________________
લીધી તે પહેલાંના સંબંધને પગલે આધ્યાત્મિક વિકાસમાં આવતા કોઈ પણ સંભવિત અવરોધોથી પર જવા માટે તેમણે એકબીજાની સાથે મૌન પાળવાનો નિર્ણય લીધો. જોકે તે બન્ને એકબીજાની હાજરી નવી રીતે માણતા થયા. તેમનો સંબંધ ખરેખર તો વધારે વિકસ્યો અને નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો. સામાજિક કે શારીરિક રીતે તેઓ પિતા પુત્ર હોઈ શકે પણ આધ્યાત્મિક રીતે તેઓ ગુરુ શિષ્યના સંબંધે બંધાયા. તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકો તેમની અનોખી જોડી જોઈ આશ્ચર્ય પામતા. બીજી બધી ગણતરીઓની પાર જઈને માત્ર આધ્યાત્મિક ખોજને લક્ષ્યમાં રાખવાનાં તેમના નિર્ણયને બિરદાવતા. તેમણે એક સાથે ચોમાસાના ચાર મહિના તેમના ગુરુ ચંદ્રસાગરજીની હાજરીમાં પસાર કર્યા.
ઘણી વાર મૌન પણ છેતરામણું અને ઉપરછલ્લું હોય છે. મુનિશ્રીને એ બાબત પોતાના અનુભવ પરથી ખબર પડી. એક વખત તેમના સમૂહમાં હજી એક વર્ષ પહેલાં જ દીક્ષા લઈને જોડાયેલા એક સાધુ પર મુનિશ્રીને કોઈ બાબતે ગુસ્સો આવ્યો. મુનિશ્રીને તે સાધુનો વહેવાર તોછડો લાગ્યો. લાંબો સમય સુધી તેમણે અવગણના કરવાનો પ્રયાસ કર્યો પણ તેમની જાણ બહાર તેમના હૈયે ઘણી અકળામણ અને ચીઢ ભેગાં થયાં હતાં. એક વખત તેમણે જોયું કે નવાસવા સાધુએ ગુરુની સાથે મૌનવ્રત દરમિયાન તોછડાઈથી વર્તન કર્યું. મુનિશ્રીને ધરબાઈ રહેલી લાગણીઓ જાણે લાવાની જેમ ફાટી નીકળી. ગુસ્સાએ તેમને અંધ કરી દીધા અને ગણતરીની ક્ષણોની આકરી દલીલોમાં તો તેઓ હાથાપાઈ પર ઊતરી આવ્યા. એ સાવ ભૂલી ગયા કે પોતાને મૌન પાળવાનું હતું અને એક જૈન મુનિ તરીકે તેમનું સૌથી પહેલું વચન અહિંસાનું હતું. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરે તે સાધુને બન્ને ખભેથી ઝાલીને દીવાલ તરફ ધકેલ્યા. તેમના ગુરુ આમાં વચ્ચે ન પડ્યા. તેમણે પોતાનાં શિષ્યોને એટલો સમય આપ્યો કે તેમને સમજાય કે પોતે શું કરી રહ્યા છે. પોતાની અકળામણના આ હુમલા પછી મુનિશ્રી હેબતાઈ ગયા હતા અને પોતાનાં વર્તનથી ખૂબ શરમ અનુભવી રહ્યા હતા. બહારથી શાંત સાધુ જેવો દેખાવ કરવો અને મનમાં આટલો બધો રોષ ભરી રાખવો એ તો છેતરામણું છે. માત્ર વસ્ત્રો બદલ્યાં છે પણ મેં મારો સ્વભાવ નથી બદલ્યો. જો મારા વિચારો અને લાગણી પર મારો જ કાબૂ ન હોય તો હું બીજાને કઈ રીતે નિયંત્રિત કરી શકું. મુનિશ્રીને આ પછડાટનો બહુ આઘાત લાગ્યો હતો. આ ઘટના પછી તેઓ પોતાની નબળાઈ પર ખૂબ રડ્યા. તેમણે પોતાની માનસિક સ્વસ્થતા કેળવવા માટે મંત્રોચ્ચારનો આશરો લીધો. સમયાંતરે તે શાંત થયા. તેમને સુમતિ પણ આવી. તેમના મનમાં યોગ્ય વિચારો આવ્યા. તેમને મહાવીરના એ શબ્દો યાદ આવ્યા જે અવારનવાર તેમના ગુરુ પોતાના શિષ્યો અને અનુયાયીઓના લાભ માટે દોહરાવતા,
- ૫૧ -
ચિત્રભાનુજી