________________
રૂપનાં આકળા મનને વૃદ્ધ માણસના આ શબ્દોએ આખરે ધરપત આપી. એનો શોક અને આઘાત ઘણાં ઓછા થઈ ગયાં. માતાનાં અચાનક મૃત્યુ અને અચાનક જ તે દેખાતી બંધ થઈ ગઈ એની પર આંસુ સારવાને બદલે, રૂપે વૃદ્ધ વડીલના શબ્દોથી આકર્ષાઈને તેણે પોતાના વિચારો પગલે પુનઃજન્મ અને જિંદગીના વિચારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આટલી સરસ જગ્યાએથી પાછી ફરીને મા મારી પાસે શા માટે આવે? એ ત્યાં બહુ ખુશ હશે. એને પાછાં શા માટે આવવું હશે?
રૂપનાં નાનકડાં મનમાં વારંવાર ખડા થતા આ બાળસહજ સવાલોમાં તત્ત્વચિંતનનો સૂર હતો, પણ એ કોઈ ચોક્કસ જવાબ વગરના સવાલ હતા. આ સંઘર્ષ કંઈ સહેલો નહોતો. મોટા ભાગે એ ધૈર્યવાન અને શાંત રહેતો પણ ક્યારેક ક્યારેક ગુસ્સાની છાંટ દેખાઈ જતી અને અકળામણનું વાદળ એના મનને ઘેરી વળતું.
ના! એ જ્યારે પાછી ફરશે ત્યારે હું તેની સામે જોઈશ પણ નહિ. હું તેની સાથે વાત નહીં કરું, એ રડશે. હું તેનાં આંસુની પણ અવગણના કરીશ. તેને દિલગીરી થવી જ જોઈએ. તેણે મને સમજાવવું જ પડશે કે એ મને છોડીને કેમ ચાલી ગઈ અને પછી જ હું તેની વાત માનીશ. હું મારા હાથ એની ફરતે વીંટાળી દઈશ અને એને એક આલિંગન આપીશ અને અમે ફરી એકદમ પાક્કાં દોસ્ત બની જઈશું.
માતાનાં અચાનક મૃત્યુને સ્વીકારવાની તકલીફજનક પ્રક્રિયા ધીરે ધીરે શરૂ થઈ હતી. રૂપે મનમાં માની છબી બનાવી દીધી હતી અને તે મનમાં એની સાથે પોતાના સંવાદની કલ્પના કરતો, જેમાં મા એના વિચારો અને લાગણીઓનો પ્રતિભાવ આપતી. આ છબી એક રીતે એ માધ્યમ હતું જેના થકી સમયાંતરે તેને જીવન અને મૃત્યુની વાસ્તવિકતાઓ સમજાવવાની હતી.
કદાચ આ ધીમો અને અઘરો સમય નાનકડા રૂપ માટે જીવનનો જરૂરી તબક્કો હતો. આખરે આ દરમિયાન જ તેમના મનમાં આધ્યાત્મિકતાનાં બીજ રોપાયાં.
આ ઉધ્વરોહી વિચારોને કારણે રૂપનું રૂપાંતર, આગામી વર્ષોમાં ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીમાં થવાનું હતું.
યુગપુરુષ
-
૮
-