________________
તેમને ખૂબ ગમતી છતાં પણ તેમને જાત માટે પૂરતો સમય ન મળતો હોવાની લાગણી થતી. આ વિચાર સાથે તેમણે અને તેમના પિતાએ માઉન્ટ આબુ જવાનું નક્કી કર્યું. ચિત્રભાનુજીના પિતાશ્રી દરરોજ બંને માટે ગોચરી લઈ આવેલા જેથી ચિત્રભાનુજીને ધ્યાન ધરવામાં કોઈ અવરોધ ન આવે. ૧૭ દિવસ સુધી ચિત્રભાનુજીએ એકાસણાં એટલે કે માત્ર એક વાર એક જ સ્થળે એકી બેઠકે જેટલું ખવાય તેટલું જ ખાવું તેવું તપ આદર્યું. તેમને આ સત્તર દિવસ દરમિયાન ઊંડી શાતાનો અનુભવ થયો. મહાવીર સ્વામીના શબ્દો તેમના કાનમાં પડઘાયા કરતા અને તેઓ મહાવીર સ્વામીનો અહિંસાનો સૌથી અગત્યનો એવો સંદેશ રોજિંદી જિંદગીમાં પણ લાગુ કરવા માગતા હતા. અહિંસા માત્ર સજીવો પ્રત્યે કે ખોરાકમાં જ નહિ પણ વિચારો અને કર્મમાં પણ હોવી જોઈએ. તેમણે શાંત સુધારસનું વાંચન કર્યું હોવાનું યાદ આવ્યું. શાંત સુધારસ જૈન સાધુ યશોવિજયજીએ આલેખી હતી જેમાં બાર ભાવનાઓ એટલે કે ચિંતનોની વાત હતી અને તેની સાથે ચાર પુરક ભાવનાઓની પણ વાત હતી જે આંતરિક શાંતિનો સમુદ્ર છલકાવી શકે છે. તેમણે જાણ્યું કે ચાર પુરક ભાવનાઓ જેમ કે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થીને પગલે ખરી અહિંસાના પાયાનાં તત્ત્વો રોપી શકાશે.
આ બધા વિચારો શરૂઆતમાં તો કોઈ પણ શાબ્દિક અનુભૂતિ વિના જ આવતા હતા. પછી કંઈક થયું જેને કારણે તેમની વિચારધારા તેમની અંદરથી, હૈયાનાં ઊંડાણમાંથી શબ્દો થકી વ્યક્ત થવા માંડી. તેમના વિચારો અને લાગણીઓએ ચોક્કસ ભાષાકીય આકાર લેવાનું શરૂ કર્યું. તેમણે મોટેથી કેટલાક શબ્દો ઉચ્ચાર્યા. કોઈ પણ દેખીતા પ્રયાસ વિના આ રીતે જ એક કાવ્ય રચાયું. તેમણે પોતાની પાસે હંમેશાં રાખતા એ પૈન અને ડાયરી ઉપાડ્યાં અને તીવ્ર સર્જનાત્મકતાની એ ક્ષણોમાં તેમણે લખવાની શરૂઆત કરી. શબ્દો ને પ્રવાહ કોઈ જાદુ કે ચમત્કારની માફક હતો. તેમણે જે શબ્દો લખ્યા તે ચિરંતન ગીત – અમર સ્તવન બની ગયાં. શરૂઆતમાં તો તેમણે હિંદીમાં લખ્યું પણ એક વાર વિચાર યોગ્ય ક્રમમાં આવ્યા પછી તેમણે આ પંક્તિઓને ગુજરાતીમાં અનુવાદિત કરી.
- ૬૩ -
ચિત્રભાનુજી