તત્ત્વચિંતનની મુખ્ય ધારાઓનો અભ્યાસ કર્યો ન્યાય, વૈશેષિકા, સાંખ્ય, મીમાંસા અને વેદાંત. તેમણે જૈન, બૌદ્ધ, આજીવિકા અને ચાર્વાક એમ અન્ય પ્રવર્તમાન ધાર્મિક માન્યતાઓનો પણ અભ્યાસ કર્યો. તેમણે જૈન સાહિત્યનો પણ અભ્યાસ કર્યો અને જાણ્યું કે ધ્યાન એ તેમનો સૌથી પ્રિય વિષય હતો. સમયાંતરે તેમણે ધ્યાન કરવા માટે પોતાનો આગવો ચાર પગલાંનો નિત્યક્રમ ઘડ્યો. hrim મંત્રથી તેઓ પુનર્જીવિત કરતા. hrimનો અર્થ બ્રહ્માંડની ચૈતસિક ઊર્જાનો પર્યાય છે. તેમણે આ મંત્ર પાંચ વાર બોલવાનું શરૂ કર્યું અને તે પછી જ તેઓ ૪૮ મિનિટનું મૌન ધ્યાન શરૂ કરતા.
સાધુ બન્યાના છ મહિના પછી મુનિશ્રી અન્ય વરિષ્ઠ સાધુઓ સાથે પાલીતાણા પહોંચ્યા. આગમ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. આચાર્ય શ્રી આનંદસાગરજીએ પછીથી સૂચવ્યું કે તેમણે જાત સાથે વધુ ઊંડું ઐક્ય કેળવવા માટે મૌનવ્રત લેવું અને ગૂઢ મનની હિલચાલ અને હેતુનો પણ અભ્યાસ કરવો. મૌનવ્રતના આ વિચારે તેમને આકર્ષા અને આત્મપૃચ્છાની પ્રક્રિયા માટે આ પ્રાથમિક પગલું બન્યું.
આ દરમિયાન એક અણધારી ઘટના બની. છોગાવાલજી, મુનિશ્રી ચંદ્રપ્રભના પિતાને અંતરથી આધ્યાત્મિક રસ્તે ચાલવાની ઘેરી લાગણી થઈ. તેમણે પોતાના પુત્રને પાલીતાણા જઈને મળતાં પહેલાં, પદ્ધતિસર પોતાનો વેપાર બંધ કરવાની અને અંગત મિલકત વગેરેથી છૂટા થવાની પ્રક્રિયાઓ કરી. તેમણે પોતાના પુત્રને જણાવ્યું કે તેઓ પણ દીક્ષા લઈને સાધુ બનવા માગે છે. મુનિને ખૂબ આશ્ચર્ય થયું.
- ૪૯ -
ચિત્રભાનુજી