________________
ક્ષમા વિરસ્ય ભૂષણમ, એટલે કે ક્ષમા એ વીરનું આભૂષણ છે.
પોતે જે સાધુ સાથે ઝઘડ્યા હતા તેની પાસે જઈને મુનિશ્રીએ માફી માગી અને પોતે પણ તેને કોઈ પણ શરત વિના માફ કર્યા. ત્યાર બાદ ગુરુએ સૂચન કર્યું કે આંતરિક શોધ ચાલુ રાખ. તારા વિચારો અને લાગણીઓ પર નજર રાખ. જ્યારે ગુસ્સો આવે ત્યારે તેનું મૂળ શોધવાનો પ્રયાસ કર. આ પ્રસંગ પછી મુનિશ્રી ફરી
ક્યારેય રોષનો શિકાર ન બન્યા. તે શીખી ગયા હતા કે પોતાની શક્તિશાળી અને વિનાશકારી ઊર્જાને કઈ રીતે કાબૂમાં લેવી. ત્યાર બાદ શરીર, મન અને વિચારોને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાના હેતુથી મુનિશ્રીએ જૈન પદ્ધતિનું તપ આદર્યું. જૈન પરંપરામાં આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારનાં તપ હોય છે. સંસારીઓ બાહ્ય તપ સહેલાઈથી કરી શકે છે જ્યારે અંતરનું તપ બહારની સપાટી પર નથી જોઈ શકાતું. બાહ્ય તપની એક રીત પ્રમાણે તમારે આકરી શારીરિક મહેનતને આધ્યાત્મિક વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવાની હોય છે. મુનિશ્રી અને તેમના પિતાશ્રીએ નવ્વાણું જાત્રા તપનું પાલન કર્યું, એટલે કે શ્રી આદિનાથ દાદાનાં દર્શન કરવા માટે નવ્વાણું વખત શત્રુંજય પર્વત ચઢવો.
ઉપવાસ એ અન્ય પ્રકારનું બાહ્ય તપ હતું. જૈનો દ્વારા અનુસરાતી વિવિધ ઉપવાસ પ્રથાઓમાંથી તેમને પસંદગી કરવાની રહેતી. દિવસમાં માત્ર બે વાર ખાવું, એક વાર ખાવું, જરાય ન ખાવું અને નિર્જળા એટલે કે પાણી સુદ્ધાં નહીં પીને જૈન પ્રથામાં ઉપવાસ કરાય છે. ઉપવાસ પાછળનો મૂળ હેતુ માત્ર ખોરાકથી દૂર રહેવાનો નથી પણ જાતને, મનને એવા સ્તરે લઈ જવાનો છે જ્યાં ખોરાક પ્રત્યેની કોઈ ઇચ્છા ન થાય. સાધુઓ માટે થોડા દિવસના ઉપવાસ તેમની નિર્ણયશક્તિનું માપ હોય છે. દરેક સાધુ એવો પ્રયાસ કરે કે તે સમયાંતરે એકસાથે વધારેમાં વધારે દિવસના ઉપવાસ કરી શકે. મુનિશ્રી ઉપવાસને શારીરિક જરૂરિયાતો પરનાં નિયંત્રણ તરીકે જોતા, માત્ર ખોરાકથી દૂર રહેવાની એક રીત તરીકે નહીં. ઉપવાસને કારણે વિચારોમાં પણ શુદ્ધતા આવે છે. એક દિવસના ઉપવાસથી ઘણા જીવોને અભયદાન મળે છે – એવું જીવતદાન અનાજ અને છોડના વિશ્વને એક દિવસ માટે મળે છે. તે શરીરને સાફ કરે છે અને મનની સજાગતાને ધારદાર બનાવે છે. બાહ્ય તપનું ત્રીજું રૂપ નિયત કરેલા સમય સુધી એકાંતમાં રહેવાનું હોય છે. શારીરિક દુનિયામાંથી ચોક્કસ સમય સુધી દૂર થઈ જવાથી વ્યક્તિને પોતાની જાત સાથે રહેવાનો સમય મળે છે.
જ્યાં સુધી આંતરિક તપનો સવાલ છે ત્યાં સુધી જાતને ક્ષુલ્લકતા, ગુસ્સા અને ગર્વથી પર લઈ જવાની પ્રક્રિયા થાય છે, જે કોઈ પણ સાધુ માટે અગત્યનો ગુણ છે. સાથી સાધુઓની સેવા કરવી, તેમની માંદગીમાં સારવાર કરવી, તેમનાં વસ્ત્ર ધોવામાં મદદ કરવી કે તેમના માટે ગૌચરી લાવવી તે પણ આંતરિક તપનો જ એક પ્રકાર છે.
યુગપુરુષ
- ૫૨ -