________________
હતા. પરંતુ આ વખતે તેઓ પોતાની જાતને એકઠી ન કરી શક્યા. ઊંડે ઊંડે તેમની અંદર કંઈક તૂટી ગયું હતું અને લાગતું હતું કે જાણે તે ફરી ક્યારેય સ્વસ્થ નહીં થઈ શકે. તે વધારે ધાર્મિક અને અંતર્મુખી બની ગયા.
પિતાનો મૂક શોક અને બહેનની ગેરહાજરીને કારણે રૂપને બહુ જ એકલું લાગવા માંડ્યું. એ જ્યારે નિશાળેથી ઘરે પાછો ફરતો ત્યારે પોતાની આસપાસના ખાલીપાને વેઠી ન શકતો. તેણે પણ જાણે બધી બાબતોમાંથી મન ખેંચી લીધું અને શાંત થઈ ગયો. એ હવે તરવરિયો તોફાની છોકરો નહોતો રહ્યો જે બધાને ખીજવતો રહેતો. હવે તે કુદરતમાં દિલાસો શોધવા માંડ્યો. શાળાએથી પાછા ફરતાં તે નજીકની ટેકરીએ કે જંગલમાં દોડી જતો. વાતાવરણની સ્થિરતા અને પંખીઓનો કલરવ, આ સમયે એને માટે એક માત્ર આશ્વાસન બની રહ્યાં હતાં.
આ સમયે છોગાલાલજી તેને પાલીતાણા લઈ ગયા જે જૈનોનું અગત્યનું તીર્થસ્થાન છે અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં આવેલું છે. પવિત્ર પર્વત શત્રુંજય ૫૨ પ્રસરેલાં હજારો જૈન મંદિરોનું રમણીય દશ્ય જોઈને તેનું હૃદય શાંતિથી છલકાઈ ગયું. તેઓ પ્રતિષ્ઠિત જૈન સાધુ આચાર્ય શ્રી વિજય ભક્તિસુરીશ્વરજીને મળ્યા. દિવસો સુધી તેમણે આચાર્યશ્રીના સવાર અને સાંજનાં પ્રવચનો સાંભળ્યાં. આ સમયે પહેલી વાર રૂપને જૈન ધર્મના નાજુક મુદ્દાઓની ઊંડી સમજ મળી હતી. પિતા અને પુત્ર, ઘરનાં વાતાવરણમાંથી પોતાને થોડો સમય મુક્ત કરી શક્યા, જ્યાં તેમને સતત મગીની યાદ સતાવતી હતી. આ વખતે છોગાલાલજી અને રૂપ પોતાની પીડામાં એકસાથે હતા અને તેમણે પોતાના સંબંધનું નવું પાસું પણ મેળવ્યું. રૂપને પણ પિતાનાં આંતરિક લક્ષણો અને પ્રકૃતિની નાની-નાની બાબતોની જાણ થઈ, જેને કારણે તેને પિતા પ્રત્યે વધારે ને વધારે પ્રેમ અને આદરની લાગણી થઈ. રૂપને પિતાના ચારિત્રની ક્ષમતા આપમેળે સમજાઈ અને તેણે મનમાં ને મનમાં તેની પ્રશસ્તિ પણ કરી. તેમના મનના ઘા સારી પેઠે ન રુઝાયા ત્યાં સુધી તેઓ બન્ને પાલીતાણા રહ્યા. છોગાલાલજી જિંદગીનો સામનો કરવા તૈયાર છે તેવું લાગ્યું પછી જ તેઓ બન્ને પાછા ફર્યા.
છતાંય રૂપનું નાનકડું મન હજી સાજું નહોતું થયું. તેનાં મનમાં સતત પ્રશ્નો ચાલ્યા કરતા. તેણે પોતાની કાયમી સાથીદાર ગુમાવી હતી. પરંતુ તેના પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો મળતો; તે બધા તેની આસપાસ ફર્યા કરતા. એ ગમે તેટલો પ્રયત્ન કરે તોય તે કોઈ સંતોષકારક નિરાકરણ પર નહોતો પહોંચી શકતો, કે ન તો એને એ ઘટનાઓનું તાર્કિક કારણ મળતું જેને પગલે એની વહાલી બહેન એની પાસેથી છીનવાઈ ગઈ હતી.
મગી ક્યાં ગઈ? કેમ? એ અમારી માતાને મળવા ચાલી ગઈ?
- ૧૩ -
ચિત્રભાનુજી